ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન એવા શિક્ષક હતાં જે બાદમાં દેશના રાષ્ટ્રપતિ બન્યા જેથી એમના સમ્માનમાં 5 સપ્ટેમ્બરે એમના જન્મદિવસના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવાઈ છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પિતા નહતા ઈચ્છતા હતાં કે, એ અભ્યાસ કરે. તેમના પિતા રાધાકૃષ્ણનને મંદિરના પુજારી બનાવવા ઈચ્છતા હતા, પરંતુ એમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ભારતના સર્વોચ્ચ પદ મેળવ્યું.
ડૉ. રાધાકૃષ્ણન આખા વિશ્વને એક વિદ્યાલય માનતા હતા. એમનું માનવું હતું કે શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક માની શિક્ષાનું આયોજન કરવું જોઇએ. એમનું કહેવું હતું કે જ્યાંથી પણ કંઇક શીખવા મળે તેને પોતાના જીવનમાં ઉતારી લેવું જોઇએ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના તત્વચિંતક અને વિદ્વાન રાજપુરુષ હતા. એમણે 20મી સદીના એવા વિદ્વાનોમાંથી એક હતા જેમને, વિવિધ ધર્મ અને તત્વચિંતનનું જ્ઞાન હતું.
શરુઆતનું જીવન
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણને શરુઆતનું જીવન ઘણુ મુશ્કેલી ભર્યું રહ્યુ. તેમનો પ્રાથમિક અભ્યાસ તિરુમનીમાં થઈ, વધુ અભ્યાસ માટે તેમના પિતાએ તિરુપતિની એક ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં તેમનું એડમિશન કરાવ્યું. ચાર વર્ષ સુધી એમણે ત્યાં અભ્યાસ કર્યા બાદ ડો. રાધાકૃષ્ણને મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી અભ્યાસ કર્યો. રાધાકૃષ્ણને 1906માં તત્વજ્ઞાનમાં MA નો અભ્યાસ કર્યો. તે એક એવા તેજસ્વી વિદ્યાર્થી હતાં તેમના સમગ્ર છાત્રકાળ દરમિયાન સ્કોલરશિપ મેળવતા રહ્યા.
M.A ની ડિગ્રી મેળવીને અધ્યાપક બન્યા હતા
એમએ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1909માં એમને મદ્રાસ પ્રેસીડેન્સી કોલેજમાં અધ્યાપક તરીકે નોકરી મળી, જ્યાં એમણે સાત વર્ષ સુધી વિદ્યાર્થીઓને તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવ્યો. 1916માં એમને મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં દર્શન શાસ્ત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી. 1918માં મેસૂર યૂનિવર્સિટીમાં એમની પ્રોફેસર તરીકે પસંદગી થઈ.
ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં બન્યા પ્રોફેસર
રાધાકૃષ્ણન ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં ભારતીય તત્વજ્ઞાન ના પ્રોફેસર બન્યાં. થોડા દિવસો ત્યાં સુધી ત્યાં વિદ્યાર્થીઓને ભણાવ્યા બાદ ડો.રાધાકૃષ્ણન સ્વદેશ પરત આવ્યાં. ભારતમાં જે યૂનિવર્સિટીમાંથી એમણે M.A નો અભ્યાસ કર્યો હતો, એ જ યૂનિવર્સિટીમાં એમને ઉપ-કુલપતિ બનાવામાં આવ્યાં, પરંતુ થોડા દિવસો બાદ એ બનારસ જતા રહ્યા અને હિન્દૂ વિશ્વવિદ્યાલયના ઉપ-કુલપતિ બની ગયા. 1903માં સિવાકામુ સાથે તેના લગ્ન થયાં.
મોસ્કોમાં ભારતના રાજદૂત રહ્યા
1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ડો. રાધાકૃષ્ણનને રાજદૂત તરીકે સોવિયત સંઘની સાથે રાજકીય કાર્યો પર કામ કરવાનો આગ્રહ કર્યો. નેહરુના આગ્રહનો સ્વીકાર કરતા એમણે 1947થી 1949 દરમિયાન સંવિધાન સભાના સભ્ય તરીકે કામ કર્યું. ત્યારબાદ 1952 સુધી ડો.રાધાકૃષ્ણન રશિયાની રાજધાની મોસ્કોમાં ભારતના રાજદૂત તરીકે રહ્યાં.
1952માં ઉપરાષ્ટ્રપતિ, 1962 માં રાષ્ટ્રપતિ
13 મે 1952માં તેમને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનાવામાં આવ્યાં. 10 વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિની જવાબદારી સંભાળ્યા બાદ 13 મે 1962માં તેમને દેશની બીજા રાષ્ટ્રપતિ બનાવામાં આવ્યાં. રાધાકૃષ્ણને તેમના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન ચીન અને પાકિસ્તાન તરફથી યુદ્ધ જેવી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો. શિક્ષણ અને રાજનીતિના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સરકારે એમને દેશનું સર્વોચ્ચ સમ્માન ભારત રત્નથી સમ્માનિત કર્યાં. એમના માન માં 5 સપ્ટેમ્બર 1962થી દેશ શિક્ષક દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રપ્રેમ માટે વિખ્યાત
1962માં જ તેમને બ્રિટિશ એકેડમીના સભ્ય બનાવામાં આવ્યાં. ડો.રાધાકૃષ્ણન એમના રાષ્ટ્રપ્રેમ માટે વિખ્યાત હતાં. ઈગ્લેન્ડની સરકારે તેમને ‘ઓર્ડર ઓફ મેરિટ’ સમ્માનથી બિરદાવ્યા હતાં. તેમના મૃત્યુબાદ 1975માં અમેરિકાની સરકારે ટેમ્પલ્ટન પુરસ્કારથી સમ્માનિત કર્યાં.
17 એપ્રિલ 1975ના રોજ લીધા અંતિમ શ્વાસ
રાષ્ટ્રપતિ તરીકે 26 જાન્યુઆરી 1967ના રોજ જ્યારે તે દેશને સંબોધિત કરી રહ્યાં હતા, એ સમયે એમણે પોતે જાહેરાત કરી હતી કે, કાર્યકાળ સમાપ્ત થયાં બાદ તે ફરી વખથ દેશના રાષ્ટ્રપતિ નહીં બને. રાષ્ટ્રપતિ તરીકે આ તેમનું અંતિમ સંબોધન હતું. ડો.રાધાકૃષ્ણને ભારતીય તત્વજ્ઞાન અને ધર્મ પર અનેક પુસ્તકો લખ્યા. ગૌતમ બુદ્ધ : જીવન અને દર્શન, ધર્મ અને સમાજ, ભારત અને વિશ્વ એમાના પ્રમુખ પુસ્તકો હતાં. 17 એપ્રિલ 1975માં લાંબી બિમારી બાદ તેમનું નિધન થયું હતું.