અમદાવાદ: અદાણી જૂથના વડામથક અમદાવાદ ખાતે શાંતિગ્રામમાં એક અદભૂત કલા પ્રવૃત્તિ અભિવ્યક્ત કરાઈ છે. આ આર્ટવર્ક પ્રોગ્રામનો ઉદ્દેશ પરંપરાગત કસબ અને કૌશલ્યને જાળવીને તેને ડિઝાઈન આધારિત સ્વરૂપ બક્ષવાનો છે. આ કામગીરીમાં નવા મીડિયા આર્ટિસ્ટ્સ, સ્થપતિઓ, એન્જિનિયરો અને કલાકારોના સહયોગથી 48 કૃતિઓ તૈયાર કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશના ગોંદ લોકો અને ઓસ્ટ્રેલિયાના વર્લપિરી લોકો અવિભાજ્ય રીતે તેમની પ્રકૃતિ અને આસપાસના વાતાવરણના મૂળિયાં સાથે જોડાયેલા છે. બંન્ને પ્રદેશો વચ્ચે મોટું અંતર હોવા છતાં તેમની આ કલા પ્રવૃત્તિ તેમને એક બીજા સાથે જોડે છે.
ગોંદવાણા કલાની શરૂઆત એક રચનાત્મક કલા સમજવાની અને તેને દેશની સરહદ પાર લઈ જવાની ઈચ્છામાંથી ઉદભવી હતી. મધ્યપ્રદેશના ગોંદ લોકો અને ઓસ્ટ્રેલિયાના વર્લપિરી લોકો વચ્ચે લાંબુ ભૌગોલિક અંતર હોવા છતાં આ બંને પ્રદેશોની કલાઓ એક બીજા સાથે સામ્ય ધરાવે છે. તેમની બોલવાની પદ્ધતિ ભલે અલગ હોય, પરંતુ તે પોતાની કથાઓ, કલા અને ગીતના માધ્યમથી વ્યક્ત કરે છે.
અદાણી ગ્રુપે ઈનોવેશનના માધ્યમથી બે પ્રદેશોની કલાઓને જોડવાનો પ્રયાસ કર્યો છે. આ કલાઓ સમુદ્રો અને ભિન્ન યુગો અંગે તેમની અભિવ્યક્તિ ચાલુ રાખશે.
ગોંદવાણા કલા અંગે વાત કરતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ‘ઈતિહાસ રોમાંચક વિષય છે, પરંતુ 550 મિલિયન વર્ષ જૂની ગોંદવાણ કથાઓ ઉપરથી મને આટલું બધુ શિખવા મળશે તેવી અપેક્ષા ન હતી. ભારતના ગોંદ કલાકારો અને ઓસ્ટ્રેલિયાના એબોર્જીનલ કલાકારોએ તેમની અભિવ્યક્તિઓ કથાઓ મારફતે કરી છે. આ સાસ્કૃતિક સમન્વય બંન્ને રાષ્ટ્રો વચ્ચેનું સાંસ્કૃતિક જોડાણ દર્શાવે છે’.
ભારતમાં આવેલા ગોંદવાણાની ગોંદ જાતિ અને ઓસ્ટ્રેલિયાની સ્થાનિક એબોર્જીનલ જાતિ એ જ નામના પ્રાચીન સ્થળ સાથે જોડાયેલી છે. રાજીવ શેઠ્ઠીએ આ જાતિઓના મૂળ કઈ રીતે જોડાયેલા છે તે શોધવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયાના ઉત્તર ભાગની વિવિધ વસાહતોની મુલાકાત લઈને તેમની જીવનશૈલી અને સ્મૃતિઓ અંગે જાણકારી મેળવી છે. આ સુંદર અને ઓછો ખેડાયેલો પ્રદેશ વિવિધ જાતિઓ બનેલો છે, જેમાં પીટજંતજારા, એરેન્ટ, લૂર્જીતા, વર્લપિરી અને ઉત્તરમાં યોલગુનો સમાવેશ થાય છે.
પ્રસિદ્ધ માનવશાસ્ત્રી જેની આઈઝેક અને આર્ટએક્ટીવિસ્ટ પીટર યેટસના સક્ષમ માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રગેશોનો પ્રવાસ કર્યા પછી વર્લપિરી સમુદાયનો ઓટો જુનગારઈ સિમ્સ અને પેટ્રીક જાપાનગરડી વિલિયમ્સને ગોંદના કલાકારો બૈજુ શ્યામ સાથે સહયોગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બધાએ સાથે મળીને કેટલીક રચનાઓ તૈયાર કરી છે.
ગોંદ અને તેની કલાને એક લાખ વર્ષ જૂની મેસોલિથીક રોક-આર્ટ સાઈટ ભીમબેટકા સાથે જોડી શકાય તેમ છે. ગોંદ અને એબોર્જીનલ આ બંને સમુદાયોના જીવનમાં ટપકાં અને લીટાઓનું મહત્વ છે. એબોર્જીનલ લોકો માટે ટપકાંઓનો અર્થ સપનાં સેવવા અને પ્રદેશ એવો થાય છે, જ્યારે ગોંદ લોકો આ બંને પ્રતિકો મારફતે વિશ્વનો આધ્યાત્મિક દુનિયા સાથે સમન્વય કરે છે. આ ટપકા તેમના પૂર્વજો, અણુનું કાવ્યાત્મક વિઝ અને એક નાનકડી દુનિયાને સૂક્ષ્મ સ્વરૂપે રજૂ કરે છે.
બૈજુ શ્યામે તેમની કલા પ્રવૃત્તિ ગામડાંના ધર્મ ગુરૂ પ્રધાન પરિવારમાં શરુ કરી હતી અને ત્યારબાદ તે ભોપાલના ભારત ભવનમાં ગયા હતા. તે હવે પદ્મશ્રી છે અને ગોંદ-પ્રધાન પરંપરામાં ઈનોવેશનનો પ્રણેતા છે. આ પરંપરાને તેમના કાકા જંઘરા સીંગ શ્યામે આગળ ધપાવી છે. બૈજુ ખેડૂતોના પરિવારમાં અને મધ્ય પ્રદેશના જંગલોમાં ઉછર્યા છે. ગોંદ જાતિ તેમના મકાનોને રંગ કરવાની પરંપરા ધરાવે છે. લગ્ન પ્રસંગોએ અને વિવિધ ઉજવણીઓમાં ઘર ઉપર ચિત્રો દોરવામાં આવે છે. આ ચિત્રો હવે કેનવાસ ઉપર ઉતર્યા છે. આ ચિત્રોમાં કુદરતનું સાનિધ્ય, આસપાસની વનસ્પતિ અને વન્ય જીવો જોવા મળે છે. ગોંદ લોકોની પૌરાણિક કથાઓ અને માન્યતાઓમાં વૃક્ષો, કાગડો, મધમાખીઓ અને અળસિયા ઘણું મહત્વ ધરાવે છે. બૈજુ હવે આ પ્રતિકોનો ઉપયોગ કરીને આધુનિક દુનિયા સમક્ષ અભિવ્યક્તિ કરે છે.