મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ પછી મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને તેમની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ પર ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ રૂ. ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.
સેબીના ઓર્ડર મુજબ કુંદ્રા, શિલ્પા શેટ્ટી અને તેમની કંપની દ્વારા સ્ટોક એક્સચેન્જોને ફરજિયાત ખુલાસો કરવામાં ત્રણ વર્ષના વિલંબ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. બજાર નિયામકે કહ્યું હતું કે આ દંડની રકમ તેમણે સંયુક્તપણે અથવા અલગ-અલગ રીતે ભરવાનો રહેશે, કેમ કે તેઓ કંપનીના પ્રમોટરો છે. સેબીએ પહેલી સપ્ટેમ્બર, 2013થી 23 ડિસેમ્બર, 2015ના સમયગાળા દરમ્યાનના વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિ. (ભૂતકાળમાં હિન્દુસ્તાન સેફ્ટી ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ લિ. તરીકે જાણીતી)ના શેરોમાં ટ્રેડિંગ-ડીલિંગની તપાસ કરી હતી, જેમાં માલૂમ પડ્યું હતું કે રિપુ સુદન કુંદ્રા, શિલ્પા શેટ્ટી કુંદ્રા અને કંપનીએ સેબીના ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનું કેટલીક જોગવાઈ હેઠળ ઉલ્લંઘન કર્યું હતું, એમ સેબીએ કહ્યું હતું.
કુંદ્રા અને શેટ્ટીના શેરોની લેવડદેવડનું મૂલ્ય રૂ. 2.57 કરોડ હતું. વળી, 2015માં કંપનીએ એ શેરોની ફાળવણીની જાણ મે, 2019માં કરી હતી.