નોટ આઉટ @ 82 : ગીતાબહેન વ્યાસ 

વહુઓ (પ્રીતિ અને જાગૃતિ) પાસેથી મોબાઇલ વાપરતાં અને તેની જુદી-જુદી એપ્લિકેશન્સ (youtube, whatsapp, facebook, Uber વગેરે)નો ઉપયોગ કરતાં શીખી આત્મનિર્ભર થઈ સ્વતંત્ર જિંદગી જીવતાં ગીતાબહેન વ્યાસની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ વડોદરામાં થયો. સાત બહેન અને એક ભાઈનું બહોળું કુટુંબ હતું. પિતા વડોદરા રેલવે-સ્ટેશનના સ્ટેશન-માસ્ટર હતા. પાંચ વર્ષે ગીતાબહેને માતાને ગુમાવ્યાં. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ઠાકર હાઇસ્કુલ, અમદાવાદમાં કર્યો.  22 વર્ષે લગ્ન કરી તેઓ અમરેલી આવ્યાં. તેમણે તેમનાં સાસુની બહુ ચાકરી કરી છે એટલે અત્યારે વહુઓ તેમનું બહુ ધ્યાન રાખે છે અને બદલો મળે છે! આ વખતે તેમની વર્ષગાંઠને દિવસે વહુએ સત્સંગ-મંડળની બહેનો માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. ‘મધર્સ-ડે’ના દિવસે તેમને ગમતી વાનગી ફાફડા-જલેબીની સરપ્રાઈઝ આપી હતી!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છ વાગે ઊઠે. નિત્યક્રમ પરવારી સાડા સાતે હવેલી મંદિરમાં દર્શન કરવા જાય. ઘરે આવી સ્તુતિ, ભગવાનની માળા, પાઠ, આરતી વગેરે 11.00 વાગ્યા સુધી ચાલે. પછી છાપું હાથમાં લે. ઉપરથી નીચે સુધી છાપું વાંચી જાય! 12:30 વાગે જમ્યા બાદ પૂર્તિ, ર્ધર્મલોક, ભવિષ્ય વાંચે. બપોરે આરામ કરે. ઊઠીને ફોન હાથમાં લે અને youtube ઉપર તેમને ગમતાં ભજનો સાંભળે અને જુએ. સાંજે પાંચથી સાડા સાત સુધીનો સમય સોસાઈટીનાં મિત્રો સાથે, વાતો-ચીતો કરે, ખબર-અંતર પૂછે. ઘેર આવી સાડા આઠે જમે. ત્યારબાદ ટીવી ઉપર દીકરા સાથે મેચ જુએ અને વહુ સાથે સીરીયલો માણે.  10:00 વાગ્યે સૂઈ જાય. એકદમ નિયમિત જીવન જીવે છે.

શોખના વિષયો : 

ભજન સાંભળવા ગમે. હરવા-ફરવાનો, હોટલમાં જવાનો શોખ. ચારધામ યાત્રા કરી છે. પતિ સાથે દર વર્ષે હરદ્વાર જતાં. 15 વર્ષ પહેલા પતિનો સ્વર્ગવાસ થયો. અમેરિકામાં પણ ઘણું ફર્યા છે. મોટીબહેન અને કુટુંબનાં ઘણાં સભ્યો અમેરિકા રહે છે. ચોથી પેઢીના બાળકને આવકારવા હાલ બીજીવાર અમેરિકા ગયાં છે. ખાવાનો શોખ, રસોઈ બનાવવાનો શોખ. જો કે હવે વહુઓ રસોડામાં કામ નથી કરવા દેતી! તૈયાર થઈ ફોટા પડાવવા પણ ગમે. સાયકલ ચલાવવાનો શોખ. શાળામાં દર શનિવારે થતી ચર્ચા-સભામાં ભાગ લેતાં. રમતગમતનો શોખ. દોડ, લાંબો-કૂદકો વગેરેમાં ઇનામો પણ મેળવતાં. ગરીબોની સેવા કરવી ગમે. જરૂરિયાતમંદોને પૈસા આપે. મંદિરમાં ઓછા આપે. ભરતામાં નહીં ભરવાનું એવો સ્વભાવ!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત બહુ સરસ છે. કોઈ દવા લેતાં નથી. વર્ષમાં એકાદ વાર માથું દુખે કે પેટમાં દુખે- ધાર્યું ન થાય ત્યારે! હસતાં-હસતાં કહે છે! કોરોનાની ઝાપટમાં આવી ગયાં હતાં પણ હિંમતથી કામ લીધું અને બહાર નીકળી આવ્યાં! પગની  થોડી તકલીફ છે. પહેલાં કસરત કરતાં. માતાજી અને શંકરદાદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. વહુઓ બહુ સાથ આપે છે, દીકરાઓ ક્યારેક મશ્કરી કરે!

યાદગાર પ્રસંગ:  

લગ્ન પછી તેઓ અમરેલીમાં હતાં.  તેમને  સાયકલ ચલાવવાનો શોખ. આસપાસની બહેનોને લાગે કે સ્ત્રીઓ કંઈ સાયકલ ચલાવેતેમણે દીકરાને પાછળ બેસાડી લેડીઝ-સાયકલ આખા ગામમાં ફેરવી અને ગામની બહેનો ખુશ થઈ ગઈ! “ગામડાની અને શહેરની છોકરીઓનો તફાવત” એ વિષયની ચર્ચામાં ભાગ લઈ તેમણે પહેલું ઇનામ મેળવ્યું હતું. અમેરિકામાં પૌત્રીના લગ્નમાં નાચી-કૂદીને એન્ટ્રી લીધી હતી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

વહુઓ પાસેથી મોબાઈલ વાપરતા શીખ્યાં. કોઈ એકવાર કંઈ નવું શીખવાડે એટલે તેમને તરત આવડી જાય. UBERથી ગાડી કે રીક્ષા બુક કરી, મિત્રો સાથે ફરવા જાય. ટેકનોલોજીની મદદથી એકદમ સ્વતંત્ર જીવન જીવે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘર ચલાવવાની અને ઘરનું કામકાજ કરવાની પદ્ધતિ સાવ બદલાઈ ગઈ છે. તેઓ પાણી બહારથી ભરીને લાવતાં, મસાલા જાતે ખાંડતાં, અનાજ જાતે સાફ કરતાં, પાપડ ઘેર બનાવતાં….પણ હવે તો બધું જ બદલાઈ ગયું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

બંને બાજુ મોટું કુટુંબ છે. કુટુંબમાં, પ્રસંગે બધાં યુવાનોને મળે. સત્સંગ-મંડળમાં, હવેલીમાં જાય એટલે ત્યાં પણ યુવાનો મળે. તેમને બે દીકરા, ત્રણ પૌત્ર- પૌત્રી છે. પૌત્ર-પૌત્રી વગર તો બિલકુલ ગમે જ નહીં

સંદેશો :  

કુટુંબમાં સૌએ એકબીજાને અનુકૂળ થવું જોઈએ. યુવાનોએ વડીલોની સેવા કરી તેમની ફરમાઈશ પૂરી કરવી જોઈએ.