પ્રશ્ન: સદગુરુ, હું અધ્યાત્મિક માર્ગ પર છું, તો શું મારે મારી બીજી જરૂરિયાતો અને ઈચ્છાઓ જેમ કે ખોરાક, સેક્સ અને ઊંઘ પૂરી ન કરવી જોઈએ?
સદગુરુ: તમે તમારી મૂળભૂત જરૂરિયાતોને અનાવશ્યક ઈચ્છાઓ માનીને એક મૂંઝવણ ઉભી કરી રહ્યાં છો. ખોરાક અને ઊંઘ મૂળભૂત જરૂરિયાતો છે. તમે તેની ઈચ્છા નથી કરતા. જયારે તમે થાકેલા હો ત્યારે સુઈ જાઓ છો અને જયારે તમે ભૂખ્યા હો ત્યારે જમો છો. આ વસ્તુઓ જીવવા માટે આવશ્યક છે.
આ બે વસ્તુઓને બાદ કરતાં, ચાલો આપણે તમારી બીજી ઈચ્છાને સંબોધીએ જેનો તમે ઉલ્લેખ કર્યો છે અને તે છે: સેક્સુઅલિટી કે લૈંગિકતા. તમારી ઈચ્છા સેક્સ માટે નથી. એક બાબત એ છે કે તમારા હોર્મોન્સ (એટલે કે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર પદાર્થ) તમારી બુદ્ધિને બંદી બનાવી લીધી છે. બીજી બાજુ જોઈએ તો સેક્સ સાથે ઘણો આનંદ જોડાયેલો છે. વળી પાછું, એક ભાગ એવો પણ છે જ્યાં તમે કોઈની સાથે એકરૂપ બનવા સખત પ્રયાસ કરી રહ્યાં છો. પરંતુ, તમે ભલે ગમે તેટલો પ્રયાસ કરો, સેક્સ આ રીતે કામ નહીં કરે. તમે તમારા શરીરને આમ ભેગાં કરીને, કોઈની સાથે એક નહીં બની શકો. તમે કાં તો આ વસ્તુ તમારી મરણ પથારી પર સમજશો કાં તો તમે તેને અત્યારે સમજીને અન્ય રીતો શોધો જે તમારી માટે કાર્યરત બને.
હવે તમે પૂછશો, “ઓહ, તો શું હું આ જતું કરું?” કોઈ વસ્તુને જતું કરવાની જરૂર નથી. જેમ મેં પહેલાં કહ્યું એમ, જયારે તમે એક બાળક હતાં, શું તમારી પાસે પોતાની કોઈ ઢીંગલી હતી? ચાલો આપણે માની લઈએ કે તમારી પાસે તમારું એક ટેડ્ડી બેર અથવા તો બાર્બી ડોલ હતી કે બીજું કંઈપણ, એવું કંઈ જે હંમેશા તમારી સાથે રહેતું હતું. હવે તમારી પાસે આ ટેડ્ડી બેર હતું. એક સમયે તમારા જીવનમાં આ ટેડ્ડી બેરનું મહત્ત્વ તમારી માતા, તમારા પિતા, ભગવાન કે આ ત્રણેય એક સાથે હોવા, કરતાં પણ વધુ હતું, ખરુંને? અમૂક સમયે તમારા જીવનમાં, તે સમયે, માનો કે મેં તમને કહ્યું હોત, “જુઓ, આ ટેડ્ડી બેર તો માત્ર રૂથી ભરેલું છે, તેમાં શું મોટી વાત છે? ચાલો આપણે આ વાહિયાત વસ્તુને ફેંકી દઈએ” શું તમે મારી વાત સાંભળી હોત? બિલકુલ નહીં. પરંતુ જેમ જેમ તમે મોટા થયાં અને જગતની બીજી બાબતો વિષે જાણતા થયા, તેમ તમારા બાળપણની ઢીંગલી કરતા બીજી વસ્તુઓમાં વધારે રસ પાડવા લાગ્યો. એટલી હદે કે હવે તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે તે ઢીંગલી હવે ક્યાં પડી છે. તેથી એક સમયે જે વસ્તુ તમારા જીવનમાં તમારી સૌથી વધુ કિંમતી હતી તે આજે કાં તો ગેરહાજર છે કાં તો ફેંકી દેવાઈ છે અને તમને તેનાથી કોઈ ફરક નથી પડતો. તેની ગેરહાજરીથી તમને કોઈ ફરક નથી પડતો.
આવું જ કંઈક ઈચ્છાઓ સાથે પણ થાય છે. તમે અમુક ટેડ્ડી બેર ઉપર આજે અટકી જાઓ છો કારણ કે તમને તેનાથી વિશેષ કંઈ ખબર કે જાણ નથી. જો અત્યારે તમને તેનાં કરતા કોઈ મોટા પરિમાણનો સ્વાદ મળે તો તમારી પાસે રહેલી ઈચ્છાઓ રૂપી આ મામુલી ઢીંગલીઓ કુદરતી રીતે પડતી મુકાશે. અને સૌથી શ્રેષ્ટ વસ્તુ એ છે કે તમારે તેને છોડવી નહીં પડે તે આપમેળે છુટી જશે. અધ્યાત્મિક માર્ગ પર માત્ર બેસીને શ્વાસોચ્છવાસ કરવું તે પોતાનામાં- બીજી કોઈપણ વસ્તુ જે તમારી જાણમાં હોય તેનાં કરતાં- લાખોગણું વધુ આશ્ચર્યજનક અને મોહક છે. માત્ર અહીં બેસીને શ્વાસોચ્છવાસ વિષે કલ્પના કરો. એકવાર તમને આવી કોઈ ઉચ્ચ વસ્તુનો આનંદ મળે તો શું તમે કોઈ તુચ્છ વસ્તુ માટે સંમત થશો?
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.0