અમદાવાદ: શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારની પરવાનગી અપાયેલ કેટલાક વેપાર ધંધા વહેલી સવારથી જ ખુલી ગયા હતા. ચશ્માં, કપડાં, મોબાઈલ, ઓટો મોબાઈલ, હાર્ડવેર, ઇલેકટ્રોનિક્સ-ઇલેક્ટ્રીક જેવી અનેક મંજૂરી આપવામાં આવેલી દુકાનો અખાત્રીજનું મુહુર્ત કરી વેપારી ઓએ ગ્રાહકો માટે ખુલ્લી મુકી હતી.
ગૃહમંત્રાલયે દુકાનો ખોલવા બાબતે આપેલી રાહત બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તમામ દુકાનો 3 મે સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે.
રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે, તેમાં પણ મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાલર્ર, પાન-ગુટકા-બીડી-સીગરેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહીં. ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવા, ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી.