“પહેલી મુલાકાતમાં મારી સાચી ઉંમર કહી આપે તેને હું સો રૂપિયાનું ઇનામ આપું!” કહી મશ્કરી કરતા વિનયભાઈ સંઘવીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ સુરેન્દ્રનગરમાં. એક ભાઈ, ત્રણ બહેનનું કુટુંબ. પિતા રેલવેમાં હતા, ધંધાર્થે ધનબાદ ગયા. મુંબઈમાં ઈન્ટર-સાયંસ કર્યા પછી મોરબી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયર થયા. તરત જામનગર સિંચાઈ-ખાતામાં સરકારી નોકરી મળી ગઈ. ગુજરાતના સરકારી-સિંચાઈ-ખાતામાં 35 વર્ષ કામ કર્યું. 1989માં રિટાયર થયા પછી સામાજિક કામ કરતા. ચાર દીકરીના લગ્ન કરાવ્યા. 2001માં પત્ની વાસંતીબેનનું મૃત્યુ થયું. ત્રણ વર્ષ પહેલાં તેમને પણ કોરોના થઈ ગયો હતો.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 5:30 વાગે ઊઠે, બગીચામાં ચાલવા જાય. ઊંડા શ્વાસ લે, પ્રાણાયામ કરે, મશીનો ઉપર કસરત કરે. ઘેર આવી ચા-નાસ્તો કરે, છાપા જુએ. ટીવી ઉપર ઘણો સમય જાય. ક્યારેક મન થાય તો સાયકલ લઈને ફરવા નીકળી પડે! બે ક્લબમાં મેમ્બર છે: એલ્ડર-ફ્રેન્ડસ-ક્લબ અને ઓમકારેશ્વર-ક્લબ. એક ક્લબમાં એન્જિનિયર્સ/ડોક્ટર મિત્રો સાથે ચર્ચા-વિચારણા કરવાની મજા આવે, વારાફરતી જમવાની પાર્ટી થાય. બીજી ક્લબમાં રેલ્વે/ગવર્મેન્ટ ઓફિસરો છે, દર ગુરુવારે ભેગા મળે, ગીતો ગાય, જોક્સ કરે, ચા-પાણી-નાસ્તો કરે, બહાર ફરવા જાય! રાતે અલગ-અલગ પ્રવૃત્તિ અને સોશિયલ કામકાજમાં સમય પસાર થાય છે. ચોથા ફ્લોરનાં બે પેન્ટ-હાઉસમાંથી એકમાં વિનયભાઈ રહે અને બીજામાં દીકરી-જમાઈ!
શોખના વિષયો :
વાંચન. ભૂગોળ પ્રિય-વિષય. આખી દુનિયાનું જ્ઞાન “ફાયર સ્ટીક”નો ઉપયોગ કરી મેળવે! એકવાર સ્વીડનના બહેન તેમને મળ્યાં. વિનયભાઈએ સ્વીડનની ઘણી માહિતી આપી. બહેન આશ્ચર્ય પામી ગયાં: “અમારા કરતાં તમે સ્વીડન વિશે વધુ જાણો છો!” નવલકથા વાંચવાનો અને પ્રવાસનો શોખ. આખું ભારત ફર્યા છે. હમણાં સંગીત શીખે છે! શ્રીમદ્ રાજચંદ્રના પત્રો વાંચવા ગમે છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, દાંત મજબુત છે, આંખે સરખું દેખાય છે, બીપી નોર્મલ છે, ડાયાબિટીસ નથી. જાતે ગાડી ચલાવી અમદાવાદ-સુરત પહોંચી જાય! હવે દીકરીઓ નથી જવા દેતી! તબિયતનું વારસાગત વરદાન છે. દાદી 105વર્ષ અને મોટા-દાદી 110વર્ષ જીવ્યાં હતાં. સાદો ખોરાક લે છે. બાજરીનો રોટલો અને શાક વધુ ફાવે. હોટલમાં જતા નથી. શિયાળામાં રોજ બદામ-પાક ખાય. કિશોરાવસ્થાથી RSSમાં જોડાયા હતા એટલે કસરતની ટેવ છે!
યાદગાર પ્રસંગ:
તેઓ દાદી અને મોટી-દાદી સાથે મોરબીમાં ૨૫ વર્ષ રહ્યા. રાત્રે સામાયિક-પ્રતિક્રમણ કરતા. શ્રીમદ્ રાજચંદ્રનો જીવનમાં ઘણો પ્રભાવ.
બાંગ્લાદેશ-યુદ્ધ વખતે ગુજરાતને લોખંડ નહીં મળતા સરકારી-કામ બંધ થઈ ગયા. તેમણે વેપારી-બુદ્ધિ ચલાવી અને મોટા પ્રમાણમાં લીખંડ મેળવી આપ્યું અને કામ ચાલુ કરાવી આપ્યા. સૌરાષ્ટ્રના ગીરના જંગલોની ઘણી નદીઓમાં ડેમ બની શકે તેની શક્યતા તપાસી. જૂનાગઢની પાંચ નદીઓમાં માટી ભરાઈ ગઈ હતી અને પાણી ફેલાઈ ગયું હતું. તેમણે નદીઓ ઊંડી કરવાની સલાહ આપી જેને લીધે નદીઓમાંથી વરસાદનું પાણી દરિયામાં જતું થયું અને આજુબાજુની જમીનને ફળદ્રુપ માટીનો લાભ મળ્યો.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
કોમ્પ્યુટર-યુગ પહેલા સાઈડ-રૂલથી શરૂઆત કરી હતી. ધીરેધીરે GOOGLEનો ઉપયોગ કરતા થઈ ગયા! નવી-વસ્તુ શીખવાની અને તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાની વૃત્તિ હોવાથી કામમાં સફળ થયા છે! તેઓ મોરબી કોલેજમાં જોડાયા ત્યારે કોલેજ નવી-નવી હતી, પ્રોફેસર હતા નહીં, પ્રિન્સિપાલ બીએસસી જ ભણેલા હતા! પરંતુ તેમણે લાઇબ્રેરી બહુ સરસ અને મોટી બનાવી હતી. કંઈ પણ તકલીફ હોય તો પુસ્તકો જાતે જ શોધીને, વાંચીને શીખવાનું! ત્યારથી મગજમાં સ્વ-શિક્ષણના પાઠ ઘૂસી ગયા તે આજ-સુધી ચાલે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ઘણો ફેર! આજે પાણીપુરી-ભેળપુરી ખાઈને યુવાનોના શરીર પર અસર થાય છે! તેમને સાદું જીવન ગમતું નથી. જલદી પૈસાદાર થઈ જવું છે, પૈસો કમાઈને શું કરવું તે ખબર નથી!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
જેને જરૂર હોય તે બધાને તેમણે ભણાવ્યા છે, કામવાળાના દીકરા સહીત! તેઓ સ્કોલરશીપ પર ભણ્યા છે એટલે ભણતરની કિંમત જાણે છે. ચાર દીકરી અને સાત પૌત્ર-પૌત્રીઓ બધાં સાથે સરસ કોમ્યુનિકેશન છે. દીકરી-જમાઈ બહુ ધ્યાન રાખે છે.”સો વર્ષ જીવશો” તેવી મિત્રો હસતા-હસતા ખાતરી આપે છે!
સંદેશો :
નાનપણમાં સખત મહેનત કરો. સખત મહેનતનો કોઈ જ વિકલ્પ નથી! “આ કામ મારું નથી” એવું ક્યારેય વિચારાય જ નહીં! તકલીફમાંથી સોલ્યુશન કાઢતા આવડવું જોઈએ! ક્યાંય પાછા પડવું નહીં. તકલીફમાં વેપારી-બુદ્ધિ વાપરી રસ્તો કાઢવો!
