અમદાવાદઃ દેશમાં 200થી વધારે ટોલ પ્લાઝા પર નકલી સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ આચરનારા ચાર લોકોની STFના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે. મિર્ઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી NHAIને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.
આ કૌભાંડ દ્વારા રૂ. 120 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. લખનૌ STFએ ગયા મંગળવારે મિરઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડીને ટોલ મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કર હતી. STFએ આરોપીઓની પાસેથી પાંચ મોબાઇલ, બે લેપટોપ, પ્રિન્ટર સહિત રૂ. 19,000 પણ જપ્ત કર્યા છે.
આ કેસમાં મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે MCAનો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે. તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું હતું. આ સોફ્ટવેર ફાસ્ટ ટેગ રહિત વાહનો પાસેથી વસૂલવામાં આવતાં બમણા ટોલ ટેક્સને NHAI સિસ્ટમથી અલગ કરી દેતું હતું.
STFના જણાવ્યાનુસાર આરોપીઓએ આ સોફ્ટવેરને 42 ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું. આલોક કુમાર સિંહે જણાવ્યું હતું કે તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું. આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલ કર્મચારી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી.
આ કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોક સિંહ, મધ્ય પ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા, પ્રયાગરાજનો રહેવાસી રાજીવ કુમાર મિશ્ર સામેલ હતો. હાલ, આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજ પોલીસ સ્ટેશનમાં BNSની ધારા 316(2), 319(2), 318(4), 338, 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.