મારવાડી અને રાજસ્થાની સાહિત્યની સેવામાં “શેખાવતકી કહાનિયાં” અને “શેખાવતકે ગીત” જેવા સાત પુસ્તકો આપીને Youtube ઉપર ધૂમ મચાવતાં કિરણબહેન ખેરૂકાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ પિલાની, રાજસ્થાનમાં. ત્યાંથી કલકત્તા ગયાં, બીજા વિશ્વયુદ્ધ વખતે રાજસ્થાન પાછા આવ્યાં. ભણતર પિલાની, કલકત્તા અને મુંબઈમાં, અંગ્રેજી માધ્યમમાં. કુટુંબમાં બે બહેનો પણ ઉછેર સંયુક્ત કુટુંબમાં. તેમની સોળ વર્ષની ઉંમરે લગ્ન થયાં, પતિની ઉંમર ત્યારે 18 વર્ષ! કલકત્તામાં બંને સાથે કોલેજ જતાં. સસરા ગાંધીવાદી વિચારધારા ધરાવતા, ઘરનાં બધાં સભ્યો આઝાદી સુધી ખાદી જ પહેરતાં, કુટુંબનો જ્યુટનો ધંધો હતો, પતિએ એક્સપોર્ટ શરૂ કરી ધંધો વિકસાવ્યો. કલકત્તામાં નક્સલ-મુવમેન્ટથી વેપાર-ધંધામાં ઘણી તકલીફ આવતી, તેથી તેઓ 1986માં ગુજરાત આવ્યાં, પાવન નર્મદા-કિનારે આવેલું ભરૂચ તેમને ગમી ગયું! અહીં આવીને તેઓ બહુ સુખી થયાં છે. દીકરો-વહુ લાતુરમાં ખેડૂતોના ઉત્થાન-કાર્યમાં અને બંને દીકરીઓ Friends of Tribal Societyના કામકાજમાં વ્યસ્ત છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 6:00 વાગે ઊઠે, ચા-પાણી કરી પુત્ર-પૌત્ર સાથે ધંધાની વાતચીત કરે. દીકરી તેમના જ બિલ્ડીંગમાં રહે છે તેથી દીકરી અને દોહિત્ર પણ સવારે મળી જાય. ઘણી કંપનીઓમાં કિરણબહેન ડાયરેક્ટર છે અને ભરૂચની એક સ્કૂલમાં ટ્રસ્ટી છે, એટલે તે કામ પણ હોય. રાજસ્થાન ક્લબમાં અને સ્વામી ચિન્મયાનંદજીના આશ્રમની પ્રવૃત્તિઓમાં એક્ટિવ છે. સ્વામી જ્યારે કલકત્તા જતા ત્યારે તેમના ઘેર રહેતા, એટલે તેમની સાથે સારો ઘરોબો છે. સમય કાઢી યોગ-પ્રાણાયામ પણ કરે છે.
શોખના વિષયો :
ગાર્ડનિંગ, સાહિત્ય, કવિતા લખવી, ચોપડીઓ પ્રકાશિત કરવી બહુ ગમે. સાધારણ લોકો અને તેમની આસપાસના લોકોની સાથે વાત કરી “દુનિયા-રંગ-રંગીલી” નામની ચોપડી લખી છે. ક્લાસિકલ-સંગીતનો શોખ ઘણો. ખાવા-ખવડાવવાનું ગમે. પ્રવાસ કરવો ગમે. એક્સપોર્ટના કામને લીધે ચીન, જાપાન, અમેરિકા, સાઉદી-અરેબિયા, તુર્કી વગેરે ઘણા દેશોમાં ફર્યાં છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત એકદમ સરસ છે! ડાબા પગના ઘૂંટણની તકલીફ છે. તંદુરસ્તી માટે યોગ-પ્રાણાયામ નિયમિત કરે છે.
યાદગાર પ્રસંગ:
એકવાર તેઓ જાપાન ગયાં હતાં ત્યારે બંગાળી ડેલીગેશનમાં ઘણા વડીલો આવ્યા હતા. તેમને ત્યાંનું ખાવાનું ભાવતું નહીં. કિરણબહેને પોતાની હોટલ-રૂમના બાથરૂમમાં મેક-શીફ્ટ રસોડું બનાવીને ત્રણ મહિના રસોઈ કરી અને તેઓને જમાડ્યાં! વડીલોએ ખૂબ આશીર્વાદ આપ્યા. “તું જ અમારી મા” એમ કહીને વડીલો એમનો આભાર માનતા! ખોખો અને કબડી એસોસિએશનના પ્રમુખ થયા તે યાદ છે. બંગાળના યુદ્ધ વખતે તેઓ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ, લેડીઝ વિંગના પ્રમુખ હતા તે યાદ છે. ગાર્ડનિંગનો અને સ્પોર્ટ્સનો પતિદેવને શોખ. પતિ એકાદ વર્ષ પહેલા જ દેવ થયા. સંયુક્ત-કુટુંબમાં રહેતાં ત્યારે ઘરમાં બાળકો દાદી પાસે દોડી જાય. કિરણબહેનને થાય કે તેમની પાસે કેમ નથી આવતાં? સાસુમાએ કીમિયો બતાવ્યો: બાળકોને કંઈક આપ્યા કરો તો તમારી પાસે દોડતાં આવશે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. Google અને Youtube વગેરેનો ઉપયોગ બહુ સરસ રીતે કરે છે. “કિરણ ખેરૂકા પ્રેઝન્ટ્સ” નામથી Youtube ઉપર QR Code સાથે રાજસ્થાની ગીતોની ધૂમ મચાવે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
બહુ જ ફેર છે! અમે જયારે પિલાનીમાં હતાં, ત્યારે ન પાણી, ન બાથરૂમ, ન ચૂલો, જ્યારે આજે તો ગરીબોને ઘેર પણ પાણી, બાથરૂમ અને ગેસ આવી ગયાં છે. મેડિકલ-હેલ્પ પણ બહુ સરસ મળી રહે છે. દેશ માટે ઘણો સારો સમય આવ્યો છે. આપણે નવા-વિચારો અપનાવ્યા અને બંધનો છોડ્યાં. ભારતીય લોકો સમયની સાથે ચાલ્યા એટલે આગળ આવી ગયા.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ઘરમાં સાત યુવાન પૌત્ર-પૌત્રીઓ છે. ચોથી પેઢી જોઈ છે અને પાંચમી પેઢી જોવી છે! લોકસંગીતના ગીતોની ફિલ્મો બનાવવા માટે ઘણા યુવાનોને મળવાનું થાય છે. Accept the Change! બાળકો સાથે બાળક બની જાવ! આજના યુવાનો વૃદ્ધોને આદર આપે છે, પણ દીકરીઓએ લક્ષ્મણરેખા ઓળંગી દીધી છે, જે હિન્દુસ્તાની સંસ્કૃતિની વિરુદ્ધ છે. તમે સ્વિમિંગ માટે જાવ અને સ્વિમિંગ-કોસ્ચ્યુમ પહેરો એ બરાબર છે, પણ બજારમાં કે રસ્તા પર ફરવા નીકળ્યો ત્યારે એ જગ્યાને યોગ્ય પોશાક પહેરવો જોઈએ. Don’t Expose Yourself! સ્ત્રીત્વની તેમાં ઈજ્જત નથી રહેતી.
સંદેશો :
અભ્યાસ કરો, વિદ્યા લો, મોડર્ન બનો, ટેકનોલોજીની સાથે ચાલો, પણ પોતાનો ધર્મ પાળો.