રોબોટઃ જે સામાજિક કાર્યકર્તાની ભૂમિકા અદા કરે છે…

‘પેપેનામનો સામાજિક રોબોટ શાળાઓમાં સ્વચ્છતા બાબતે બાળકોમાં જાગૃતિ લાવી રહ્યો છે.

‘પેપે’નામનો એક રોબોટ શાળામાં બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવી રહ્યો છે. તે બાળકોને એમની જ ભાષામાં જમ્યા પહેલાં તેમજ ટોયલેટ જઈ આવ્યાં બાદ હાથ ધોવા કેટલાં જરૂરી છે તે એમને સમજાવે છે.

બાળકને ઘરમાં માતા-પિતા અથવા શાળામાં શિક્ષક સ્વચ્છતા માટે વારંવાર હાથ ધોવાનું કહે, તો એ સામાન્ય રીતે કચકચ કરતું રહે છે. કોઈ ઘડી ઘડી ટોક ટોક કરે તે એને નથી ગમતું. પણ આ જ વાત કોઈ રોબોટના માધ્યમથી કહેવામાં આવે તો બાળક ઝટ માની લે છે, તે કેરળના વાયનાડ શહેરની એક સ્કૂલમાં સાબિત થઈ ગયું. વાયનાડની પ્રાથમિક શાળામાં 5-10 વર્ષની વયજૂથના બાળકો માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 40 ટકા સફળતા મળી છે.

વાયનાડની સરકારી પ્રાથમિક શાળામાં હાથ ધોવાના પાણીના નળની દિવાલ ઉપર એક રોબોટ લગાડવામાં આવ્યો છે. જે એક સામાન્ય મશીન છે. આ લીલા રંગના રોબોટનો આકાર હાથ જેવો છે. એની ઉપર લાગેલી સ્ક્રીન મોંઢાનું કામ કરે છે, જે બાળકો સાથે વાત કરે છે. તેની પાસે આવનાર બાળકને એક મિત્ર તરીકે ત્યાંની સ્થાનિક ભાષામાં બોલીને પાઠ ભણાવે છે કે, સાબુથી હાથ ધોવાથી અનેક બિમારીઓથી આપણને રક્ષણ મળે છે. એટલે,‘જમતાં પહેલાં તેમજ ટોયલેટ જઈ આવ્યા બાદ હાથ સાબુથી ધોવા જોઈએ.’

આ રોબોટ ઉપર લાગેલી બે આંખો સતત હલતી રહે છે, જેથી બાળકને લાગે છે કે, રોબોટ એમની તરફ પૂરતું ધ્યાન આપી રહ્યો છે.

આ વાતને એટલો સારો પ્રતિસાદ મળ્યો છે કે, સ્કૂલમાં સ્વચ્છતા જાળવવા માટે હાથ ધોનારા બાળકોની સંખ્યામાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે.

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)’ તેમજ ‘વોટર એઈડ ઈન્ડિયા’ના સર્વેક્ષણ અનુસાર, હાથ ધોવાની સ્વચ્છતાના અભાવે બાળકો અવારનવાર માંદા પડે છે. એમને ડાયેરિયા તેમજ શ્વસન સંબંધી બીમારીઓ લાગૂ પડે છે. જેના કારણે દુનિયામાં રોજના 1,300 જેટલાં બાળકોના મૃત્યુ પણ થાય છે. એકલા ભારતમાં જ આ આંકડો 320 જેટલો છે. આ આંકડો મોટે ભાગે આદિવાસી વિસ્તારો તેમજ શહેરથી દૂરના પછાત ગામડાંઓમાં વધુ જોવા મળે છે.

આ બાબતને ધ્યાનમાં લઈને સ્કોટલેન્ડની ગ્લાસ્ગો યુનિવર્સિટીના ડો. અમોલ દેશમુખ તેમજ કેરળની અમૃતા વિશ્વ વિદ્યાપીઠના ઉન્નીક્રિષ્નને મળીને આ રોબોટ વિકસાવ્યો છે.

ડોક્ટર દેશમુખ કહે છે કે,‘આ પહેલાં કોઈ પછાત વિસ્તારના બાળકે રોબોટ સાથે સંવાદ નહોતો સાધ્યો. પરંતુ વાયનાડની સ્કૂલમાં રોબોટને મળેલી સફળતા એ સાબિત કરે છે કે, એક સામાન્ય મશીન પણ નિરક્ષરતાથી ગ્રસ્ત ગામડાંઓમાં બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવી શકે છે.’

વધુમાં દેશમુખ કહે છે,‘હવે અમને આ દિશામાં વધુ પ્રેરણા મળી છે, અમે ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં જાગૃતિ લાવવા હજુ વધુ સામાજિક રોબોટ વિકસાવીશું. ’

ગયા વર્ષે આ ટીમે ચાર પૈડાંવાળો રોબોટ વિકસાવેલો હતો. જે તામિલનાડુના ઐયમ્મપટ્ટી ગામમાં પાણીની 20 લીટરની બોટલ્સ કૂવેથી ભરીને લોકોના ઘર સુધી પહોંચાડતો હતો.