પદ્મશ્રી, દિલ્હી-સંગીત-નાટ્ય-એકેડેમી તરફથી લાઈફ-ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ અને જીનીયસ ઇન્ડિયન-એચિવર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત પપેટ્રીના મહા-કલાકાર મહિપતભાઈ કવિની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
ખંભાત નજીકના ઝીણેજ ગામમાં, પાંચ બહેનો સાથેના સુખી કુટુંબમાં જન્મ, પિતા બારોટ અને ભરવાડ કોમ માટે વયવંચા (સાત પેઢીનું લખાણ)નું કામ કરતા. દાદી અને કાકા પાસેથી સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. બાળપણમાં બાપુજી મૃત્યુ પામ્યા. કાકાએ જૈન-સાધુ પાસેથી દીક્ષા લીધી હતી, પણ મહિપતભાઈના પિતાનું નાની ઉંમરે અવસાન થતાં, તેઓ સંસારમાં પાછા આવ્યા અને કુટુંબની જવાબદારી ઉપાડી. અમદાવાદ આવી રાણીના હજીરામાં દુકાન કરી. મહિપતભાઈ પર ગાંધીજીનો પ્રભાવ ઘણો. તેમણે નવજીવન પ્રેસમાં કામ કર્યું, જાતે ખાદી કાંતીને પહેરી. 1960માં દર્પણમાં જોડાયા, બે વર્ષ નાટક કર્યું, પણ કંટાળ્યા. મહેરબહેન કોન્ટ્રાક્ટરનો ભેટો થયો અને શ્રેયસ શાળામાં પપેટ્રી શીખવાડવામાં જોડાયા. મહેરબહેન સાથે ઘણું કામ કર્યું અને શીખ્યા.
પાર્ટીશન પછી વાડજ સ્થિર થયેલ સિંધી પાડોશી લીલાવતીબહેન બજાજ (જાણીતી ન્યુ-કરાંચી સ્વીટ-માર્ટની દીકરી) સાથે 21 વર્ષે લગ્ન કર્યા. લીલાવતીબહેનને સિલાઈ-કામમાં સારી ફાવટ. ઘરમાં બાલમંદિર અને સીવણ-ક્લાસ ચલાવે. સિલાઈની આવડતને કારણે પપેટ બનાવવાનું સહેલું બની ગયું. મહિપતભાઈ કૃષ્ણલીલાના પ્રસંગો પોતાની ભાષામાં લખી, તેમાં સંગીત ભરી, શેડો પપેટ-શો કરતા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે વહેલા ઊઠે. ચા-પાણી-નાસ્તો સમયસર કરે. એકદમ શિસ્તબદ્ધ જીવન છે. તેઓ ઘરમાં, શાળા-કોલેજોમાં, ગુજરાતમાં અને ભારત આખામાં શો તથા વર્કશોપ કરતા. 300થી વધુ શો કર્યા છે, 17 દેશમાં ફર્યા છે, અલગ-અલગ વિષયો પર 200થી વધારે નાટકો લખ્યા છે. તેમને ચાર બાળકો, છ પૌત્ર-પૌત્રીઓ અને એક પ્રપૌત્રી છે. ચાર પેઢી સાથે જ રહે છે. દુઃખમાં ઢાલ બની આગળ રહેતાં તેમનાં પત્નીનું 2015માં અવસાન થયું.
શોખના વિષયો :
પપેટ્રી ઉપરાંત વાંચન-લેખનનો શોખ. ગાવાનું ગમે. રીધમ, હાર્મોનિયમ, ચિત્ર, શિલ્પકામ, બધું ગમે. ‘તન મેલા મન ઉજળા’, ‘હારાકીરી’, ‘પપેટ એટલે શું’, ‘નાટક શીખો રમતા-રમતા’ જેવાં પુસ્તકો લખ્યાં છે. કવિતા ‘કઠપુતલી-કે-ધાગે’, ‘અમરસિંહ રાઠોડ’ અને ‘બાપાલાલની પરબડી’ પર રિસર્ચ-વર્ક, તથા એક સિંધી ફિલ્મ કરી છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
લાંબો પાતળો બાંધો છે. તબિયતમાં કોઈ તકલીફ નથી. બીપી-ડાયાબિટીસ જેવા કોઈ રોગ નથી. બીડી બહુ પીએ છે. અત્યારે પણ દરેક શોમાં તેઓ બાળકોની જોડે હોય. મર્યાદિત ખાવાનું ખાય, બે રોટલી અને શાક, પણ ગોળ જોઈએ. ગળ્યું ખાવાનું ભાવે!
યાદગાર પ્રસંગ:
રાજકોટના સાતમ-આઠમના મેળામાં તેમણે કુટુંબ સાથે દિવસના 50 શો કર્યા છે! ઘણાં લોકો તેમનો ખેલ જોવા 10-10 વાર આવતાં! જ્યારે પણ વિદેશ શોમાં જાય ત્યારે દેશના પ્રતિનિધિ તરીકે બીજા કલાકારો સાથે હાથ મિલાવે અને મોતીનું સરસ સ્ટીકર હાથમાં મૂકી દે! લોકો ખુશ થઈ જાય!
લંડનથી એક બહેન પપેટ્રી શીખવા તેમના ઘેર લાંબુ રહ્યાં. પાછાં જતી વખતે પૈસા માટે પૂછ્યું. મહિપતભાઈએ હસતા-હસતા કંઈ પણ લેવાની ના પાડી. એક મહિનામાં રામાયણ- મહાભારતના 110 શોનું આમંત્રણ, રિટર્ન-ટિકિટ સાથે, તેમણે મોકલી આપ્યું! આયર્લેન્ડનાં હેલન અને રીક પપેટ્રી શીખવા આવ્યાં હતાં. બંને જણ 12 વર્ષથી સાથે રહેતાં હતાં પણ લગ્ન કર્યાં ન હતાં. મહિપતભાઈનું લગ્ન-જીવન જોઈને તેમણે લગ્ન કરવાનું વિચાર્યું. અહીં જ સપ્તપદી રચી અને મહિપતભાઈએ કન્યાદાન કર્યું! પરદેશથી બોસ્ટન અને આના પપેટ્રી શીખવા આવ્યાં હતાં. તેમણે પણ અહીં લગ્ન કર્યાં. મહિપતભાઈને ડેડી કહે. અને દીકરાનું નામ ‘નારાયણ’ રાખ્યું! વિદેશથી 25-30 કલાકારો તેમની પાસે પપેટ્રી શીખવા તમને ઘેર રહી ગયાં છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
દૂરદર્શન પરના પ્રોગ્રામોમાં છેલ્લામાં-છેલ્લી ટેકનોલોજીનાં કેમેરા,લાઈટો અને સ્ટેજ વાપરેલાં છે. તેમનાં બાળકો તેમની પાસેથી શીખીને આગળ વધ્યાં છે. દીકરી પલ્લવીબહેન કહે છે: “અમારી તો આજ યુનિવર્સિટી!”
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાં માણસ સુખી હોય તો બીજાને સુખ વહેંચતો. આજે બીજાને માટે એક ડગલું આગળ વધે નહીં. આજનો માણસ બહુ આત્મ-કેન્દ્રી થઈ ગયો છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
પ્રોગ્રામને લીધે યુવાનો સાથે ટચમાં છે. CEPTમાં 30-35 વર્ષ વિદ્યાર્થીઓને પપેટ્રી શીખવ્યું છે. દીકરી 50 વર્ષથી તેમની સાથે કામ કરે છે!
સંદેશો :
જૂની કળાઓને સાચવીશું નહીં તો આપણે માણસ છતાં માણસ રહેશું નહીં. લોક-કલાઓ પ્રત્યે લોકોને આકર્ષણ તો છે, પણ મનોરંજનનાં સાધનો વધતાં તેનું મહત્વ ઘટી ગયું છે!