અસાધારણ ક્ષમતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓની સિદ્ધિઓને સમ્માનિત કરવા અને એમની કાબેલિયતને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે કેવિનકેર અને એબિલિટી ફાઉન્ડેશને ચેન્નાઈમાં કેવિનકેર એબિલિટી એવોર્ડ્સની 17મી આવૃત્તિનું અહીં આયોજન કર્યું હતું. એમાં દેશભરમાંથી પસંદ કરાયેલા પાંચ દિવ્યાંગજનનું એમણે હાંસલ કરેલી અસાધારણ સફળતા બદલ સમ્માન બહુમાન કરવામાં આવ્યું હતું.
એ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના સંબંધિત દિગ્ગજ લોકો અને નિર્ણાયક સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વર્ષે જ્યૂરીનાં સભ્યો હતાંઃ સત્યભામા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીનાં પ્રો ચાન્સેલર ડો. મારિયાઝીના જોન્સન, સુરાના એન્ડ સુરાના ઈન્ટરનેશનલ એટર્નીઝના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. વિનોદ સુરાના, લાઈફસેલ ઈન્ટરનેશનલ પ્રા.લિ.ના ચેરમેન અભય શ્રીશ્રીમાલ જૈન, ધ હિન્દુ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રાજીવ લોચન, ફિલ્મનિર્માતા રાધામોહન અને કૃષ્ણાસ્વામી એસોસિએટ્સના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર લતા કૃષ્ણા.
આ વર્ષનાં પાંચ એવોર્ડવિજેતા દિવ્યાંગજનોએ એમની અસીમિત ઉર્જા અને આત્મવિશ્વાસ દ્વારા દર્શકોને ચકિત કરી દીધાં હતાં. એમણે પોતાની જીવનયાત્રા વિશે લોકોને જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં, ઓસ્કરવિજેતા સંગીતકાર એ.આર. રેહમાનનાં કે.એમ. મ્યુઝિક કન્ઝર્વેટરીનાં સુરોજીત ચેટરજીનાં શિષ્યા નિથિલાએ પિયાનોવાદન કરીને સૌને મુગ્ધ કરી દીધાં હતાં. તેઓ સ્વયં વિકલાંગ છે. એમણે સિદ્ધ કરી દીધું છે કે એમની આ શારીરિક અસમર્થતા એમનાં સપનાં તથા મહત્ત્વાકાંક્ષાઓમાં અવરોધ બનતી નથી.
આ પહેલો એવો રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર છે જેની પરિકલ્પના અને વ્યવસ્થા કેવિનકેર પ્રા.લિ.ના સીએમડી સી.કે. રંગનાથન અને એબિલિટી ફાઉન્ડેશનનાં સંસ્થાપક અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર જયશ્રી રવીન્દ્રને કરી છે. જેથી દિવ્યાંગજનોમાં રહેલી છૂપી ટેલેન્ટ બહાર લાવી શકાય.
પુરસ્કાર માટે નામાંકનની પ્રક્રિયા આયોજનનાં 3 મહિના પૂર્વે શરૂ કરાય છે. નામાંકનોની ચકાસણી અને પસંદગી સંઘર્ષના સ્તર, વિષમતા પર હાંસલ કરેલી જીત અને કરેલા કાર્યની ઉત્કૃષ્ટતાના આધાર પર કરવામાં આવે છે.
આ વર્ષનાં એવોર્ડવિજેતાઓ છેઃ
કેવિનકેર એબિલિટી એવોર્ડ ફોર એમિનન્સ – દાનિશ મહાજન (શાહપુર કાંડી, પંજાબ)
કેવિનકેર એબિલિટી માસ્ટરી એવોર્ડ – વેંકટચલમ એમ. ગુડિયાથમ (ગુડિયાથમ, તામિલનાડુ)
કેવિનકેર એબિલિટી સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડ – ભાર્ગવી વી. દાવર (પુણે, મહારાષ્ટ્ર).
કેવિનકેર એબિલિટી એવોર્ડ્સઃ
એમિનન્સ એવોર્ડઃ આ એવોર્ડ એ દિવ્યાંગજનને અપાય છે જેણે વિષમ પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને જીત મેળવી હોય એટલું જ નહીં, પણ પોતાનાં યોગદાન માટે સમાજમાં પોતાનું સંગઠન પણ શરૂ કરી દીધું છે. આ પુરસ્કાર રૂપે એક પ્રશસ્તિ પત્ર, એક ટ્રોફી અને બે લાખ રૂપિયાની રોકડ રકમ અપાય છે.
માસ્ટરી એવોર્ડઃ આ એવોર્ડ ત્રણ વિકલાંગજનને એમની પસંદગીના કોઈ પણ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી અસાધારણ સિદ્ધિને સમ્માનિત કરવા માટે અપાય છે. આ એવોર્ડરૂપે પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને રૂ. એક લાખની રોકડ રકમ અપાય છે.
સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડઃ આ શ્રેણી એવી વિકલાંગ વ્યક્તિ માટે છે જેણે વ્યક્તિગત કે સંગઠનાત્મક સ્તર પર અપવાદી સિદ્ધિ હાંસલ કરી છે. આ શ્રેણીમાં વિજેતાને પ્રશસ્તિ પત્ર અને ટ્રોફી અપાય છે.
કેવિનકેર પ્રા.લિ. FMCG ક્ષેત્રની કંપની છે, જે પર્સનલ કેર, પ્રોફેશનલ કેર, ડેરી, સ્નેક્સ, ફૂડ્સ, બેવરેજીસ એન્ડ સેલૂન જેવા ક્ષેત્રોમાં સક્રિય છે. બ્રાન્ડના પોર્ટફોલિયોમાં શેમ્પૂ, હેર વોશ પાવડર, ફેરનેસ ક્રીમ, ડિયોડોરન્ટ અને ટેલ્ક, અચાર અને નમકીન, હેર કલર્સનો સમાવેશ થાય છે. કંપનીનું વર્તમાન ટર્નઓવર રૂ. 1600 કરોડથી વધુનું છે.
એબિલિટી ફાઉન્ડેશનની સ્થાપના 1995માં કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય ચેન્નાઈમાં છે. આ સંસ્થા દિવ્યાંગજનોનાં સશક્તિકરણ અને સામર્થ્ય પર ફોકસ કરે છે.