ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લિગ છે. શિવપુરાણમાં આ બધાં જ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બધાં જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં ‑જ્યોતિર્લિગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે.
ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે.
અમે આજે આપને શ્રાવણ વિશેષમાં જણાવી રહ્યાં છીએ ઉજ્જૈન નગરીના મહાકાલ વિશે….
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક ઉજ્જૈનમાં જ મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોને ભગવાનના દક્ષિણાભીમુખ દર્શન થાય છે. આ મંદિર મુખ્યરુપે ત્રણ વિભાગમાં વિભાજિત છે. તેના ઉપરના ભાગે નાગ ચંદ્રેશ્વર મંદિર છે. નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે ગયા બાદ તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે છે. અહીં સમગ્ર શિવ પરિવાર, માતા પાર્વતિ, ગણેશજી અને કાર્તિકેયના પણ દર્શન થશે. આ સાથે જ અહીં એક કુંડ પણ છે કહેવયા છે કે તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઘણું જ વિશાળ છે, સોમનાથ જ્યોતિર્લિંગ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિગ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સૌથી મોટા છે. મહાકાલ મંદિરમાં જેવા પ્રવેશો કે તરત જ એવું લાગે કે જાણે આપણે મંદિરોની નાના નગરીમાં પ્રવેશી ગયા હોઈએ. વિશાળ અને ચોખ્ખા મંદિર પરિસરમાં 42થી વધુ મંદિરો છે. આ તમામ મંદિરના શાંતચિત્તે દર્શન કરવા હોય તો ચારથી પાંચ કલાક અચૂત ફાળવવા પડે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કેટલીક આગવી વિશેષતાઓ ધરાવે છે. દિવસમાં પાંચ વખત આરતી, પાંચથી પણ વધુ શૃંગાર અને ભસ્મ આરતી માત્ર મહાકાલેશ્વરમાં જ જોવા મળે છે.
અહિયાં પ્રગટ થયા હતા શીવજી
માન્યતાઓ અનુસાર ઉજ્જૈનમાં મહાકાલના પ્રાગટ્ય પાછળ એક કથા છે. જે મુજબ દૂષણ નામના અસૂરથી લોકોની રક્ષા માટે મહાકાલ અહીં પ્રગટ થયા હતા. અસૂરના વધ બાદ લોકોએ શિવજીને ઉજ્જૈનમાં જ કામયી વસવાટનો આગ્રહ કર્યો જેનાથી પ્રસન્ન થઈને શિવના જ્યોતિર્મયરુપ આ મહાકાલ શિવલિંગ પ્રગટ થયું. આ જ રીતે શ્રીકૃષ્ણનો પણ અહીંના શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. કેમ કે તેમનો અભ્યાસ અહીં જ સાંદિપનિ મુનીના આશ્રમમાં થયો હતો.
મહાકાલ અને ભસ્મ આરતી
ઉજ્જૈનને પ્રાચીનકાળથી જ ધાર્મિક નગરની ઉપાધી પ્રાપ્ત છે. પરંતુ આજે પણ મહાકાલનું નામ પડે તુરત જ શ્રદ્ધાળુના મનમાં ભસ્મ આરતીનું સ્મરણ થઈ જાય છે. અહીં લોકોની ભારે ભીડ પાછળનું કારણ મહાકાલની ભસ્મ આરતી જ છે. મહાકાલેશ્વર મંદિરમાં સવારે 4થી 6 વાગ્યા સુધી દૈનિક ભસ્મ આરતી થાય છે. જે ઘણી જ વિખ્યાત છે. લોક વાયકા એવી છે કે, સ્મશાનમાં આગળા દિવસે આવેલા છેલ્લા શબની ભસ્મથી આ આરતી કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ભસ્મ આરતી માટેની ભસ્મ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે.
આ દુર્લભ ક્ષણના સાક્ષી બનાવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. કહેવાય છે કે જેઓ ભસ્મ આરતીના દર્શન કરે છે તેના પર શિવ કૃપા રહે છે અને તેમને બધા જ સંકટ સ્વયં મહાકાલ દૂર કરે છે. તો આ આરતીના દર્શન કર્યા વગર તમારા ઉજ્જૈન જ્યોતિર્લિંગ દર્શન પૂર્ણ ગણાતા નથી. તો નાગ ચંદ્રેશ્વર મંદિર અને મહાકાલની શાહી સવારી પણ જિજ્ઞાસાનો વિષય બન્યા છે.
સવારે 3.30 કલાકે ઘંટનાદ સાથે ખુલ્લે છે મહાકાલેશ્વર પટ
મહાકાલેશ્વર પટ સવારે 3.30 કલાકે ખુલ્લે છે. મંદિરના ચાંદીના દરવાજા ખુલ્લે તે પહેલા ઘંટનાદ થાય છે. ત્યારબાદ ભગવાનના પટ ખોલવામાં આવે છે. પટ ખોલ્યા બાદ પૂજારી દ્વારા સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. પ્રથમ ઘંટનાદ બાદ ભક્તજનો મંદિરમાં પ્રવેશે છે. પ્રવેશબાદ પંચામૃત પૂજન, હરિઓમ જળ, શૃંગાર, ભસ્મ લેખન, ધૂપ-દીપ, નૈવેદ્ય મહાઆતી મંત્રો, પુષ્પાંજલિ ક્ષમા-યાચના સાથે ભસ્મ આરતીની પૂર્ણહુતિ થાય છે. ભસ્મ આરતી દ્વારા શરીરે ભસ્મ ધારણ કરીને ભગવાન મહાકાલ એવું જણાવે છે કે, સંસારમાં બધું જ નાશવંત છે અને છેવટે તો ભસ્મ જ થવાનું છે. આથી જો આપણે ભસ્મને ધ્યાનમાં રાખીશું તો ક્યારેય ભૂલો કરીશું નહીં.
ભસ્મ આરતી સમયે ખાસ નિયમો
અહીંનો ખાસ નિયમ એ છે કે આ આરતી સમયે મહિલાઓએ ઘૂંઘટ કરવો પડે છે. નિયમ મુજબ મહિલાઓ આ આરતીના દર્શન નથી કરી શકતી. તો આ સાથે જ પૂજારી પણ સીલાઈ વગરના એક જ વસ્ત્રને ધારણ કરીને સમગ્ર પૂજા કરે છે. શીવજી સ્મશાનમાં સાધને કરે છે. માટે ચિતા ભસ્મને તેમનો શ્રૃંગાર ગણવામાં આવે છે. તો આ સાથે એક એવી પણ માન્યતા છે કે શિવજી પર ચઢાવવામાં આવેલ આ ભસ્મને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી તમામ રોગ દોષ દૂર થાય છે.
રાજા વિક્રમના શહેર તરીકે જાણીતું છે ઉજ્જૈન….
મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની તરીકે ઓળખાતા ઈન્દોર શહેરથી 60 કિમીના અંતરે આવેલુ ઉજ્જૈન શહેર રાજા વિક્રમના શહેર તરીકે પણ જાણીતું છે. ઉજ્જૈનને કનકશૃંગા અથવા સ્વર્ણશૃંગા, કુશસ્થળી, અવંતિકા, ચૂડામણિ, અમરાવતી, વિશાલા, નવતેરી, ત્રિપુરા, પદ્માવતી અને ઉજ્જૈની વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. વિંધ્યાચલ પર્વતની ઉત્તરમાં 492 મીટર ઊંચાઈ પર આવેલી ઉજ્જૈન નગરીનો વર્તમાન ઈતિહાસ 5500થી પણ વધુ વર્ષો જૂનો છે.
ઉજ્જૈન નગરી વિશે….
ઉજ્જૈનનો અર્થ થાય છે, ઉત્કર્ષ પૂર્ણ વિજય. અગાઉ આ પ્રદેશ માળવા તરીકે પણ ઓળખાતો હતો. ઉજ્જૈન નગરી મહાવીરજીની તોપભૂમી તથા ગુરુનાનકના ચરણોથી પાવન થયેલી પવિત્ર ભૂમિ છે. મહાકાલેશ્વરને ઉજ્જૈનના મુખ્ય રાજા માનવામાં આવે છે. કથા એવી છે કે, સમુદ્રમંથન બાદ અમૃતના ભાગ આ ભૂમિ પર પડયા હતા અને દેવતાઓએ આ ભૂમિ પર બેસીને અમૃતપાન કરીને પ્રાણીમાત્રને જીવન આપવાનો સંકલ્પ કર્યો હતો. વિષ્ણુપુરાણ અનુસાર સાંદીપનિ ઋષિના આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મિત્ર સુદામા તથા મોટાભાઈ બલરામ સાથે 14 વિદ્યાઓ તથા 64 કળાઓ ગુરુચરણોમાં બેસીને શીખી હતી. વિષ્ણુપુરાણ અનુસાર સાંદીપનિ ઋષિ શ્રીકૃષ્ણ અને બલરામ સહિત તમામ શિષ્યોને લઈને મહાકાલેશ્વર ગયાં હતાં. જ્યાં તેમણે સહસ્ત્ર (1000) નામ લઈને બીલીપત્ર અર્પણ કરીને મહાકાલની ઉપાસના કરી હતી.
અહેવાલ: પરેશ ચૌહાણ