ભારતીય વાયુ સેનાનાં સાહસ તથા વ્યૂહરચનાની કથા કહેતી ‘તેજસ’, ‘ફાઈટર’, ‘ઑપરેશન વેલેન્ટાઈન’ જેવી ફિલ્મો સારી હોવા છતાં ટિકિટબારી પર ચાલી નહોતી. આ જ શ્રેણીમાં હવે ‘સ્કાય ફોર્સ’ આવી છે, જે ૧૯૬૫માં આપણે કરેલી ઍરસ્ટ્રાઈક પછીની કથા કહે છે. અર્થાત્ એ સત્ય ઘટના-પાત્રો આધારિત છે.
ફિલ્મનો ઉપાડ થાય છે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધથી. પાકિસ્તાનનો એક એરફોર્સ અફ્સર અહમદ ખાન (શરદ કેળકર) પકડાયો છે. ભારતીય વાયુસેનાનો અફ્સર, વિંગ કમાન્ડર ઓમ આહુજા (અક્ષયકુમાર) કાળકોટડીમાં એની પૂછપરછ શરૂ કરે છે. ભાગલા બાદ બે અલગ દેશમાં વહેંચાઈ ગયેલા એ બે એરફોર્સ પાઈલટની વાતચીત ફિલ્મનું હાર્દ બને છે. એમના સંવાદમાંથી ખૂલે છે ૧૯૬૫ના યુદ્ધનું એક વીસરાઈ ગયેલું પૃષ્ઠ.
પાકિસ્તાને કરેલા અચાનક કરેલા હુમલાનો વળતો જવાબ આપવા ૭ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ ભારતીય વાયુસેનાની ટાઈગર સ્ક્વોડ્રને પાકિસ્તાનના ઍરબેઝ સરગોધા પર હુમલો બોલાવી એનાં ૧૧ મેડ-ઈન-અમેરિકા ફાઈટર જૅટ્સના ભુક્કા બોલાવી દે છે. એ યુદ્ધ બાદ ઈન્ડિયન એરફોર્સનો એક જુનિયર ઓફિસર ટી.કે. વિજય ‘ટૅબી’ (વીર પહાડિયા) ગાયબ થઈ જાય છે. જે દિવસે એરસ્ટ્રાઈક કરવામાં આવી એ દિવસે દીકરીને જન્મ આપનારી ટી.કે. વિજયની પત્ની ગીતા (સારા અલી ખાન) જાણવા માગે કે મારો પતિ ગયો તો ગયો ક્યાં? એને શોધી લાવો. ગ્રુપ લીડર આહુજા પોતાના નાનકા ભાઈ જેવા ટૅબીને શોધવાનાં ચક્રો ગતિમાન કરે છે…
ઈન્ટરવલ પછીની કહાણી આ શોધખોળની છે. ટાઈગર સ્ક્વોડ્રનનો (હવે રિટાયર્ડ) લીડર આહુજાના દેશ-વિદેશમાં ઈન્વેસ્ટિગેશન બાદ ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન એરફોર્સ ઑફિસર ટી.કે. વિજય સાથે ખરેખર શું બનેલું એ સત્ય બહાર આવે છે. આમ ૧૯૭૧માં શરૂ થયેલી વાર્તા, ૧૯૬૫માં જઈને અંતે ૧૯૮૫માં પૂરી થાય છે… દર્શકો ગળગળા થાય છે (એક્ચ્યુલી, હું પણ થયો) ને દેશના જાંબાઝ સિપાઈઓની બહાદુરી આગળ શિશ ઝુકાવતા થિએટરની બહાર નીકળે છે.
સંદીપ કેવલાની અને અભિષેક અનિલ કપૂરે મળીને સ્કાયફોર્સ ડિરેક્ટ કરી છે. યાદ હોય તો, અમિતાભ બચ્ચન-અજય દેવગનની ૨૦૨૨માં આવેલી ‘રનવે 34’ સંદીપે લખેલી, જ્યારે અભિષેક એક અરસાથી ડિરેક્ટર અમર કૌશિક (‘સ્ત્રી’, ‘ભેડિયા;, ‘સ્ત્રી ટુ’)ના સહાયક રહ્યા છે. હવે, અમરે સહનિર્માતા બનીને પોતાના સહાયકને સહદિગ્દર્શકની ભૂમિકા સોંપી, પણ ફિલ્મનાં લેખન-દિગ્દર્શન પર એમની છાપ દેખાયા વિના રહેતી નથી. લેખન સંભાળ્યું છેઃ કાર્લ ઑસ્ટિન-સંદીપ કેવલાની-આમિલ કિયાન ખાને. સીન-સંવાદમાં આમાં ઉમેરણ કર્યું છે અમર કૌશિકના વિશ્વાસુ, તેજસ્વી નિરેન ભટ્ટે.
પહેલાં સારા સમાચારઃ ઈન્ટરવલ પહેલાં કથાની માંડણી, પાત્રપરિચય, પશ્ચાદભૂ, વગેરે રસપ્રદ બન્યાં છે, જે ઈન્ટરવલ પછી પણ જળવાઈ રહે છે, આકાશમાં લડાતા યુદ્ધના સીન્સ પણ સરસ શૂટ થયા છે, જે માટે વીએફએક્સ હાથ ધરનાર ટીમને દાદ દેવી પડે. એન્ડ ટાઈટલ્સમાં રીઅલ-લાઈફ એરફોર્સ ઓફિસરોને યથોચીત શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ખાસ તો પાકિસ્તાનના અભેદ્ય ગણાતા એરબેઝ સરગોધા પરની એરસ્ટ્રાઈક વખતે અસામાન્ય કહેવાય એવી કુનેહ, બહાદુરી દાખવનાર સ્ક્વોડ્રન લીડર અજ્જમડા બોપય્યા દેવય્યાને (એટલે કે ટેબી)ને… અને એમને શોધવા આકાશપાતાળ એક કરનાર ગ્રુપ કેપ્ટન ઓમ પ્રકાશ તનેજાને, જેનું પાત્ર અક્ષયકુમારે ભજવ્યું છે.
વધુ એક રસપ્રદ વાતઃ આપણી યુદ્ધફિલ્મોમાં, ભાગ્યે જ છેડવામાં આવે છે એ ટોપિક ‘સ્કાય ફોર્સ’ના સર્જકોએ છેડ્યો છે. એ છેઃ સંઘર્ષ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શાંતિની પીપૂડી. દુશ્મન જ્યારે આપણી સરહદ સુધી પહોંચવામાં છે, ગમેત્યારે હુમલો કરી શકે છે એવી ગુપ્તચરો પાસેથી બાતમી મળવા છતાં વળતો જવાબ આપવાને બદલે (ભૂતકાળમાં) “ભારત અમન ચાહતા હૈ”નું ગાણું ગાઈને વૉરને બદલે ડિપ્લોમસી પર વધારે આધાર શું કામ? અલબત્ત, આની ચર્ચા અવારનવાર થઈ છે, પણ કોઈએ શબ્દો ચોર્યા વિના કહ્યું નહીં કે વિગ્રહની પરિસ્થિતિમાં આવો (શાંતિનો) માર્ગ શું લેવાનો શુંઅર્થ? બ્યુરૉકસી, લાલ ફીતાશાહી, દિલ્હીથી આદેશ મળે તો કંઈ કરીએ જેવી ભારતીય સેનાની લાચારીને ‘સ્કાય ફોર્સ’માં બતાવવામાં આવી છે, પણ ઉપરછલ્લી.
જે ન ગમ્યું એ છેઃ એમેચ્યોર કહેવાય એવા સંવાદ. કમસે કમ, “તેરા બાપ… હિંદુસ્તાન” જેવા સંવાદની અપેક્ષા નહોતી. આટલું સરસ કથાકથન હોય ને એમાં આવા સંવાદ? અને, ઈન્ટરવલ પહેલાં વાર્તા સાથે જરાય બંધ ન બેસે એવાં અચાનક આવી ગયેલા ધમાકેદાર ડાન્સ-સોંગ? એ શું છે? શું કામ છે?
-યસ, ફિલ્મનો એક્ટિંગ ડિપાર્ટમેન્ટ સોલિડ છે. ખાસ કરીને અક્ષય-વીરનાં પાત્રો વચ્ચેનો સુમેળ સ-રસ છે. શરદ કેળકરના ઓછા સીનમાં પ્રભાવ પાથરે છે. સારા અલી ખાનના ભાગે ઝાઝું કંઈ આવ્યું નથી, નિમ્રત કૌર બની છે વિંગ કમાન્ડર આહુજાની ધર્મપત્ની. ‘સ્કાય ફોર્સ’માં ઈરશાદ કામિલ, મનોજ મનોજ મુંતશીર અને શ્લોક લાલ લિખિત ત્રણ ગીત છે. આમાં બેસ્ટ છેઃ મનોજભૈય્યાનું “માઈ” સોંગ. તનિષ્ક બાગચીના સ્વરાંકનને સ્વર મળ્યો છે બી. પ્રાકનો. મનોજના “તેરી મિટ્ટી સોંગ”ની જેવું આ ગીત ફિલ્મના ઈમોશનલ, ઈન્ટેન્સ સીન્સ સાથે વાગે છે ને રૂવાંડાં ખડાં થઈ જાય છે.
ભારતીય વાયુ સેનાના કેટલાક વીસરાઈ ગયેલા નાયકો, એમનાં અપાર શૌર્ય વિશેની ફિલ્મ સર્જકોએ ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી બનાવી છે. ફાઈટર જૅટ્સ, મિઝાઈલ્સની વધારે પડતી, અઘરી ટેક્નિકલ ડિટેલ, અને ઉપદેશાત્મક સંવાદો બાદ કરીએ તો બે કલાક ને પાંચ મિનિટની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ જોવા જેવી અને આપણા ગુમનામ વૉર હીરો વિશે જાણવા જેવી ફિલ્મ છે.