MBBSના ત્રીજા-વર્ષમાં ભણતો પૌત્ર અહન બેન્કર ગર્વથી કહે છે: “કોમ્પ્યુટર પર કામ કરતાં તો મને મારા દાદાએ શીખવ્યું!” દાદા એટલે વિશ્વવિખ્યાત શિક્ષણ-સંસ્થા IIM-Aના પાયાની પહેલી ઈંટ મૂકનાર, અમદાવાદના જાણીતા સ્ટ્રકચરલ-એન્જિનિયર સુરેશ બેન્કર!
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
અમદાવાદના સંસ્કારી કુટુંબમાં જન્મ. મામા ચંપકભાઈ બેન્કર પ્રમુખસ્વામીના પરમ-ભક્ત! પરદાદા અમદાવાદના શ્રેષ્ઠી નરોત્તમ ગુલાબચંદ! સાત ભાઈ,એક બહેનનું શિક્ષિત કુટુંબ. શરૂઆતનું ભણતર અને ઘડતર “બાલકુંજ”માં. મેડમ મોન્ટેસરીના હાથે ભોજનનો લાભ મળ્યો.પછી નવચેતન હાઇસ્કુલમાં. 1942ની ચળવળમાં મોટાભાઈએ ભાગ લીધો. વીર વિનોદ કિનારીવાળાને ગોળી વાગી ત્યારે મોટાભાઈ ત્યાં હાજર! LD એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા. નવું-નવું શીખવાની ખૂબ હોંશ એટલે વિવિધ પ્રોજેક્ટ પર કામ કર્યું. કંડલા-પોર્ટ પ્રોજેક્ટમાં, TIFRમાં ડૉ. હોમી ભાભાસાહેબ સાથે, ભુતા & એસોસિયેટમાં, આઇઆઇટી-પવાઈ, આઇઆઇએમ-અમદાવાદ, એનઆઈડી, ગાંધીનગર, જેવાં મોટાં પ્રોજેક્ટમાં શરૂઆતના તબક્કામાં કામ કર્યું. ગુણવત્તા સાથે બિલકુલ બાંધછોડ કરી નહીં, કામના વખાણ થાય ત્યારે આનંદ અને અભિમાન થાય છે. લુઈ કા’ન, બી.વી. દોશીસાહેબ, વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, ગૌતમભાઈ અને ગીરાબહેન સારાભાઈ, ડૉ. હોમી ભાભાસાહેબ, સેન કાપડિયા, JRD તાતા, પુપુલ જયકર, હેરી વીસ જેવા મહાનુભાવો સાથે કામ કરવાનું મળ્યું, ક્યાંક અંગત સંબંધો પણ બંધાયા! CEPT, SBSTમાં ડાયરેક્ટર તરીકે માનદ સેવાઓ આપી. ઇન્ડિયન કોન્ક્રીટ ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતમાં સ્થાપના કરી, પહેલું નેશનલ કન્વેન્શન અમદાવાદમાં યોજ્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નાની ઉંમરમાં આંખની તકલીફ થઈ. પિતાને મદદ કરવા દીકરો(ડૉ. અલય બેન્કર) રેટિના-સ્પેશિયાલિસ્ટ થયો! આંખની તકલીફ છતાં રોજ બે કલાક છાપુ વાંચે. સંગીત સાંભળે, જાતજાતનું સંગીત ડાઉનલોડ કરે! ઘરમાં થોડું ચાલે. બપોરે જમીને આરામ કરે. નાનપણમાં કસરત કરેલી, ક્રિકેટ રમતા, એટલે કસાયેલું શરીર. સાંજે બહાર આંટો મારે. મોડી-સાંજે ફેમિલી સાથે જમે, વાતો કરે, ટીવી ઉપર સમાચાર, ક્રિકેટ, ડિટેક્ટિવ-સીરીયલ, વગેરે જુએ. પુત્ર સાથે ફોનથી અમેરિકા વાત કરે! દિવસ આખો પ્રવૃત્તિમાં જાય.
શોખના વિષયો :
શાસ્ત્રીય-સંગીતનો શોખ, શીખેલા પણ ખરા. રસોઈના ટીવી પ્રોગ્રામ જોવા ગમે. પ્રવાસનો ઘણો શોખ. દર-વર્ષે ગાડી લઈને ફેમીલી સાથે નીકળી પડતા. ચારધામથી રામેશ્વર સુધી, આખો દેશ ફરેલા છે. દીકરો સ્ટેનફર્ડમાં ભણી અમેરિકા રહે છે. 10-12 વખત અમેરિકા ગયેલા છે, ત્યાં પણ ઘણું ફર્યા છે! પતંગ ચગાવવા ગમે. દરેક ઉતરાયણમાં 50-60 મિત્રો અગાસીમાં ભેગા થાય, સાથે જમે, પતંગ ચગાવે અને આનંદ કરે! કોલેજકાળમાં ક્રિકેટ રમતા…તેમની ટીમ ઇન્ટર-કોલેજ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઈ હતી!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
આંખનો રેટીનાનો પ્રોબ્લેમ ઘણા વખતથી છે. 2008માં હાર્ટ-અટેક આવ્યો હતો. બંને પગના ઓપરેશન થઈ ગયા છે. બાકી તબિયત એકદમ સરસ છે!
યાદગાર પ્રસંગ:
2008નો ઉતરાણનો દિવસ હતો. પુત્રના મિત્રો સાથે તેઓ ધાબે પતંગ ચગાવતા હતા. થોડીવારે પેટમાં દુખાવા લાગ્યું. પત્ની પણ ડોક્ટર(રમીલાબહેન બેન્કર,૨૦૨૦માં દેવ થયાં). તેમને લાગ્યું કે કંઈક અજુગતું થઈ રહ્યું છે. તેમણે દીકરાને બોલાવ્યો. હાજર મિત્રોમાં એક હાર્ટ-સર્જન. શું થઈ રહ્યું છે તેનો તરત ખ્યાલમાં આવી ગયો. ફોન કરીને 108 બોલાવી અને હોસ્પીટલમાં સમયસર ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. 11:00 વાગે તેમણે પહેલી ફરિયાદ કરી અને 11:45 વાગે તો હોસ્પિટલમાં તેમના હૃદયમાં સ્ટેન્ટ લાગી ગયો હતો! આજે પંદર વર્ષે પણ હૃદયમાં બધું બરાબર છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવું-નવું કરવાનો અને શીખવાનો શોખ. નવી ટેકનોલોજી વિકસાવે અને અજમાવે! પુત્રવધૂ ડૉ. દીપા બેન્કર(બાળ-રોગ-નિષ્ણાત, VS Hospital) ના મતે: “દાદા નવી ટેકનોલોજીથી વ્યસ્ત અને મસ્ત રહે છે..Technology Keeps Him Young!”
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આઝાદીની ચળવળનો જુસ્સો અત્યારના યુવાનોમાં ક્યાંથી હોય? પણ આજના યુવાનોમાં તરવરાટ તો છે! સાચા રસ્તે જાય તો ભારતનું ભાવિ ઉજ્વળ છે! ભારતની બોલબાલા ભારતના યુવાનોને લીધે જ છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
પૌત્ર અહન અને તેના મિત્રોને દાદા સાથે બહુ ફાવે! દાદાને પણ નવી જનરેશન સાથે ગમે. દાદાની પ્રોફેશનલ-વારસદાર આર્કિટેક્ટ પૌત્રી આહનાનો ખાસ આગ્રહ હતો: “ગ્રેજ્યુએશન માટે પપ્પા-મમ્મીની સાથે દાદાએ અમેરિકા આવવું જ પડે!” આ કૌટુંબિક પ્રેમ વારસામાં મળ્યો છે: સુરેશભાઈના પિતા આઠે ભાઈબહેનોને સાથે બેસાડીને છાપાં-મેગેઝીન વાંચતા!
સંદેશો :
ભારતમાં મોટો પ્રોબ્લેમ ભ્રષ્ટાચાર છે. ટેકનોલોજીના ઉપયોગથી મોદીસાહેબ વચેટીયાઓને ખસેડીને સીધા આમજનતા સુધી પહોંચ્યા છે. આપણે તેમને સહકાર આપવો જોઈએ. ટેકનોલોજીને લીધે તકો વધી છે. અસમાનતા દૂર થશે ત્યારે ભ્રષ્ટાચાર દૂર થશે.
(તસવીરો: મહેન્દ્ર દલવાડી)