ગાંધીવાદી પિતાની સાથે સિરોહી, તલોદ, ચરાડા, સિધ્ધપુર, પાલીતાણા જેવાં નાનાં સ્થળોની પ્રાથમિક શાળામાં, ગુજરાતીમાં શિક્ષણ લીધા છતાં વિશ્વ-પ્રતિષ્ઠિત આઈઆઈએમ-અમદાવાદમાં (IIM-A) પ્રવેશ મેળવી વર્ષો સુધી એક્સપોર્ટનો બિઝનેસ કરનાર ઇન્દર મોદીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ સિરોહીમાં, ગાંધીવાદી પિતાજી એ જમાનામાં MA ભણેલા! વનસ્થલીમાં અને નવજીવનમાં કામ કર્યા બાદ અકબરભાઈ ચાવડાના પરિચયમાં આવતાં સર્વોદય આશ્રમ (સણાલી)માં આદિવાસી બાળકોને ભણાવ્યાં. પિતાની સાથે તેઓ પણ જુદાં-જુદાં ગામોમાં ફર્યા, છેલ્લે પાલીતાણાથી એસએસસી પાસ કર્યું. કોલેજ(B.Com) સિરોહી અને પિલાનીમાં. એક વર્ષ KK Birla સાથે કલકત્તામાં કામ કર્યું. ત્યાંથી IIM-Aની પ્રથમ બેચમાં પ્રવેશ મેળવ્યો. પછી જહાંગીર મીલ્સ અને DCMમાં કામ કર્યું. ભાઈને ધંધામાં મદદ કરવા, ૧૯૬૮માં તેમની સાથે અમદાવાદમાં પ્રિન્ટિંગ પ્રેસ ખોલી અને પ્રતિષ્ઠિત કામો હાથ પર લીધાં.
૧૯૭૦-૭૪ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટમાં પ્રોફેસર તરીકે અને પછી ત્રણ વર્ષ નાઈજીરીયામાં શિક્ષણ-કાર્ય કર્યું. પછીનાં ચાર વર્ષ નાઈજીરીયામાં ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં મેનેજર તરીકે કામ કર્યું. ૧૯૮૦માં લંડનમાં કંપની ઊભી કરી, લંડન આવ-જા કરી, ૧૦-૧૨ વર્ષ એક્સપોર્ટનું કામ કર્યું. અમદાવાદમાં કંપની ઊભી કરી જેમાં દીકરો 1991માં જોડાયો. એક્સપોર્ટની સાથે-સાથે એડવાઈઝરી (સલાહ-સૂચન આપવાનું) કામ પણ શરૂ કર્યું. ઘણાં દેશોની સરકારી સ્કીમો મુજબ ઈચ્છુકોને યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં મોકલવાનું કામ કર્યું. 2008થી શેર-બજારનું કામ પણ હાથ પર લીધું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
આખો દિવસ કામ કરે છે. નિવૃત્તિનો વિચાર નથી! સવારે સાત વાગે ઊઠી અડધો કલાક કસરત કરે છે. ચા-નાસ્તો કરી ઓફીસ જાય છે. પિલાનીના એક પ્રોફેસરે ધાર્મિક રીત-રિવાજોની વિરુદ્ધ મગજમાં ઠસાવી દીધું ત્યારથી તેની વિરુદ્ધ છે, પણ જરૂરિયાતવાળા લોકોને દાન-મદદ કરે છે. સાંજે ઘરે આવી ટીવી, છાપુ, ઈવનિંગ વોક અને સાડા-સાતે ડિનર. મોબાઈલ પર સોશિયલ-મીડિયામાં ઘણો સમય જતો રહે છે!
શોખના વિષયો :
પત્તા રમવાનો બહુ શોખ છે. મિત્રોનું ગ્રુપ દર અઠવાડિયે ભેગા મળી પત્તા રમે છે. સંગીત અને ફિલ્મોનો ઘણો શોખ છે. પાલીતાણા હોસ્ટેલમાં હતા ત્યારે પાંચ-સાત વિદ્યાર્થીઓ ભેગા થઈ રાત્રે પિક્ચર જોવા જાય. ઘણીવાર લાઈટો બંધ કરી અથવા ફ્યુઝ ઊડાડી ટોળકી પિક્ચર જોવા રફુચક્કર થઈ જાય! જોકે પાલીતાણા હતા ત્યારે જાત્રાઓ પણ ઘણી કરી.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
નિયમિત કસરત અને જિંદગી તરફની એટીટ્યુડને કારણે તબિયત એકદમ સરસ છે. કોઈ રોગ નથી, કોઈ દવા લેતા નથી. કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. “DON’T WORRY, DON’T HURRY”માં માને છે. ખાવાનું પણ આરામથી!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી સાથે એકદમ કમ્ફર્ટેબલ છે. લેપટોપ, ટીવી, મોબાઇલ, બધું સરસ રીતે વાપરે છે. 30 વર્ષથી લેપટોપનો ઉપયોગ કરે છે. તેમના મતે, જેને કામ કરવું છે તેના માટે ટેકનોલોજી આશીર્વાદ છે, જેને ટાઈમ બગાડવો છે તેના માટે અવરોધ!
યાદગાર પ્રસંગો :
૧૯૭૯ની સાલમાં, પિતાજીએ ૫૮ વર્ષની ઉંમરે સિરોહીમાં દીક્ષા લીધી. તેમની સાથે રહેવા તથા દીક્ષામાં હાજરી આપવા નાઈજીરીયાથી તેઓ ભારત આવી ગયા. 1983માં, સુરતથી અમદાવાદ વિહાર દરમ્યાન એક મોટરસાયકલની અડફટે આવી પિતાજીનું મૃત્યુ થયું.
1981માં ગ્રેજ્યુએટ ભણેલી તેમની બે યુવાન બહેનોએ દીક્ષા લીધી. તેમની સાથે ક્વોલિટી-ટાઈમ પસાર કરવા આખું કુટુંબ નાઈજીરીયાથી ભારત આવી ગયું. બંને બહેનોને દીક્ષા પહેલા કાશ્મીર અને બીજાં જોવાલાયક-સ્થળોની સહેલ કરાવી. કુટુંબની આ ઉચ્ચ ધાર્મિક-ભાવના જીવનમાં તેમને કાયમ મદદ કરતી રહી છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
જૂના જમાનાની મિત્રતા ઘણી ઊંડી હતી. અત્યારના મિત્રો ફક્ત ‘હાઈ-હેલો’ કરવામાં માને છે! કોઈ કોઈને મદદ કરતું નથી! મારા જૂના નાઇજીરીયન, ઇટાલિયન અને ઓસ્ટ્રેલિયન મિત્રો સાથે મિત્રતા કાયમ છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કામકાજના કારણે, મદદ કરવાના સ્વભાવને કારણે અને માર્ગદર્શન આપી શકવાને કારણે યુવાનો સાથે સંપર્ક સારો છે. IIM-Aના ગ્રુપમાં તથા FACEBOOK અને સોશિયલ મીડિયા ઉપર યુવાનોના ટચમાં છે. અત્યારના યુવાનો આત્મ-કેન્દ્રી થઈ ગયાં છે, ફક્ત પોતાનો વિચાર કરે છે. મા-બાપ, ભાઈ-બહેન અને સમાજનો વિચાર પણ કરવો જોઈએ.
સંદેશો :
તમારા શરીરનું ધ્યાન રાખો. તંદુરસ્ત હશો તો જ તમે બીજું બધું ભોગવી શકશો! માનસિક દબાવ ઓછો રાખો, સંતોષથી જીવો અને બીજા લોકોને મદદ કરો.