જો તમે કાળજીપૂર્વક જુઓ તો તમારો ભય શેના લીધે છે? શું બની ગયું છે તેનાં વિશે ક્યારેય તમારો ભય નથી હોતો. તમારો ભય હંમેશા શું થશે તેના વિશે છે. તમારો ભય હંમેશા ભવિષ્ય વિશે હોય છે. ભવિષ્ય હજી ઘટિત થવાનું બાકી છે. તે હજી બન્યું નથી. જેનો અર્થ છે કે, તે અસ્તિત્વમાં નથી. તેથી ભયભીત થવાનો અર્થ એ થાય કે તમે તે વેદના ભોગવી રહ્યાં છો જેનું અસ્તિત્વ નથી. જો તમે જે અસ્તિત્વમાં નથી તેની વ્યથા ભોગવી રહ્યા છો તો અમે તમને સમજદાર કહીએ કે ગાંડા? તમારું એકમાત્ર આશ્વાસન એ છે કે “બધાં મારા જેવા છે.” તમારી સાથે બહુમત છે. તેમ છતાં, તે સાચું ન ગણી શકાય, કારણકે તમે તે વસ્તુ ભોગવી રહ્યાં છો જેનું કોઈ અસ્તિત્વ નથી.
જયારે તમે ભયભીત હોવ, ત્યારે તમે ક્યારેય કોઈ પણ અદ્ભુત અને અતિઆનંદનો અનુભવ નહીં કરી શકો કારણકે તમારામાં પોતાનું સર્વસ્વ ત્યજીને ચિંતા વગર જીવવાની ભાવના નહીં ઉત્પન્ન થાય. તમે ગાઈ નહીં શકો, નૃત્ય નહીં કરી શકો, ન હાસ્ય કે ન રુદન કરી શકશો, જેને જીવન કહેવાય છે તેમનું તમે કંઈ નહીં કરી શકો. તમે માત્ર અહીં બેસીને જીવન અને તેનાં સર્વ જોખમો વિષે દુઃખી થશો. ભય એવી રીતે કાર્ય કરે છે કે, હંમેશા તમારી આસપાસ સીમાઓ બાંધે છે. ભયભીત રહેવાને કારણે તમે હંમેશા તમારી આસપાસ સીમાઓનું નિર્માણ કરતા રહો છો. જો તમે સીમાઓ બાંધીને તમારા જીવનનાં ક્ષેત્ર પર રોક લગાવશો તો તમે સુરક્ષિત રહી શકો છો, પરંતુ સમસ્યા એ છે કે તમે જીવનથી પણ સુરક્ષિત થઈ જશો. તમે જીવન માત્રથી સુરક્ષિત અથવા અલગ થઇ જશો. તે સાચી સુરક્ષા છે.
ભય જીવનનું ઉત્પાદન નથી. ભય એ ભ્રમમાં પડેલા અથવા તો ભૂલભરેલા મનનું ઉત્પાદન છે. તમે તે વસ્તુની વેદના ભોગવી રહ્યા છો જેનું અસ્તિત્વ નથી કારણકે તમે વાસ્તવિકતામાં નહીં પરંતુ તમારા મનમાં જડેલા છો, જે સતત ભૂતકાળને વગોળે છે અને ભવિષ્યમાં વિસર્જન કરે છે. તમે ખરેખર ભવિષ્ય વિષે કંઈ જ જાણતા નથી. તમે માત્ર ભૂતકાળના એક ટુકડાને લઈને તેની ઉપર મેક-અપ લગાવીને વિચારો છો કે તે ભવિષ્ય છે.
તમે આવતીકાલની યોજના બનાવી શકો છો પરંતુ આવતીકાલમાં જીવી નથી શકતા. પણ અત્યારે લોકો આવતીકાલમાં જીવે છે અને તેથી જ ભયની હયાતી છે. તમે આ વિષે એક જ વસ્તુ કરી શકો, તે એ છે કે તમે વાસ્તવિકતામાં આવી જાઓ. જો તમે માત્ર અત્યારે જે હયાત છે તેનો પ્રત્તીઉતર આપો અને જે નથી તેની કલ્પના છોડી દો તો પછી ભય હોવાની કોઈ શક્યતા નથી. એકવાર તે ભ્રમ જ નહીં રહે ત્યારે ભય ક્યાં હશે? તમે જે વસ્તુ હયાત નથી તેની કલ્પના છોડી દેશો, અને અત્યારે જે હયાત છે તેનો પ્રતિઉત્તર આપશો.
કૃપા કરીને આ ધ્યાન આપો અને વિચારો કે આખરે શું થઇ શકે છે? વધારેમાં વધારે તમે મૃત્યુ પામશો, બીજું કશું નહીં. ઓછામાં ઓછું મૃત્યુ આવે તે પહેલાં થોડું જીવી લો, આમ પણ તમે મૃત્યુ તો પામવાના જ છો. આપણે આપણું મૃત્યુ નીપજે તેવું ઇચ્છતાં નથી. આપણે ઘણાં વર્ષો સુધી જીવવાની યોજના બનાવી રહ્યાં છે, પરંતુ મૃત્યુ થઇ શકે છે, ખરુંને? જીવન ખરેખર સુરક્ષિત નથી. સવાલ માત્ર એટલો જ છે કે તમે કેટલી કૃપા વડે અને કેટલી આઝાદીથી આ જીવન જીવ્યા છો. જો તમે ખરેખર જીવ્યા હશો તો મૃત્યુ પામવું ઘણું મુલ્યવાન બની રહેશે. નહીં તો જીવન એક અફસોસ બની રહેશે અને મૃત્યુ પણ એક અફસોસ જ રહેશે.
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.