સોનલે ફરીથી તેને બ્લોક કરી દીધો…

સોનલ અને વિજય ઘણા વર્ષોથી એકબીજાના સારા મિત્રો. તેમના સંબંધને મિત્રતા કહેવા કરવા એકબીજાને મનોમન ચાહે તેવું વર્ણન વધારે યોગ્ય રહેશે. ટૂંકમાં, મિત્રતાથી થોડો વધારે ગાઢ કહી શકાય તેવો સંબંધ ખરો તેમની વચ્ચે. પરંતુ બંને પોતપોતાની ગૃહસ્થીમાં સંકળાયેલા હોવાથી હંમેશા આ લાગણીને મનનાં એક ખૂણામાં રાખી મૂકેલી. બંનેને એકબીજા પ્રત્યે અપાર હેત અને આદર એટલે જરૂર પડે તો મદદ કરવા તૈયાર રહે. પોતપોતાના જીવનમાં ચાલતી દરેક પ્રવૃતિઓ અને ઘટનાઓ અંગે એકબીજા સાથે વાતો કરી લે. એકબીજાની સલાહ પણ લઇ લે. સામાન્ય રીતે તેમના અભિપ્રાયો એકબીજાને ઉપયોગી પણ થાય.

સમય જતો ગયો તેમ તેમ સોનલ પોતાના પદ, પ્રતિષ્ઠા અને પરિવારમાં વ્યસ્ત થતી ગઈ. તેની નોકરીમાં જાહેર જનતા સાથે સંપર્ક વધારે એટલે લોકોનું માનસમ્માન ખૂબ મળે. સમાજ જેને માથે ચડાવીને રાખતો હોય તેવા લોકોને મનમાં એવો મદ આવી જાય કે આખી દુનિયા મારુ સાંભળે છે તો મિત્રો અને પરિવારના લોકો શા માટે મારાથી અલગ જાય છે? તેવું જ સોનલને થયું. ઘરમાં અને વિજય સાથેના સંબંધમાં-બંને જગ્યાએ. પહેલા તો ઘરમાં ઈગો ક્લેશના કિસ્સાઓ બનવા લાગ્યા. તેની ચર્ચા વિજય સાથે થાય ત્યારે વિજયનો અભિપ્રાય પણ તેને ગળે ન બેસે. તેને લાગે કે સમાજ કેટલો આગળ વધી ગયો છે પરંતુ પરિવાર અને વિજય હજીયે ત્યાંના ત્યાં જ છે.

આખરે એવું બન્યું કે સોનલે ચિડાઈને વિજય સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું. બંને વચ્ચે ફોન અને મેસેજની ફ્રીક્વન્સી ઘટી. રોજની બદલે એકાંતરે કે અઠવાડીએ. શક્ય હોય તો બંને તે પણ ટાળવાની કોશિશ કરવા લાગ્યા. સંપર્ક ઘટ્યો અને પરિણામે બંને વચ્ચેનું અંતર પણ વધ્યું. વિજયને અંદરથી લાગ્યું કે આ સંબંધ સમય માંગે છે પરંતુ સોનલને તો એવું જ હતું કે હવે આ બિલકુલ ચાલે તેમ નથી. આમેય બંને અલગ અલગ સ્થળોએ રહેતા હોવાથી તેમની વચ્ચે પ્રત્યક્ષ મળવાનું તો થતું જ નહોતું.

એવામાં સોનલે એકવાર ફોન કરીને ફરિયાદ કરી, ‘હવે તને મારી જરાય પરવા નથી. મારું શું થઇ રહ્યું છે તે પૂછવાની પણ તું દરકાર કરતો નથી.’ આ વાતે બંને વચ્ચે થોડી દલીલો થઇ અને વિજયે માફી માંગીને પોતાની ભૂલ સ્વીકારી. તેને લાગ્યું કે હાલનો સમય ખરાબ હોવાથી લાગણીના આ તાંતણાને આમ કાપી નાખવો તો યોગ્ય નથી. પછીથી એક-બે મેસેજ કરીને તે સોનલના હાલચાલ નિયમિત રીતે પૂછવા માંડ્યો. પણ થાય એવું કે ‘કેમ છો?’ લખીને મોકલ્યું હોય તો જવાબ મળે, ‘તને ક્યાં કઈ ફરક પડે છે?’ અને બે-ત્રણ મેસેજમાં તો વાત ઊંધા પાટે ચડી જાય. વિજય શાંતિ પસંદ વ્યક્તિ. નાહકની દલીલો કરવાનું ટાળે. ‘ઓકે, ટેક કેર.’ કહીને વાત પુરી કરે.

એકવાર આવી દલીલ પછી એકાદ મહિનો વીતી ગયો અને બંને વચ્ચે વાત જ ન થઇ. ત્યાર બાદ સોનલનો ફોન આવ્યો, ‘એક મહિનાથી તને મારી કોઈ ચિંતા નથી? એકવાર પણ ફોન કરીને ન પૂછ્યું કે હું શું કરું છું? તને ખબર છે હું રોજ કેટલીવાર તારા ફોન કે મેસેજની રાહ જોઉં છું? તેના કરતા તો સારું છે કે હું તને બ્લોક કરી દઉં.’ આમ કહીને સોનલે વિજયનો કોન્ટેક્ટ બ્લોક કરી દીધો. વિજયે એક સપ્તાહ સુધી રોજ એક-બે વાર કોલ અને મેસેજ કરી જોયા પણ સંપર્ક થયો નહિ. ‘શા માટે આવું વર્તન કરતી હશે?’ તેવું વિચારતો વિજય થોડા થોડા દિવસના અંતરે સોનલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો રહ્યો.

‘તેં સાબિત કરી દીધું કે તને ખરેખર જ મારા માટે કોઈ લાગણી નથી. આજે એક મહિનો થયો તો પણ તારા તરફથી મારો સંપર્ક કરવાનો પ્રયત્ન ન થયો.’ સોનલે એકવાર સામેથી કોલ કરીને વિજયને કહ્યું.

‘હું રોજ પ્રયત્ન કરતો હતો. તે મને બ્લોક કરી દીધો તો હું શું કરું?’ વિજયે લમણે હાથ દેતા કહ્યું.

‘તને ચિંતા હોત તો તે બીજો કોઈ માર્ગ શોધી કાઢ્યો હોત.’

‘પણ બ્લોક કરવાની જરૂર..’ વિજય બોલતો રહ્યો અને સોનલે ફરીથી તેને બ્લોક કરી દીધો.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)