બાળપણ અને અભ્યાસ દિલ્હીમાં. કેરિયર મુંબઈ-અમદાવાદમાં. અત્યારનો નિવૃત્તિનો સુખદ-સમય દુબઈમાં પોતાની ચોથી પેઢી સાથે માણી રહેલા જીએસએફસીના ઉચ્ચ-અધિકારી શ્રી શશીવદન જોશીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
બે ભાઈ,એક બહેનનું સુખી કુટુંબ. પિતા દિલ્હીમાં ભારત સરકારની સેવાઓમાં ઉચ્ચ-હોદ્દા પર કામ કરી ડેપ્યુટી-સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા. પિતા ફિઝિક્સ, મેથ્સ અને કાયદાના નિષ્ણાંત. સાથોસાથ સંસ્કૃતના જ્ઞાની. મને ફિઝિક્સ કે મેથ્સમાં રસ નહીં. મને ગમે અર્થશાસ્ત્ર અને સંસ્કૃત! મેં BA/MA અર્થશાસ્ત્રમાં કર્યું. દિલ્હીમાં પ્લાનિંગ કમિશનમાં જોડાયો. ત્યાંથી મુંબઈ આવ્યો. ગુજરાત રાજ્ય છૂટું પડતાં અમદાવાદ આવ્યો. મેનેજમેન્ટ, એન્ટરપ્રેન્યોરશિપ અને ઇકોનોમિક-રિસર્ચના જુદા-જુદા રિપોર્ટ તૈયાર કરવા ગમે. કામ પણ એ જ મળ્યું! મારા રિસર્ચ-રિપોર્ટ અને પેપર્સ ઉદ્યોગો માટે બહુ ઉપયોગી રહ્યા, વખણાયા પણ ખૂબ. અમદાવાદ જીઆઇડીસી/ જીઆઈસીના ચેરમેન શ્રી મનુભાઈ શાહ સાથે કામ કર્યું. જીએસએફસીમાં ડેપ્યુટેશન પર કામ કર્યું. ઇકોનોમિક સર્વિસીસ માટે UPSCમાં IES માટે સિલેક્ટ થયો. અમદાવાદમાં જીએસએફસીની રીજનલ ઓફિસ શરૂ થતાં જીએસએફસીમાં જોડાયો. જુદીજુદી પોઝિશન પર ૨૫ વર્ષ કામ કર્યું. “પ્લાનિંગ કમિશનથી-ઈન્ડસ્ટ્રીથી- જીએસએફસી” આ મારી કેરિયર!
મારા પત્ની વત્સલાના પિતા નાનુભાઈ ભટ્ટ પ્રખર ગાંધીવાદી. વત્સલા પણ બહુ હોશિયાર. સંગીત ઉપર સારો કાબુ. મુંબઈમાં ગાંધીજીની પ્રાર્થનાસભામાં તેઓ ગાતાં. એજ્યુકેશનમાં કેરિયર બનાવવા એમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી બી.એડ કર્યું. સ્કૂલમાં કામ કર્યું. પુત્ર આશિતના જન્મ પછી અમદાવાદમાં તેમના ઈંગ્લીશ/જીકેના જ્ઞાનથી પ્રભાવિત થઈ શાળાના પ્રિન્સીપાલે તેમને સામેથી બોલાવ્યા!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નિવૃત્તમાં વર્ષો સુધી જુદીજુદી સંસ્થાઓમાં (ઈડીઆઈ, સ્પીપા, SBI, ICAI) સિનીઅર ફેકલ્ટી તરીકે કામ કરતો. કંપનીઓમાં નોમિની ડાયરેક્ટર હતો. CERC માટે મ્યુચ્યુઅલ-ફંડના રિપોર્ટ બનાવ્યા. GLFLમાં કામ કર્યું/માનદ સેવાઓ આપી. અમદાવાદમાં સોસાયટીનું કામ રહેતું. જીએસએફસી-ગ્રુપમાં માર્ગદર્શન આપતો. ઘણાં લોકોને મળવાનું બનતું. કોરોનાને લીધે બધાં કામ બંધ થઈ ગયાં. અત્યારે વાંચન સિવાય સીમિત કામ છે.
શોખના વિષયો :
ઇકોનોમિક્સ/એપ્લાઇડ ઇકોનોમિક્સના લેખ વાંચવામાં રસ પડે. સારી નોવેલ અને પુસ્તકો વાંચવા ગમે. નિયમિત ગીતા વાંચન કરું. ક્રિકેટ રમવી અને જોવી મારો પ્રિય શોખ! ઉર્દૂ શાયરી સાંભળવામાં/સંભળાવવામાં આનંદ આવે.
યાદગાર પ્રસંગો :
ઉદ્યોગોને ઉપયોગી મારાં રિસર્ચ-રિપોર્ટ અને પેપર્સની જાહેરમાં સરાહના તે મારા યાદગાર પ્રસંગ! મનુભાઈએ અને અન્ય લોકોએ જાહેરમાં મારા આ કામકાજની ખૂબ પ્રશંસા કરી. શ્રી વી.જી.પટેલ, શ્રી કિરીટ શેલત, જીઆઇડીસીના ઓફિસર્સ અને અમદાવાદના કલેક્ટરની સામે મારા કામના વખાણ થયાં. શ્રી પાટણકરે મને સામેથી બોલાવી જીએસએફસી જોઈન કરવા કહ્યું!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
બીપીનો અને કાનનો પ્રોબ્લેમ છે. છોકરાંઓ બહુ ધ્યાન રાખે છે. ઘરમાં 40-45 મિનિટ ચાલુ છું. રાત્રે સાડાનવ વાગ્યે સૂઈ સવારે પાંચ વાગે ઊઠું. ચા-ટોસ્ટ બનાવું. નાહી-ધોઈને પ્રાર્થના, શ્લોકો-ભજનો વગેરે. ચાર પેઢી સાથે રહીએ છીએ એટલે સ્કૂલનો સમય થતાં મારા પ્રપૌત્રને (દીકરાની દીકરીનો દીકરો) સ્કૂલે મૂકવા-લેવા જવું મારું ગમતું કામ!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
જરૂર જેટલી ટેકનોલોજી વાપરું છું. પહેલા કામકાજ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતો. હવે કંટાળો આવે છે! ટેકનોલોજીના ફાયદા તો છે જ, પણ પેહેલાં બધાં સાથે બેસીને વાતચીત કરતાં, ચર્ચાઓ કરતાં, ગીતો ગાતાં…. એ બધો પારિવારિક સમય હવે મોબાઈલ અને ટીવીએ લઈ લીધો છે તેનું દુઃખ છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
યુવાનો સાથે સંપર્ક થોડો ઓછો છે પણ બાળકો સાથે સંબંધ પાછો થઈ ગયો છે! જનરેશન ગેપ તો રહે જ. પહેલાં બાળકો મા-બાપ સાથે ખુશ રહેતાં. મોબાઈલ/ટીવીને લીધે ગેપ વધુ મોટો થતો હોય એવું લાગે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
રહેણી-કરણીમાં ઘણો ફેર પડી ગયો છે. સુખી હતાં છતાં સાદગી પસંદ કરતાં. આજે બાળકો લેહેરથી રહે છે. હું પણ દુનિયા ફર્યો છું. બાળકો અત્યારથી આખી દુનિયા ફરી રહ્યાં છે! દેશનું યુવા-ધન બહાર જતું રહે છે તે બિલકુલ ગમતું નથી. મારો દેશ પ્રગતિ કરે, ભણેલા-ગણેલા યુવાનો દેશનો ડંકો વગાડે એવી ઈચ્છા છે! સ્ત્રીઓનું શિક્ષણ વધે, એમની પ્રગતિ થાય અને કુટુંબમાં તેમનું વર્ચસ્વ સ્થપાય તો ગમે! આવું જીવન જીવવા મળ્યું એ માટે હું ઈશ્વરનો આભારી છું!
સંદેશો :
ખુદ હી કો કર બુલંદ ઈતના, કિ હર તકદીર સે પહેલે,
ખુદા બંદેસે યે પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ!