નોટ આઉટ @ 82: ડો. ભરતભાઈ ભગત

રાજ્યમાં પોલિયો-નાબૂદીને આંદોલનનું સ્વરૂપ આપવા પોલિયો-ફાઉન્ડેશનના શ્રીગણેશ કરનાર, અમદાવાદની તબીબી-ક્ષેત્રે સુપ્રસિદ્ધ સંસ્થા હેલ્થ-એન્ડ-કેર ફાઉન્ડેશનના સ્થાપક-પ્રમુખ-મેનેજિંગ-ટ્રસ્ટી, મગજના લકવાના બાળ-દર્દીઓનો મોટો આધાર, રેટીનોપથી-ઓફ-પ્રિમેચ્યોરીટી તથા  HIV-AIDS જાગૃતિનાં કામમાં અગ્રેસર એવા કર્મયોગી ડોક્ટર ભરતભાઈ ભગતની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદમાં, ચાર ભાઈ, ચાર બહેનોનું બહોળું કુટુંબ, પિતા મીલ-મેનેજર. શેરબજારનું કામ તથા સામાજિક-કામો પણ કરતા. 60 વર્ષે જાતે નિવૃત્તિ સ્વીકારી. શેરબજારની ઓફિસ મિત્રને આપી. ખૂબ વાંચતા. સમયના એકદમ ચોક્કસ! આ બધા ગુણો ભરતભાઈમાં આવ્યા. કમળાબા પાસેથી ભક્તિ-શ્રદ્ધાનો વારસો મળ્યો. ગીતાનો સંસ્કાર-વારસો પિતા તરફથી. 18-20 જ્ઞાનીઓનાં ગીતાનાં વિવરણ તેમની પાસે છે. કર્મયોગ-ભક્તિયોગ-જ્ઞાનયોગે જીવન ઘડ્યું. પ્રેક્ટિસમાં પ્રામાણિક. પૈસાની જરૂર ખરી, પણ પૈસાએ તેમને ખેંચ્યા નથી.

શાળાનો અભ્યાસ ન્યુ-હાઈસ્કૂલમાં. આગળ એમ.જી.સાયન્સ,બી.જે.મેડિકલ. 1965માં MBBS, 1969માં MS. જુનાગઢ અને તલોદ થોડો સમય નોકરી કરી. 1972થી અમદાવાદ બાપુનગર જનરલ હોસ્પિટલમાં જોડાયા. 29 વર્ષ સેવાઓ આપી. પ્રાઇવેટ-પ્રેક્ટિસ રાયપુર અને શ્રેયસ-ક્રોસિંગ પાસે. અમદાવાદના ગાંધીવાદી, ખાદીધારી મેયર કૃષ્ણવદન જોષી તેમના ઘડવૈયા. તેમણે ભરતભાઈને રાજકારણમાં ન આવવા સલાહ આપી. મેયર જોષીનું ઓચિંતા મૃત્યુ થતાં ભરતભાઈએ ઘણી જવાબદારીઓ ઉપાડી લીધી. ડૉ. રાજેશ વ્યાસ ભરતભાઈના ગુરુ! 84-85માં પોલિયો-કરેક્ટિવ-સર્જરીનો આરંભ. 2000માં મગજના લકવાનું યુનિટ શરુ કર્યું. 2014માં પોલિયો-ફાઉન્ડેશનમાંથી હેલ્થ-એન્ડ-કેર ફાઉન્ડેશન બન્યું. ઈશ્વરની કૃપા, ડોક્ટરો અને મિત્રોની સહાય તથા પત્ની ડૉ.કનક બહેનનો પૂરેપૂરો સાથ, તેમની સફળતાનું રહસ્ય.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

પાંચ વાગ્યે ઊઠે. મેડીટેશન-જપ-નામ-સ્મરણ, ચાલવું, પ્રાણાયામ, નહાવું-ધોવું, ચા-નાસ્તો…બાર વાગ્યા સુધી ફક્ત પોતાનામાં રહે! બારથી-દોઢ લખવા-વાંચવાનું. 01:30 વાગે જમે. અઢી-વાગે હેલ્થ-એન્ડ-કેર ફાઉન્ડેશનની ઓફિસ પહોંચે. 5:30 સુધી ફિક્સ-અપોઇન્ટમેન્ટથી કામ કરે. 40 વર્ષથી પ્રોજેક્ટ-મેનેજમેન્ટ કરે છે! દાતાની  વ્યવસ્થા કરે, ડોક્ટરો સાથે કામ કરે, સંસ્થાનો વિકસ કરે! છ વાગ્યે ઘરે પહોંચે.  દીકરો-વહુ બંને ડોક્ટર છે, UKમાં રહે છે. એક પૌત્ર છે.

 શોખના વિષયો : 

સતત વાંચન. પ્રવાસ ગમે, 45 દેશમાં ફર્યા છે. લેખનમાં રૂચી. ‘નવગુજરાત-સમય’માં કોલમ લખે, મેગેઝીનમાં લખે. સામાજિક-સારપને ઉજાગર કરતાં 10 પુસ્તકો લખ્યાં છે. મોટીવેશનલ-સ્પીકર અને ટ્રેનર, સ્કિલ-બિલ્ડીંગ અને લીડરશીપ વર્કશોપ કરે. હજારો પુસ્તકોનું પોતાનું પુસ્તકાલય છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત એકદમ સારી! કોલેજમાં રમત-ગમતમાં ભાગ લેતા,ચાલતા, યોગ કરતા. અત્યારે જાતે ગાડી ચલાવે છે, જરૂર પડ્યે 8 કલાક કામ કરી શકે, નવી ટીમ તૈયાર કરે!

યાદગાર પ્રસંગ:  

મેડીકલ-કેમ્પ યાદ કરે છે…. ડોક્ટર-મિત્રો સાથે રાત્રે આઠ વાગ્યે અમદાવાદથી સિધ્ધપુર જાય. 10:15 વાગ્યે પહોંચે અને તરત ઓપરેશન કરવાનાં શરૂ! રાતના 3:00 વાગ્યા સુધીમાં 20 ઓપરેશન કરે, સવાર સુધીમાં પાછા અમદાવાદ! દેશનાં બધાં રાજ્યોમાં થઈ 165 કેમ્પ કર્યા છે!

ઓપરેશનના સાધન માટે રૂ.18,000ની જરૂર હતી. પૈસાની સગવડ નહીં. તેમણે પૂજા કરતાં-કરતાં ભગવાનને વાત કરી. પૂજા ચાલુ હતી ત્યાં તેમના ભત્રીજી આવ્યાં, રૂ.51000/-નો ચેક લઈને! તેમના સસરાએ મોકલ્યો હતો અને કહ્યું હતું: “ભરતભાઈ પાંચ લાખ માંગે તો પણ આપી દેજે!”

પોલિયો-કરેક્ટિવ-સર્જરીનું મશીન બદલવું જરૂરી હતું. ટ્રસ્ટે કોટેશન મંગાવી 1,10,000ના  મશીનનો ઓર્ડર આપ્યો પણ પૈસા હતા નહીં! મશીન આવતાં પહેલાં અમેરિકાથી એક મિત્રએ 90,000નો ચેક મોકલી આપ્યો અને જૂના મશીનના 20,000 મળ્યા અને તેમનું નવું મશીન આવી ગયું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો સારો ઉપયોગ કરે છે. કોર્પોરેટ્સ અને એનજીઓને મદદરૂપ થાય તેવું ‘અકર્મા’ પ્લેટફોર્મ બનાવ્યું છે. CHAT-GT અને સોશિયલ-મીડિયાનો ઉપયોગ સારી રીતે કરે છે. પોતાનું લેખન-કાર્ય લેપટોપ ઉપર જ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

મૂલ્યો અને નિષ્ઠા બદલાઈ રહ્યાં છે. માન્યતાઓમાં ફેર પડ્યો છે. સંબંધોમાં ફેર પડ્યો છે. ફાસ્ટ પૈસા કમાવાનો મહિમા છે. તો બીજી બાજુ યુવાનો સેવા પણ આપે છે. હૃદયમાં કંઈક કરવાની ભાવના હજી છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

આજના યુવાનો બહુ સ્માર્ટ છે, તેમનામાં પોટેન્શિયલ બહુ છે. યુવાનોને પોઝિટિવ માર્ગદર્શન જોઈએ તો આપવું પણ દોઢ ડાહ્યા થવું નહીં! તેમને યુવાનો સાથે ફાવે છે. સ્ટાફમાં 125 યુવાનો છે. તેમને તાલીમ આપે, પિકનિક ઉપર લઈ જાય. ભાષણ કરતાં એક્શનથી જ યુવાનોની એટીટ્યુડ ચેન્જ થઈ શકે !

સંદેશો :  

દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતાનો વધુમાં-વધુ ઉપયોગ મોટા ધ્યેય માટે કરવો જોઈએ. ધ્યેય પર ફોકસ રાખી પરિશ્રમ કરવો જોઈએ. સાતત્ય જાળવીને બીજાના અનુભવોનો લાભ લઈ અદ્યતન વિચારશૈલીથી આગળ વધવું જોઈએ!