જીવન શું છે?

જીવન જ જીવનને જાણી શકે. એક વિચાર જીવનને જાણી શકતો નથી. લાગણી જીવનને જાણી શકતી નથી. અહંકાર જીવનને જાણી શકતો નથી. જીવન જ જીવનને જાણી શકે. જો તમે વિચારો, મંતવ્યો અને ભાવનાઓનું ટોપલું બનવાનું બંધ કરો અને અહીં જીવન, એક ધબકતા જીવન તરીકે અસ્તિત્વમાં હો, તો જીવન જાણવું એ પ્રાકૃતિક છે.

આપણે જેને આત્મજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તે આ જ છે. વિચાર, ભાવના અથવા અહંકાર બનવાને બદલે તમે માત્ર જીવન બની જાઓ. આત્મજ્ઞાન એ અંતિમ વસ્તુ નથી. તે એક રીતે છે, પરંતુ બીજી રીતે, તે સૌથી મૂળભૂત વસ્તુ છે કારણ કે પ્રથમ તમે માત્ર જીવન છો, પછી તમે બાકીનું બધું છો. ફક્ત તમે જીવંત હોવાથી, તમે વિચાર, ભાવના અને અહંકાર માટે સક્ષમ છો. તેથી આત્મજ્ઞાન એ ખૂબ જ મૂળભૂત, ફક્ત શુદ્ધ જીવન બનવા જેવું છે – બીજું કંઈ નહીં. બીજી બધી વસ્તુઓ ત્યાં છે, પરંતુ તેની સાથે તમે ક્યારેય પોતાની ઓળખ રાખતા નથી.

બૌદ્ધિકરૂપે “હું આ નથી, હું તે નથી,” ને જાણીને વ્યક્તિને મુક્તિ નથી મળતી. કંઈક ઊંડા જ્ઞાનની જરૂર છે. હમણાં, તમારા અસ્તિત્વનું કેન્દ્ર તમારું વ્યક્તિત્વ અથવા તમારી ઓળખ છે. તમે તમારી નોકરી, તમારા કુટુંબ અને અન્ય ઘણી વસ્તુઓથી ઓળખાવ છો. બધી ઓળખ ધારવામાં આવે છે, લેવામાં આવે છે, મૂકી દેવામાં આવે છે. હમણાં તમારા અસ્તિત્વનું, કેન્દ્ર કંઈક મૂકેલું છે તેમાં છે, વાસ્તવિક નહીં. જ્યારે તમે વાસ્તવિકતામાં ન હોવ, ત્યારે જીવનને તેના મૂળભૂત સ્વરૂપે અનુભવ કરવાનો પ્રશ્ન જ નથી ઉભો થતો.

આજે લોકો માટે, શબ્દો અને વર્ગીકરણો જીવનના અનુભવ કરતાં વધુ મહત્વપૂર્ણ બન્યા છે. જો તમે આકાશ તરફ નજર કરો છો, તો તમે સૂર્ય, ચંદ્ર, વાદળો અને લાખો અન્ય વસ્તુઓ જોશો કે જેમાં તમે જીવનને વિભાજિત કર્યું છે. જો તમે ફક્ત જીવન બની જાઓ છો, તો ત્યાં કોઈ વાદળા, ચંદ્ર અથવા સૂર્ય નથી. ત્યાં માત્ર ધબકતું જીવન છે. જેમ તમે છો, બધુ જ છે. વાદળો, સૂર્ય, ચંદ્ર – આ બધા અસ્તિત્વમાં છે કારણ કે તમે જીવન સિવાય બીજું કંઈક બની ગયા છો. જો તમે માત્ર જીવન બની જાઓ છો, તો તેમાંથી કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં નથી; ફક્ત જીવન અસ્તિત્વમાં છે – ફક્ત આ ધબકતો ઉર્જા સમૂહ. તમે તેને સર્જન કહી શકો છો, તમે તેને નિર્માતા કહી શકો છો અથવા તમે તેને સ્વ તરીકે જ બોલાવી શકો છો. તમે તેને જે કઈ પણ રીતે બોલાવો, તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ તે ફક્ત જીવન છે. જેને તમે જીવન કહો છો તે ફક્ત એક સંભાવના છે. તમે તેમાંથી જે કઈ બનાવો છો તે જ બધુ છે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)