ઈંટ-રોડાના કામનો ધંધો કરવો, રાજકીય ખણખોદ કરી વિશ્લેષણ કરવું, ચળવળોમાં સક્રિય ભાગ લેવો, સ્વાસ્થ્ય-શિબિરો યોજવી, ઈમોશનલ વાર્તાઓ લખવી, ફિલ્મી-સંગીતના પ્રોગ્રામોનું એન્કરિંગ કરવું, વૃદ્ધાશ્રમમાં વડીલોને મદદ કરવી, વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટીવેશનલ સ્પીચ આપવી…. આવા તો કેટકેટલા રંગો ભર્યા છે યોગેશભાઈના વ્યક્તિત્વમાં! આવો તેમની વાત સાંભળીએ તેમની પાસેથી: પતિ-પત્ની બંનેની એક જ જન્મ તારીખ! (23/ 10 / 41)
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અને બાળપણ અમદાવાદ, હરકિશન શેઠની પોળમાં. વડવાઓને હાથીદાંતનો ધંધો, જેમાંથી ચુડીયો બનતી એટલે ચુડગર અટક. ઘરમાં આઝાદીનો માહોલ! પિતાએ 42ની ‘હિંદ છોડો’ની લડતમાં નડિયાદ-જેલમાં ત્રણ મહિનાની સજા ભોગવી હતી. વિધવા-દાદી દારૂના પીઠાનું પિકેટીંગ કરતાં! હરિજનોની નિકટતાને લીધે દાદી પહેલાં ગાંધીજીની વિરુદ્ધ હતાં પણ પછી તેમનું કામ જોઈ તેમને પૂજવા લાગ્યાં. ઘરમાં બધા ખાદીધારી. ભણતર સરસ્વતી મંદિર શાળામાં, પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં. શાળાના પ્રિન્સિપાલ છોટુભાઈ પટેલ (દાંડી-યાત્રામાં ગાંધીજીના સહયાત્રી) પાસેથી કાંતણ શીખી હરીફાઈમાં અગ્રેસર રહ્યા. 56-58માં ભાષાવાર પ્રાંત-રચનામાં મહાગુજરાતની લડતમાં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે ઘણો અનુભવ લીધો. ભણીને તરત કોન્ટ્રાક્ટર તરીકે કામ શરૂ કર્યું. ભાષા ઉપર કાબુ સારો, આક્રમક ભાષા વાપરી લોકોને ઉત્તેજિત કરી શકે એટલે રાજકીય વર્તુળમાં પણ તેમનું માન! 1985માં અનામત-વિરોધી આંદોલનમાં જોડાયા. RSSમાં સનાતન-ધર્મના પ્રચારક તરીકે હિંદુ-સંસ્કારના બૌદ્ધિક લેક્ચર માટે અને પછી બીજેપીમાં સક્રિય થયા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
1998માં મોટા આંતરડાનું કેન્સર થયું ત્યારથી નિવૃત્તિ સ્વીકારી. હવે સમાજસેવા મુખ્ય કામ. હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજે છે, વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપે છે, વૃદ્ધાશ્રમનાં વડીલોને જુદી જુદી રીતે આનંદ મળે તેવું કામ કરે છે, થીએટરમાં/ટીવી ઉપર ફિલ્મ-શો કરે, ફિલ્મી-ગીતોનો પ્રોગ્રામ કરે, ડાકોર-અંબાજી-અક્ષરધામ ફરવા લઈ જાય. “હું માનું છું કે ભગવાને મને ઘણું આપ્યું છે, જેને નથી મળ્યું તેની સાથે મારે શેર કરવું જોઈએ.”
શોખના વિષયો :
પબ્લિક સ્પીકિંગ, વાંચન-લેખન અને સમાજસેવા. કિશોરાવસ્થામાં ક્રિકેટનો શોખ હતો. ફિલ્મી-સંગીત અને પ્રોગ્રામોનું એન્કરિંગ કરવું ગમે. ફરવાનો શોખ ખરો. અમેરિકા, લંડન તથા ભારતમાં વિવિધ સ્થળોએ પ્રવાસ કર્યો છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત ઘણી સારી છે. જાતે હરી-ફરી શકે છે, લેક્ચર આપવા સ્કૂલ-કોલેજોમાં જઈ શકે છે, વડીલોના આનંદ-પ્રમોદ માટે વૃદ્ધાશ્રમ જઈ શકે છે. તબિયત ઉપર પૂરતું ધ્યાન આપે છે. કોરોના દરમિયાન ઘરમાં જ રહેવું પડતું ત્યારે શોર્ટ સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું અને વાર્તા-સંગ્રહ “સાચો હીરો”ને એવોર્ડ મળ્યો!
યાદગાર પ્રસંગો :
47માં આઝાદીના દિવસે પિતાજી આનંદનો ઉત્સવ બતાવવા ઊંચકી-ઊંચકીને ગામમાં ફર્યા. 1952ના પ્રથમ ઇલેક્શનમાં ચૂંટણી-પ્રચારનાં કાગળિયાં ઘેર-ઘેર પહોંચાડ્યાં. 14 વર્ષે RSSમાં જોડાયા. પત્નીને 2016માં હાર્ટએટેક આવ્યો, ખ્યાલ આવતાં તરત જ હોસ્પિટલ લઈ ગયા, સમયસર સારવાર શરૂ થઈ ગઈ અને તેઓ બચી ગયા. વૃદ્ધાશ્રમના એક બહેનને માનભેર પોતાના ઘેર પહોંચાડ્યાં. એક ભિખારી બાળકને ટ્રાફિક-સિગ્નલ ઉપર પડી જવાથી સખત વાગ્યું. તેને ગાડીમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યો, જરૂરી સારવાર કરાવી,અઠવાડિયા પછી બાલ-કેન્દ્રમાં પહોંચાડ્યો જેથી યોગ્ય અભ્યાસ ચાલુ રહે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરે છે. કમ્પ્યુટર/ ઇન્ટરનેટ/ મોબાઈલ-ફોન/ સોશિયલ-મીડિયા વગેરેનો ઘણો લાભ લે છે. ઝુમ-મિટીંગ દ્વારા સંવાદો/ ટીવી-ડિબેટ/ વાર્તાલાપ/ સેમિનારમાં ભાગ લે છે. નવી ટેકનોલોજીને કારણે રોજિંદી જિંદગીમાં ઘણો સુધારો થયો છે, સગવડો વધી છે, બેંકોના કામકાજ સરળ બન્યાં છે, છતાં કેટલીક ઈચ્છનીય પ્રવૃત્તિઓ નુકસાન પણ કરે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
સમય બદલાય તેમ પરિવર્તન આવે તે કુદરતી નિયમ છે. ત્યારે વીજળી ન હતી, વાહન-વ્યવહાર મર્યાદિત હતો, ઘરમાં ઘંટી હોય, કૂવેથી કે નદીએથી પાણી ભરવાનું એ બધું જીવનનો એક ભાગ. ટેકનોલોજી અને શોધખોળને કારણે સગવડો વધી છે, પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે, રોજગારીની નવી દિશાઓ ખુલી છે, જીવન સરળ બન્યું છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
આજના વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપું છું તેથી તેમના સંપર્કમાં છું. આજની પેઢી વધુ સ્માર્ટ છે. ટેકનોલોજી અને સગવડોને કારણે તેમને વધુ એક્સપોઝર મળ્યું છે. રોજગારીની નવી ક્ષિતિજો ખુલવાને કારણે વધુ તકો મળી છે. યોગ્ય માર્ગદર્શન મળે તો આજની પેઢી વધુ સક્ષમ બને.
સંદેશો :
વડીલોએ પોતે આવી રહેલા નવા સમયને પારખવો પડશે. પોતાની જીવનશૈલીને સમયાનુસાર બનાવવી પડશે. નવી ટેકનોલોજીનો સ્વીકાર કરવો જોઈએ. પોતાના જમાનાની વાતને બદલે આજના જમાનાની વાત અપનાવવી જોઈએ.