ઈઝરાયલની સેનાનું સિક્રેટ મિશન, સીરિયામાં અંડરગ્રાઉન્ડ મિસાઈલ ફેક્ટરી તબાહ કરી

ઈઝરાયલની સેનાએ સીરિયામાં કરેલા એક મોટા સિક્રેટ મિશન અંગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોની માહિતી પ્રમાણે આઈડીએફે (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) જણાવ્યું કે, ઈઝરાયલના 120 કમાન્ડોએ સીરિયામાં તબાહી મચાવી હતી. ઈરાનની મદદથી સીરિયામાં જમીનની નીચે ચાલી રહેલી મિસાઈલ ફેક્ટરીને પણ નષ્ટ કરી હતી. ઈઝારયલે આ સિક્રેટ મિશનને 8 સપ્ટેમ્બર, 2024ના રોજ અંજામ આપ્યો હતો. તેની જાહેરાત હવે કરી છે. ઈઝરાયલે આ સિક્રેટ મિશનને ‘ઓપરેશન મેની વેઝ’ નામ આપ્યું હતું. જેને ઈઝરાયલની ઘાતકી સેના શાલડાગ યુનિટે માત્ર 3 કલાકમાં અંજામ આપ્યો હતો.

આ મામલે ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે, ઈરાનની આ મિસાઈલ ફેક્ટરી સીરિયાના મસયફ વિસ્તારમાં જમીનના 70થી 130 મીટર નીચે અંડરગ્રાઉન્ડમાં કાર્યરત હતી. જ્યાં ઘાતકી મિસાઈલોનું નિર્માણ થઈ રહ્યું હતું. જેનો લેબનોનમાં હિઝબુલ્લાહ અને બશર-અલ-અસદન સેનાને સપ્લાય થતો હતો. આ ફેક્ટરીને નષ્ટ કરવામાં આવી હતી. ઈઝરાયલની સેનાના કમાન્ડોએ આ સિક્રેટ મિશનને સીરિયાની 200 કિમી રેન્જમાં ઘૂસીને અંજામ આપ્યો હતો. સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ તેને અટકાવવામાં નિષ્ફળ રહી હતી. આ મિશનમાં ઈઝરાયલની સેનાને કોઈ નુકસાન થયુ ન હતું. વધુમાં તેમણે જાણાવ્યું આઈડીએફના એક હવાઈ હુમલામાં ઈરાને રોકેટ બનાવતી ફેક્ટરીને નષ્ટ કરી હતી. ત્યારબાદ ઈરાને 2017માં પહાડની નીચે મિસાઈલ ફેક્ટરી શરૂ કરી હતી. આ ફેક્ટરી જમીનની અંદર 70થી 130 મીટર નીચે હતી. જેમાં 16 રૂમ બનાવવામાં આવ્યા હતા. ત્યાં દરવર્ષે 100થી 300 મિસાઈલનું નિર્માણ થતુ હતુ. જેની મારક ક્ષમતા 300 કિમી હતી. સીરિયામાં ઓપરેશન મેની વેઝમાં કુલ 120 કમાન્ડો સામેલ હતા. જેમાં 100 ઘાતક દળના કમાન્ડો હતા. અને 20 મેડિકલ કર્મી યુનિટમાંથી હતા. કમાન્ડો સીએચ-53 યાસૂર હેવી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરથી દરિયાઈ માર્ગે સીરિયામાં પ્રવેશ્યા હતા. તેમની સાથે અપાચે અટેક હેલિકોપ્ટર, 21 ફાઈટર જેટ, 5 ડ્રોન અને 14 દેખરેખ રાખતાં વિમાનો ઉપસ્થિત હતા. આ તમામે મિશનને 3 કલાકમાં જ અંજામ આપ્યો હતો.