છેલ્લી સાત પેઢીથી ચાલ્યા આવતા, 9 ભાઈ,11 બહેનો તથા ૧૫૦થી વધુ કુટુંબીઓ ધરાવતા હિન્દુ અવિભાજ્ય કુટુંબના મોભી વિજયપાલ જૈનની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ દિલ્હીમાં, 9 ભાઈ, 11 બહેનોનું બહોળું કુટુંબ. પિતાજી ધંધો કરતા. પિતાએ શરૂઆત જબલપુરમાં નોકરીથી કરી. પછી રેશનીંગની શોપ અને પછી ટેક્સટાઇલનો (કાપડનો) ધંધો શરૂ કર્યો. વિજયપાલજીએ રૂરકી એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ કર્યું. 1963થી પાંચ વર્ષ ભારતીય સેનામાં Military Enginering Services (MES)માં કામ કર્યું. તે દરમ્યાન પાલમ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. 1963 થી 1967 સુધી J&K ઉધમપુરમાં ઓફિસમાં કામ કર્યું. લેહ-લડાખમાં ઘણાં ઇન્સ્ટોલેશન્સ કર્યાં. ભારતીય સેનામાંથી રાજીનામું આપી ધંધામાં જોડાયા. કાપડનો ધંધો એટલે અમદાવાદ આવ્યા, કમિશન-એજન્સી શરૂ કરી. 1985માં રમખાણો દરમિયાન સરસ કામ કર્યું અને બજારમાં લોકોનો વિશ્વાસ જીત્યો. મિત્રની મદદથી અને સલાહથી લેમિનેશન-શીટ્સ બનાવવાની કંપની શરૂ કરી. શરૂઆતની તકલીફો પછી સરસ ધંધો કર્યો. આજે તેઓ માલ ફક્ત એક્સપોર્ટ કરે છે, 22 દેશોમાં!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
રીટાયર થવાની ઉંમરે નવો ધંધો શરૂ કર્યો! અત્યારે પણ ઓફીસ અને ફેક્ટરીમાં થઈ રોજના 16 કલાક કામ કરે છે! નવી ફેક્ટરી ક્યાં નાખવી તે વિચારે છે! ફાઇનાન્સ અને ટેકનોલોજી જાતે જ સંભાળે છે. સવારે સાત વાગે ઊઠે. કલાક યોગ અને કસરત કરે. 10:30 સુધી તૈયાર થઈ દીકરા સાથે ફેક્ટરીના કામકાજ અંગે ડિસ્કશન કરે. 11.00 વાગ્યે ઓફિસે જાય. સાડા સાત સુધી ઓફિસમાં જ હોય! પણ ચોવીહાર ચોક્કસ કરે! ઘેરથી તેમનું ટિફિન સમયસર ઓફિસમાં પહોંચી જાય! ઓફિસથી પાછા આવી બાળકો સાથે સમય પસાર કરે. પૌત્રને હમણાં જ ધંધામાં સેટ કર્યો. ટીવીમાં સમાચાર જોઈ રાતના 12:00 વાગે સુઈ જાય.
શોખના વિષયો :
એક માત્ર શોખ એટલે બિઝનેસ કરવો! જીંદગીમાં એક જ પિક્ચર જોયું છે! કોઈ કુટેવ ન હતી. ન સોપારી, ન બીડી, ન તમાકુ. હોસ્ટેલમાં હતા ત્યારે પણ નહીં! યુવાનીમાં સ્પોર્ટ્સનો શોખ હતો, હોકી, ક્રિકેટ, ટેબલ-ટેનિસ વગેરે રમતા. હવે માત્ર ક્રિકેટ-મેચ જુએ છે. બીજો કોઈ શોખ નથી!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
હસતાં હસતાં કહે છે: તબિયત બહુ સરસ છે! 40 વર્ષ પહેલા 1984માં કેન્સર થયું હતું. વર્ષોથી ડાયાબિટીસ છે. 2000ની સાલમાં હૃદયમાં સ્ટેન્ટ મૂક્યો છે. કિડનીનું ઓપરેશન કર્યું છે, એક કિડની કાઢી નાખી છે. હાલ એક જ કિડનીથી કામ ચાલે છે! બધા જ રાજરોગ સાથે હાથ મિલાવ્યા છે! Keep Positive! અનહોની હોગી નહીં ઔર હોની કો કોઈ ટાલ નહીં શકેગા!
યાદગાર પ્રસંગ:
તેમની લેમિનેશન-શીટ્સની ફેક્ટરીમાં પહેલા ધડાકે બહુ સરસ પ્રોડક્શન નીકળ્યું, પરંતુ તેનું માર્કેટિંગ કરતા દમ નીકળી ગયો તે યાદ છે! ફાયર-પ્રુફ મેટ બનાવી અને બીજા ટ્રાયલમાં સક્સેસફુલ થયા! ચીન અને દુબઈમાં ઓફિસો ખોલી. ભારતમાં સૌથી પહેલીવાર હનીકોમ્બ વાળી લેમિનેશન-શીટ્સ બનાવી, જરૂરી ગ્લુ બનાવ્યું. જીએસએફસીનું એક સીક-યુનિટ લઈ રેલ્વેના ડબ્બાઓમાં રેકઝીનના સીટ-કવર નાખવાનો કોન્ટ્રાક્ટ લીધો. સરકારી કામો કર્યાં. સરકારી કામોમાં તકલીફ પડે પણ મોદી સરકારમાં તકલીફ ઘણી ઓછી થઈ છે! 40 દેશોમાં ફર્યા છે, વિદેશની સરકારો સાથે પણ કામ કર્યાં છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી-ટેકનોલોજી માટે એકદમ ઉત્સાહી! જાતે લેબમાં જઈ જાત-જાતનાં ટેસ્ટિંગ કરે. નવું-નવું કંઈ-ને-કંઈ કર્યા કરે. રવિવાર નવું કામકાજ અને શોધ-ખોળ કરવામાં જાય!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ઘરમાં અને બહાર બહુ ફેર દેખાય છે! મહિલાઓને ઘણી સ્વતંત્રતા મળી છે. તે સારું પણ છે અને ખરાબ પણ છે. માણસો બહારથી નવા લાગે પણ વિચારો જૂના છે! સમય અનુસાર બદલાવ જરૂરી છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ઘરના અને કુટુંબના યુવાનો સાથે સરસ ફાવે. ઓફિસ અને ફેક્ટરીનો સ્ટાફ પણ યુવાન છે. 21 વર્ષના પૌત્રને હમણાં નવી ફેક્ટરી કરી આપી. ભત્રીજાઓને પણ તૈયાર કર્યા છે. તેમનું માનવું છે કે યુવાનો પર જવાબદારી નહીં નાખો તો યુવાનો શિખશે કેવી રીતે?
સંદેશો :
તેઓ બહુ સોશિયલ નથી, પણ જરૂર હોય ત્યાં તરત પહોંચી જાય. મંદિર ભાગ્યે જાય, પણ સ્ટાફ કે સોસાયટીમાં જરૂર હોય ત્યાં ચોક્કસ મદદ કરે. કોઈનું સારું ન થાય તો વાંધો નહીં પણ ખરાબ તો ન જ કરો. Do Good And Forget!