ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: VGGS-૨૦૨૪ના ભાગરૂપે કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી સંચાલિત સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગાંધીનગરમાં છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘જીવંત શિલ્પ’ સિમ્પોઝિયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય જાગૃતિ, ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ નક્કી કરવામાં આવી છે.
અગાઉના સિમ્પોઝિયમનાં ઉત્કૃષ્ટ પરિણામોને આધારે સાપ્તિ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના ભાગરૂપે ગાંધીનગરમાં સ્ટોન સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’-શિલ્પોત્સવનું ૨૩ ડિસેમ્બર,૨૦૨૩થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ, ઊભરતા શિલ્પકારો, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારોને તેમની કળા અને પ્રતિભા દર્શાવવા મંચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગાંધીનગરમાં ભાઈજીપુરા ચોકડી નજીક, પીડીપીયુ રોડ, રાયસણમાં સવારે ૧૦થી સાંજના છ કલાક સુધી આયોજિત આ શિલ્પોત્સવ રાજ્યની કલા ચાહક વર્ગ અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનો મહત્તમ લાભ લેવા સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અનુરોધ કરાયો છે.