નામ પ્રમાણે સદાય હસતાં અને ખુશખુશાલ રહેતાં હસમુખબહેન કાંતિલાલ ગાંધીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ અમદાવાદ, પખાલીની પોળ(રાયપુર ચકલા)માં થયો હતો. તેમને ત્રણ ભાઈ…તેઓ એક જ બહેન, એટલે બાળપણ લાડકોડમાં ગયું. વનિતા વિશ્રામ(પાંચકુવા)માં અભ્યાસ કર્યો. 1950ની સાલમાં મેટ્રિક પાસ કરી. 1942ની લડત જોયેલી તે યાદ છે! તેમના સાત વર્ષે વિવાહ થયા અને 16 વર્ષે લગ્ન થયા! તેમનાં સાસુનો સ્વભાવ ઘણો સરસ હતો. તેમને સારો સપોર્ટ કરતાં અને રસોઈ પણ સરસ બનાવતાં!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે સાડા-છ-સાત વાગે ઊઠે. ટીવીમાં દર્શન કરે અને થોડીવાર આરામ કરે. ચોથી પેઢી મેહાન સાથે ઘરમાં સાત જણ રહે છે. ઘરમાંથી બહાર કામે જનાર, શાળાએ જનાર માણસોનું કામ પતી જાય પછી આઠ વાગે ઊઠી પોતાની ચા જાતે બનાવે. છાપુ વાંચે. સાફસુફી કરે. નાહી-ધોઈ 10.00 થી 12:30 સુધી શ્રીનાથજી, યમુનાજીના સેવા અને પૂજા-પાઠ કરે. જાતે પુષ્ટિમાર્ગી છે. 12:30 વાગ્યે જમે. પછી ટીવી જુએ. ‘રસોઈ શો’ તેમનો ફેવરીટ! ચાર વાગ્યા સુધી આરામ કરે પછી ચા પીએ. ભાગવત અને ધાર્મિક પુસ્તકો વાંચે. ટીવી ઉપર કથા કે પ્રવચન સાંભળે. દ્વારકેશલાલ મહારાજની કથા બહુ ગમે! દીકરો-વહુ અને ઘરનાં બધાં બહુ સારી રીતે રાખે છે.
શોખના વિષયો :
રસોઈ કરવાનો તથા ખાવા-ખવડાવવાનો શોખ! ઉત્તરાયણમાં ખીચડો તો તેમના જ હાથનો હોય! સમોસા બહુ સરસ બનાવે છે! બાળકો સાથે હોટલમાં પણ જાય અને ફરવા પણ જાય! કપડાનો શોખ, જુદી-જુદી સાડીઓ પહેરવાનો શોખ! ગરબા કરવાનો શોખ. વાંચન ગમે. આખું છાપુ વાંચી જાય. અંગ્રેજી છાપા પણ વાંચે! એકવાર પોસ્ટમાં અંગ્રેજીમાં સહી કરી તો પોસ્ટમેન આશ્ચર્ય પામી ગયો! પતિને LICમાં નોકરી હતી એટલે હજુ પેન્શન આવે છે. ફરવાનું ગમે, ચારધામ-યાત્રા તથા ચંપારણ્યની જાત્રા કરી છે. નેપાલ ફરી આવ્યા છે અને આખું અમેરિકા ફર્યાં છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
કાન અને પગ થોડા વખતથી સાથ નથી આપતા, છતાં આ નવરાત્રીમાં માટલી માથે મૂકી અને ગરબો લીધો હતો! ઉંમર પ્રમાણે અને કોરોના થઈ ગયા પછી તબિયત થોડી ઢીલી છે. શ્વાસ ચડી જાય છે. કોરોના સુધી તો રિક્ષામાં કે બીઆરટીએસમાં બેસી યમુનાષ્ટકના પાઠ કરવા છેક મણિનગર સુધી જતાં! મોટા બંગલામાં વર્ષો સુધી હિંમતથી એકલાં રહેતાં!
યાદગાર પ્રસંગ:
જીવનમાં બધાંનો પ્રેમ મળ્યો છે અને એ પ્રેમને લીધે તેઓ ટકી ગયાં છે! અગવડ, દુઃખ, મુશ્કેલી ખાસ પડી નથી. દીકરીઓને પરણાવતાં બહુ દુઃખ થયું. બાળકો ઘરમાંથી અમેરિકા ગયા ત્યારે તેમને અમેરિકા માટે મનમાં આશ્ચર્ય રહેતું: ત્યાં લોકો શું ખાતા-પીતા હશે? કેવી રીતે રહેતા હશે? બે ભાણિયાઓએ તેમને અમેરિકા બોલાવ્યા અને આખું અમેરિકા ફેરવ્યું ત્યારે તેમને થયું કે અમેરિકામાં લોકો લહેર કરે છે! LAથી ન્યૂયોર્ક ફ્લાઇટમાં(વ્હીલ-ચેરની મદદથી) એકલાં ગયાં હતાં! અમેરિકામાં બેબી-શાવરનો પ્રસંગ પણ કર્યો અને વહુની બહેનનું લગ્ન પણ માણ્યું!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોબાઈલથી પરદેશ રહેતાં બાળકો સાથે વાત કરી લે છે. 90મી વર્ષગાંઠમાં ટચ-સ્ક્રીન વાળો નવો મોબાઈલ દીકરાઓએ ભેટ આપ્યો છે જેની ઉપર તેઓ નવું-નવું ઘણું શીખી રહ્યાં છે! દીકરાએ બધા કોડ પૂરા કર્યા છે તેનો આનંદ છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
બહુ જ ફેર પડી ગયો છે! પહેલાં સ્ત્રીઓ ઘરનાં બધાં કામ જાતે કરતી, તેમને લેવડદેવડમાં, ધંધામાં કે કામકાજમાં કંઈ ખબર પડતી નહીં. હવે સ્ત્રીઓ ઘણી આગળ વધી ગઈ છે, જે તેમને બહુ ગમે છે. તેઓ ઘરની સ્ત્રીઓને બહુ જ સપોર્ટ કરે છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બાળકો અને યુવાનો સાથે તેમને બહુ ફાવે છે! બધાંને ‘બા’ની કંપની ગમે છે. દીકરાના મિત્રો વર્લ્ડકપ જોવા ભેગા થાય તો બા પણ બધા સાથે મેચ જુએ! તેમને ત્રણ દીકરી, એક દીકરો તથા 17 માણસનું કુટુંબ છે. અડધું કુટુંબ અમેરિકામાં રહે છે! પિયરમાં પણ તેમનું બહુ માન છે, હમણાં જ ભત્રીજાના લગ્ન પિયરમાં માણીને આવ્યાં છે! ચોથી પેઢી સાથે બહુ માયા છે! ચોથી પેઢીના મેહાનના જન્મ વખતે પ્રેગ્નેન્ટ વહુ માટે તપેલી ભરીને લાપસી કરી હતી!
સંદેશો :
શાંતિથી જીવો! એડજસ્ટ થાવ! રોંદણાં રડવાં નહીં! શરીરને પંપાળવાનું નહીં અને તકલીફોથી ડરવાનું નહીં!