લાસ વિગાસઃ મુંબઈનિવાસી સરગમ કૌશલે ‘મિસીસ વર્લ્ડ-2022’નો તાજ જીત્યો છે. આ તાજ 21 વર્ષ પછી ફરી ભારતમાં આવ્યો છે. સરગમે 63 દેશોની સ્પર્ધકોને પરાજય આપીને આ ટાઈટલ જીત્યું છે. અમેરિકાની ‘મિસીસ વર્લ્ડ-2021’ શાઈલીન ફોર્ડે શનિવારે રાતે વેસ્ટગેટ લાસ વિગાસ રિસોર્ટ એન્ડ કસિનો ખાતે આયોજિત ઝાકઝમાળભર્યા સમારોહમાં તાજ વિજેતા ઘોષિત કરાયેલી સરગમને પહેરાવ્યો હતો. છેલ્લે, 2001માં અદિતી ગોવિત્રીકરે ‘મિસીસ વર્લ્ડ’ તાજ જીત્યો હતો.
‘મિસીસ પોલીનેશિયા’ને ફર્સ્ટ રનર-અપ અને ‘મિસીસ કેનેડા’ને સેકન્ડ રનર-અપ ઘોષિત કરવામાં આવી હતી.
મિસીસ ઈન્ડિયા પેજન્ટે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર આ સમાચાર આપ્યા છે.
સરગમ કૌશલ મૂળ જમ્મુની છે. તે વ્યવસાયે શિક્ષિકા અને મોડેલ છે. એણે 2018માં ભારતીય નૌકાદળના એક અધિકારી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સરગમે સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. આ જ વર્ષમાં એણે મિસીસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ગઈ 15 જૂને તે વિજેતા બની હતી. 2021ની વિજેતા નવદીપ કૌરે એને તાજ પહેરાવ્યો હતો.
વર્ષ 2022નો તાજ જીતવા બદલ અદિતીએ સરગમને ટ્વિટરના માધ્યમથી અભિનંદન આપ્યાં છે.
‘મિસીસ વર્લ્ડ’ પરિણીત મહિલાઓ માટેની પહેલી સૌંદર્ય સ્પર્ધા છે, જે 1984માં શરૂ કરવામાં આવી હતી.