ગંજ-બાસોદા (વિદિશા, મધ્યપ્રદેશ)માં લગભગ 40 વર્ષથી નેત્રશિબિર, નિશુલ્ક જલસેવા, ભોજનાલય, કપડાનું વિતરણ, દવા-વ્યવસ્થા જેવાં અનેક સમાજ-સેવાનાં કામોમાં વ્યસ્ત 83 વર્ષના કાંતિલાલભાઈ હરિયા(શાહ)ની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ ગંજ-બાસોદામાં, 7 ભાઈ-બહેનોનું બહોળું કુટુંબ. પિતા પોતાનો ધંધો કરતા, સ્વતંત્ર-સેનાની હતા, વળી નગરપાલિકાના અધ્યક્ષ હતા અને સમાજસેવામાં પ્રવૃત્ત હતા. કાંતિલાલભાઈએ ૮મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પિતાજીના ધંધામાં લાગી ગયા. 40-45 વર્ષ દુકાન ચલાવી. મેડિકલની દુકાન પણ ચલાવી. તે ધંધામાં બહુ નફો છે! છેલ્લાં 25 વર્ષથી તેઓ પોતાની દુકાન ગયા જ નથી! બધો સમય સમજ-સેવામાં આપે છે. પિતાજીનો સેવાનો વારસો કાંતિલાલભાઈએ લીધો છે. તેઓ નાગરિક-સેવા-સમિતિ, રામાયણ મંડપ સંઘ, મુક્તિધામ જેવી અનેક સંસ્થાઓ દ્વારા બાસોદા અને આસપાસના વિસ્તારમાં સેવાનું કામ કરી રહ્યા છે. તેમના પરદાદા અને બીજાં વડીલો સવાસો વર્ષ પહેલાં કચ્છથી અહીં આવી વસ્યાં હતાં અને હવે તેમને માટે તો ગંજ-બાસોદા જ જન્મભૂમી અને કર્મભૂમિ છે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે વહેલા ઊઠી એક કલાક કસરત કરે. અનુલોમ-વિલોમ-કપાલભાતિ અને ચાલવાનું. 8:30 થી 12:30 અન્ન્સેવામાં વ્યસ્ત! છેલ્લા 41 વર્ષથી જરૂરતમંદ લોકોને રોટી-સબ્જી અને ખીચડી સવાર-સાંજ ખવડાવે છે. કોઈની વર્ષગાંઠ કે સારો પ્રસંગ હોય તો તેમની સેવા મળી જાય, સહયોગ મળી જાય. સેવા-સદન કેમ્પમાં સાંજે પણ ભોજનાલય ચલાવે છે. જરૂરી લોકો માટે દવાની તથા ચશ્માની વ્યવસ્થા કરે. મા-બાપની યાદગીરીમાં ૫ વર્ષથી સો બહેનોને દર વર્ષે સિલાઈ-મશીન આપે છે. કપડાં-વાસણ, જરૂરી વસ્તુઓ પહોંચાડે છે અને શાળાઓમાં મદદ કરે છે.
શોખના વિષયો :
સેવાએ સૌથી મોટો શોખ! લોકોને મદદ કરવી ગમે. ભજન અને સંગીતમાં રસ ખરો. વાંચવું ગમે. ધાર્મિક ક્રિયાઓ ઓછી કરે, મંદિરે જાય, પણ સેવાના કામ વધારે કરે. ફરવાનો શોખ હતો. ચારધામ, અમરનાથ, કેસરિયાજી વગેરે જઈ આવ્યા છે વિદેશ-યાત્રા પણ કરેલી છે. દર વર્ષે લોકોને ધાર્મિક-સ્થાનોની યાત્રા કરાવે છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. સવારે કલાક કસરત કરે છે. તેમને બાયપાસ અને પ્રોસ્ટેટનાં ઓપરેશનો થયેલાં છે. દવા કરતાં દુઆ જ તેમને માટે વધુ કામ કરે છે, તેવું તેમનું માનવું છે!
યાદગાર પ્રસંગ:
1995માં રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માની હાજરીમાં, પોતાના પિતાની યાદમાં, આઠ એકર જમીન તેમણે કન્યા-મહાવિદ્યાલય માટે દાનમાં આપી હતી. આજે ત્યાં બહુ સરસ કન્યા-વિદ્યાલય બની ગયું છે, જ્યાં 2000થી વધારે કન્યાઓ ભણી રહી છે!
સરકારની (આવાસ) યોજનામાં અઢી લાખની મદદની સામે તેમણે પણ બે લાખની મદદ કરી અને બધી કામ કરનાર બહેનોનાં મકાન બની ગયાં! જો ધનવાન માણસો પોત-પોતાના માણસોનું જ ધ્યાન રાખે તો પણ બધાનું સચવાઈ જાય!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
આંખની (રેટિનાની) તકલીફ છે એટલે તેઓ માત્ર મોબાઈલનો ઉપયોગ કરે છે, પણ, તેમની નાગરિક સેવા સમિતિની ઓફિસમાં બધું કામ નવી ટેકનોલોજીની મદદથી જ થાય છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાનો જમાનો સંસ્કારનો જમાનો હતો. અત્યારે જાહોજલાલી છે, પણ સંસ્કાર નથી. પૈસા છે, પણ સંતોષ નથી. વડીલોને આદર-સન્માન મળતાં નથી. બાળકો ઓછાં થઈ ગયાં છે. ગરીબ કોઈપણ સમાજનો હોય, તેને મદદ કરવી જોઈએ. આજકાલ બદલાવ આવી ગયો છે: ભણેલા લોકોને દસ-બાર હજારનો પગાર મળે છે જ્યારે મહેનત કરનાર લોકો મહિને 30-35,000 કમાઈ લે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ગામની યુવા-પેઢીને સકારાત્મક કાર્યો કરવા તેઓ સતત માર્ગદર્શન આપતા રહે છે, પણ હવે ગામમાં બાળકો અને યુવાનો ઘણાં ઓછાં થઈ ગયાં છે, ઘણાં ઘરોમાં એક જ બાળક હોય છે. તેઓ નોકરી-ધંધો કરે કે સેવા કરે? ભણી-ગણીને બાળકો અને યુવાનો ગામની બહાર નીકળી જાય છે, તેઓ બીજા સમાજમાં હળેમળે છે, બીજા સમાજમાં લગ્ન કરે છે.
સંદેશો :
તેમનું માનવું છે…. ભગવાને તમને આપ્યું છે તો વાપરો, પણ તમારા પોતાનાથી આગળ પણ આપો. પોતાની કમાણીના 25% ગરીબોને મદદ કરવી જ જોઈએ. પુત્ર સપુત હોય તો પૈસા મૂકી જવાની જરૂર નથી અને પુત્ર કુપૂત હોય તો પણ તમારા પૈસા બચવાના નથી. માટે તમે જાતે જ તમારા પૈસા જરૂરી લોકોને, ગરીબોને આપો અને તેમની મદદ કરો. સત્યવાદી બનો અને ઈમાનદારીથી જીવન જીવો.