શું આપણે આપણી ભારતીય સભ્યતા, સંસ્કૃતિ ઉપર ગર્વ અનુભવીએ છીએ? આપણું બાળક અંગ્રેજી ફાંકડું બોલે તેમાં આપણે ખુશ થઈએ છીએ? કે ગુજરાતી ચોખ્ખું બોલે કે સંસ્કૃતનો એકાદ શ્લોક બોલી જાય તેમાં આપણને આનંદ થાય છે?
આપણા દેશને લગતી કોઈ વાત હોય તો આપણે એ ધ્યાનમાં નથી લેતાં, ગર્વ નથી અનુભવતા. પણ એ જ વાત દુનિયા, તેમાં પણ વેસ્ટર્ન સમાજ જો આપણી સામે લાવે તો એ વાત આપણે હોંશે હોંશે અપનાવી લઈએ છીએ. દાખલા તરીકે યોગાસનો! આજે દુનિયામાં સર્વત્ર યોગનો મહિમા ગવાય છે, લોકોમાં યોગ વિશે જાગૃતિ જોવા મળે છે, તે યોગશાસ્ત્રનું ઉદગમ સ્થાન ભારત જ છે. યોગશાસ્ત્રની અણમોલ દેન ઈ.સ. 3300 પૂર્વે ભારતના મહર્ષિ પતંજલિએ જ આપણને આપી હતી. ઋગ્વેદમાં પણ યોગશાસ્ત્રનો ઉલ્લેખ છે.
જૂના જમાનામાં દરેક ઘરોમાં સ્રીઓ વાળમાં કાયમ સુગંધી ફુલ અથવા ફુલોના ગજરા નાખતી. આપણે આપણી મમ્મીને જ નાના હતાં ત્યારે જોઈ છે વાળમાં ગજરા નાખતા. તે સમયે ઘરનું વાતાવરણ પણ ફુલ તેમજ ગજરાને લીધે કેવું સુગંધિત બની જતું. મમ્મી પણ પ્રફુલ્લિત થઈને, ગીત ગણગણતી ઘરનું કામ કરતી. હવે આજના મોડર્ન યુગમાં આ જ થેરેપીને લોકોએ અપનાવી છે મોંઘીદાટ એરોમાથેરાપીના નામે.
હવે વાત રજૂ કરીએ છીએ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત વિશે. આપણા સૌથી પ્રાચીન ગ્રંથો 4 વેદઃ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તેમજ અથર્વવેદ છે. આ ચારેય વેદોમાં જીવનના આરંભથી માંડીને અંત સુધીનો સાર આપવામાં આવ્યો છે. વેદ એ શબ્દ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે જ્ઞાન. આ ચારેય વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે.
સંસ્કૃત ભાષાને દેવોની ભાષા કહેવાય છે અને આપણી દરેક ભાષાની એ જનની છે. સંસ્કૃતમાંથી પાકૃત ભાષા જન્મી, ત્યારબાદ એ અપભ્રંશ થઈ અને જુદી જુદી ભાષાઓ એમાંથી જન્મી. એમાંથી જ જૂની ગુજરાતી અને હવે જન્મી નવી ગુજરાતી કે જેનો આપણે બોલી તેમજ લખવા, વાંચવામાં ઉપયોગ કરીએ છીએ.
અફસોસ એ વાતનો છે કે, આપણે જીવનમાં આગળ વધવાની દોટમાં આપણી ભાષાને ભૂલી રહ્યાં છીએ. હવે ગુજરાતી વાંચવુ કે લખવું કોઈને ગમતું નથી. આપણે ત્યાં બાળકો જેવું બોલતાં શીખે એટલે આપણે એમને ગુજરાતી બારાખડી કે સંસ્કૃત શ્લોકને બદલે અંગ્રેજી a, b, c, d તેમજ રાઈમ્સ શીખવીએ છીએ. એમાંય કોઈનું બાળક ગુજરાતી સરખું ન બોલે કે, ન વાંચી શકે તો કંઈ વાંધો નહીં. પણ એ જ બાળક અંગ્રેજી બોલે તો આપણે ગદગદ થઈ જઈએ છીએ. ઘણાંને મોંઢે સાંભળવામાં આવ્યું છે. ‘મારા છોકરાંને તો ગુજરાતી વાંચતા તો શું બોલતાંય નથી આવડતું. પણ એના દોસ્તારો જોડે અંગ્રેજી તો શું ફાંકડું બોલે કે, હું તો એને સાંભળ્યા જ કરું!’
જો માતૃભાષાની આ હાલત હોય તો સંસ્કૃત વિશે તો શું કહેવું. આ કોઈ અભિગમ નથી લોકોને પરાણે સંસ્કૃત તરફ ખેંચી જવાનો. પણ તમે જ્યારે હવે પછી લખાયેલી વાત વાંચશો તો તમે પણ આપણા સંસ્કૃતના એકાદ-બે શ્લોક પઠન કરવાની તૈયારી કરવા લાગશો જ. સંસ્કૃત ભાષા ઉપર ગર્વ કરશો!
સંસ્કૃત ભાષાના ચુસ્ત અનુયાયી એવા જેમ્સ હર્ટઝલ અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ છે. હાલમાં તેઓ સ્પેનના બાસ્ક સેન્ટર ખાતે ભાષા અને તેની મગજ ઉપર અનુભૂતિ વિષય માટે પોસ્ટડોક્ટરલ રિસર્ચર છે. વર્ષોથી તેઓ સંસ્કૃત ભાષા ઉપર સંશોધન તેમજ તેમાં ભાષાંતરણ (અનુવાદ) કરી રહ્યાં છે. આ ભાષાની મગજ ઉપર જે અપ્રતિમ સકારાત્મક અસર એમણે નોંધી છે કે, તેઓ સંસ્કૃત ભાષાના અનન્ય ચાહક થઈ ગયા છે.
એમણે અનુક્રમે હાર્વર્ડ તેમજ કોલંબિયા યુનિવર્સિટીઝમાં સંસ્કૃત તેમજ તિબેટન ભાષાનો અભ્યાસ કર્યો છે. તેઓએ કોગ્નિટીવ ન્યૂરોસાયન્સનો અભ્યાસ ટ્રેન્ટો યુનિવર્સિટીમાંથી કર્યો છે. જેમાં ‘સંસ્કૃત ભાષાની આપણા મગજ ઉપર અસર’ વિષય ઉપર એમણે સંશોધન કર્યું છે, જેમાં તેમને આશ્ચર્યજનક પરિણામ જાણવા મળ્યું છે. તેઓ જણાવે છે કે, સંસ્કૃત શ્લોકના રોજના નિયમિત ઉચ્ચારણ માત્રથી યાદ શક્તિ તેમજ મગજ શક્તિ ખીલી ઉઠે છે, તેમજ જ્ઞાનાત્મક કુશળતા વધે છે.
જેમ્સ હર્ટઝલ જણાવે છે કે, ‘એમના સંસ્કૃતના અભ્યાસ તેમજ સંસ્કૃતમાં અનુવાદ કાર્ય તેમજ સ્ટુડન્ટ્સને ભણાવવા દરમ્યાન એમની પોતાની મૌખિક યાદ શક્તિ તેમજ જ્ઞાનમાં સકારાત્મક વધારો નોંધાયો. તેમના સહપાઠી તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ તેમને જણાવ્યું કે કોઈ એક જ વિષયને લઈને જુદાં જુદાં વિદ્યાર્થીઓને અપાતાં લેક્ચરમાં તેમના વકતૃત્વમાં વૈવિધ્ય જોવા મળતું હતું. અન્ય સંસ્કૃતના ટ્રાન્સ્લેટરોએ પણ એમના પોતાનામાં પણ આવો જ નોંધપાત્ર સુધારો થયો હોવાનું જણાવ્યું. ત્યારે મારા મનમાં પ્રશ્ન જાગ્યો કે શું આ જ ભાષાકીય વિશિષ્ટ અસર છે જેનો પરંપરાગત ઉલ્લેખ સંસ્કૃત ભાષાને લઈને થતો આવ્યો છે?’
વધુમાં તેઓ કહે છે કે, ‘ભારતનો પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ‘શુક્લા યજુર્વેદ’ 40,000 થી 1,00,000 શબ્દો ધરાવે છે, જે 3,000 વર્ષ પુરાણો છે. આ ગ્રંથનું પઠન ભારતના પરંપરાગત વેદિક સંસ્કૃત પંડિતો વાંચ્યા વગર, એકધારું સ્પષ્ટપણે મોઢે બોલી જાય છે. એના પઠનમાં 6 કલાક લાગે છે. આ જ પઠનની 20 મિનિટની એક ઝલકનો લ્હાવો મને મારા અભ્યાસ દરમ્યાન ભારતમાં મળ્યો. 100 જેટલાં પંડિતો એક રૂમમાં વેદિક શ્લોકનું પઠન કરી રહ્યાં હતાં. જેઓ લયબદ્ધ રીતે એક સરખા તાલે શ્લોક બોલી રહ્યાં હતાં. દરેક શબ્દોનું ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ હતું. એમના પઠનનો પડઘો આખી રૂમથી લઈને મન તેમજ શરીર ઉપર એક હિપ્નોટિક અસર પાડતો હતો. જે હું મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યો.
આ કૌતુકને ધ્યાનમાં લઈને એક વિચાર આવ્યો કે શું આ મંત્રોચ્ચારણની મગજ ઉપર કોઈ અસર છે. એ માટે ઈન્ડિયા-ટ્રેન્ટો યુનિવર્સિટીના સહિયારા અધ્યયન દરમ્યાન અમે ભારતના 21 પ્રોફેશનલી ક્વોલિફાઈડ્ પંડિતોના મગજનો MRI (magnetic resonance imaging)ટેસ્ટ કરાવ્યો. તેમાં અમને જાણવા મળ્યું કે સંસ્કૃતના મંત્રોચ્ચારણથી મગજમાં સંક્ષિપ્ત અને લાંબા ગાળાના મેમરી સહિત, જ્ઞાનાત્મક કાર્ય સાથે સંકળાયેલ પ્રદેશોનું કદ વધે છે.’
સંસ્કૃત વિશેની અન્ય રસપ્રદ હકીકતો જાણોઃ
- NASA પાસે સંસ્કૃતમાં તાડપત્રો પર લખાયેલી 60,000 પાંડુ લિપી છે. જેના પર સંશોધન થઈ રહ્યું છે. NASA જણાવે છે કે સંસ્કૃત ધરતી પર બોલાતી સૌથી સ્પષ્ટ ભાષા છે.
- NASAના જ એક રિસર્ચર રિક બ્રિગેએ 1985માં ‘AI Magazine’ માં ‘Knowledge Representation in Sanskrit and Artificial Intelligence’ લેખ લખ્યો અને દાવો કર્યો કે કમ્પ્યુટર સોફ્ટવેર માટે સંસ્કૃત સૌથી શ્રેષ્ઠ ભાષા છે.
- NASAના એક વૌજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, ‘જ્યારે તેઓ અંતરિક્ષ ટ્રાવેલર્સને સંદેશો મોકલાવતા હતા, તો તેમના વાક્ય ઉલટા થઈ જતા હતા અને અર્થ બદલાઈ જતો હતો. આ પ્રયોગ એમણે ઘણી ભાષાઓમાં કર્યો પણ પરિણામ શૂન્ય મળ્યું. છેવટે તેમણે સંસ્કૃત ભાષામાં સંદેશો મોકલ્યો. ત્યારે વાક્ય ઉલટા તો થયા પણ તેમનો અર્થ બદલાયો નહિ.’
- જર્મનીની 14 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે.
- સંસ્કૃત દુનિયાની એકલી એવી ભાષા છે જેને બોલવામાં જીભની બધી માંસપેશીઓનો ઉપયોગ થાય છે. ઉપરાંત સ્પિચ થેરાપી માટે પણ ઉપયોગી છે અને મનની એકાગ્રતા વધારે છે.
- અમેરિકન યુનિવર્સિટી અનુસાર સંસ્કૃતમાં વાત કરવાવાળી વ્યક્તિ બીપી, કોલેસ્ટ્રોલ, મધુમેહ જેવા અનેક રોગોથી મુક્ત રહે છે.
- દુનિયાના 17થી વધુ દેશોમાં ઓછામાં ઓછી એક યુનિવર્સિટીમાં ટેક્નિકલ શિક્ષણના કોર્સમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે.હવે તો આપણા દેશ તેમજ તેની ભાષા સંસ્કૃત માટે ગૌરવાન્વિત થઈએ! આપનો શું અભિપ્રાય છે આ બાબતે?