નવા જમાનાની વાત: કંજૂસાઈ નહીં પણ ‘કરકસર’ છે આધુનિક વિચારધારા

જેમ જેમ જીવનમાં પ્રગતિ કરીએ છીએ, સમૃદ્ધિ તરફ જઈએ છે તેમ તેમ આનંદ વધે છે. પરંતુ, વૈભવ સાથે એક ચીજ ચાલી જાય છે તે છે અનુકુળ સમય. સતત પ્રગતિ કરતા આ દેશમાં તમારી પાસે બધું જ હશે, પરંતુ હવે તમારે જે સાચવવાનું છે તે છે સમય.

વર્ષો પહેલાં જયારે દેશમાં આટલી સમૃદ્ધિ ન હતી, ત્યારે લોકો ચીજ વસ્તુઓ શોધવા નીકળતાં, સમય પસાર કરવા એકબીજાને મળવા જતાં. દૂર દૂર ફરવા જતાં, એકબીજાને ટપાલ લખતાં અને સમાચાર પત્રો વાંચીને નવી માહિતી મેળવતાં. તે સમયે જીવન બિલકુલ સામાન્ય હતું, કોઈ સાધન કે વ્યવસ્થા આટલી બધી જોવા મળતી ન હતી. અને મનુષ્ય પાસે સામાજિક જીવન માટે અનુકુળ સમય પણ રહેતો હતો. અમદાવાદથી ડીસા જવામાં લગભગ સાંજ પડી જતી, સાધનો પણ જલદી મળતાં નહી. જયારે આજે સવારે જઈને બપોરે પાછા આવીએ તેવી મોંઘી ગાડીઓની સગવડ સહજ થઇ ગઈ છે.

એકસામટાં મોકલાતાં ગુડ મોર્નિંગના મેસેજ અને બિનજરૂરી હિંસાત્મક વીડિઓ તમારા કુમળા મન અને બુદ્ધિને અમર્યાદિત નુકસાન આપે છે. એક ખરાબ મેસેજ તમારા જીવનની લગભગ (એવરેજ)૭ મિનીટ બગાડી શકે છે.તમને સારી રીતે કાર્ય કરવા માટે એક કાર્ય પર ‘૪૦ સેકન્ડ’ સમય આપ્યાં પછી જ તે કાર્યને તમારું મગજ સારી રીતે સમજવા લાગે છે. માટેબિનજરૂરી મેસેજીસ તમને કેટલું નુકસાન આપી રહ્યા છે, તે તમે પોતે જ સમજી શકશો.

સમય બચાવવા માટે તમારે જીવનમાં, સરળતા લાવવી પડશે અને તર્કપૂર્ણ રીતે જીવન પ્રણાલીને સુધારવી પડશે, નહીતર ચીજોનો ભંગાર અને બિનજરૂરી માહિતીથી તમારું જીવન ઝડપથી ચાલ્યું જશે તે પણ સત્ય છે. કંજૂસાઈ નહીં પણ ‘કરકસર’ સાથે જીવવું પડશે, કરકસર જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. જોઈતી ચીજોને પણ ના રાખવી કે ના ખરીદવી કંજુસાઈ છે પણ જે જોઈએ છે માત્ર તેને જ રાખવું એ કરકસર છે. કરકસર માં-બાપ કે ગુરુજનો સિવાય કોઈ શીખવાડતું નથી. કરકસર માટે મન કેળવવું પડે છે, તેનો સીધો ફાયદો ‘નાણા અને શક્તિનો બચાવ’ છે. મને લાગે છે કે હવે તમને કરકસર જરૂર ગમશે.

જે ચીજો નથી જોઈતી, તેને દૂર કરવી પડશે:

એવી ચીજોનું લીસ્ટ બનાવો કે જે છેલ્લા ઘણા સમયથી નથી વપરાઈ, આ ચીજોની જો તમારે જરૂર ના હોય તો તે ચીજો જેણે ઉપયોગી થાય તેને આપી દો. એકવાર આ રીતે કરવાથી તમને જરૂરથી ઘરમાં નવી ઉઊર્જાનો અનુભવ થશે અનેજેણે આપશો તે પણ ખુશ થશે.

એક કાર્ય માટે એકથી વધુ પ્રાપ્ત સાધનોને દૂર કરો:

આનું સૌથી સારું ઉદાહરણ કાંડા ઘડિયાળ છે, મેં જોયું છે કે લોકોના કબાટમાં ઘડિયાળોનો ખડકલો થઇ ચુક્યો છે. આપણને એક સમયે એક જ ઘડિયાળથી સમય જોવા મળી શકે. એક જ પરંતુ સૌથી સારી ક્વોલીટીની ઘડિયાળ વાપરીને પણ તમે જીવન આસાન બનાવી શકો છો. એક થી વધુ ટુ-વ્હીલર્સ અને એકથી વધુ મોબાઈલ ફોન્સ બિનજરૂરી સમય અને શક્તિનુંઉદાહરણ છે. એક પણ સૌથી અનુકુળ સાધન રાખો.

બિનજરૂરી કાગળ અને પ્લાસ્ટિકનો સામાન દૂર કરો:

મુદત પૂરી થઇ ગઈ હોય તેવા બિલ્સ, જાણ ખાતર મોકલાયેલા લેટર્સ તથા ના વાંચતા હોવ તેવા મેગેઝિન કે પુસ્તકોને પણ રોજબરોજની જગ્યાઓ પરથી હટાવી શકાય. તમે સમજી શકો છો કે જે કાગળની માહિતી તમે જાણી લીધી છે, તેની પર એક્શન લઇ લીધી છે તો પછી તે કાગળને અહી તહી મૂકી રાખવાનું કોઈ પ્રયોજન બચતું નથી. જૂના પુસ્તકો જો તમે વાંચી લીધા હોય તો પણ તેમને તમે તમારી મહત્વની જગ્યા પરથી હટાવી શકો છો. આ પ્રક્રિયા સકારાત્મક મન સાથે કરવી પડશે. જેટલું બિનજરૂરી હટશે તેટલું જરૂરી આવી શકશે.

નાની અને કામની ચીજો જ રાખો:

આપણે મોટા ફ્રીજ અને મોટા કબાટ બધે જ જોઈએ છીએ, જેટલા મોટા કબાટ તેટલો જ વધુ સામાન. સામાન જલ્દી પોતાની જગ્યાએથી જતો પણ નથી, ઉપયોગમાં આવતો પણ નથી. માટે એક માણસને જરૂરી હોય તેટલો જ સામાન અને તેટલી જ જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી ઘરમાં અને ઓફિસમાં જગ્યા પણ બચશે. યાદ રાખો જેટલી ખાલી જગ્યા હશે, મન, ઘર અને વિચારોમાં તેટલું જ નવીન સર્જન થવાની તકો વધી જશે. સૌથી ભાવતી અને પૌષ્ટિક ચીજો ફ્રીજમાં રાખો, ફ્રિજને બને તેટલું ખાલી રાખવા પ્રયત્ન કરો, આનો સીધો ફાયદો તમને નાણાં અને તબિયતમાં થશે.

મહત્વના કાર્યો પર પહેલી નજર રાખો:

કાર્યોમાં પણ આ જ રીતે કરકસરથી જીવી શકાય. તમે જાણો જ છો કે દરેક દિવસે એવા ૩ કાર્યો હશે જેના પર દિવસની ૮૦% સફળતા ટકી રહી હશે. મને નથી લાગતું કે કોઈ એવો માણસ હશે કે જે એક દિવસમાં ૧૦૦ કાર્યો માટે પ્રયત્ન કરતો હોય. તમારી એક મર્યાદા છે માટે મર્યાદા સમજીને તે અનુસાર જે ખૂબ જ મહત્વનું છે તે કાર્ય પહેલાં કરો. આમ કરવાથી કાર્ય બાબતે તમને સંતોષ અને આનંદ મળશે.

“જયારે પણ એક ચીજ નવી ખરીદો, તે સામે એક જૂની ચીજને વિદાય આપો.”

તમારા બિનજરૂરી રમકડાં અને કપડાંની પણ જેને જરૂર છે તેને આપી દો, લિસ્ટ બહુ લાંબુ છે. કરકસર શીખવી હોય તો આપણાં ભારતના મહાપુરુષોને ધ્યાને લો, સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ મહાત્મા ગાંધીજી છે, તમે એમના જીવનમાંથી અનેક વાર આ બાબતે શીખી શકશો. માત્ર એક પેટીના સામાન, એક પેન્સિલ, એક બકરી, એક લોટો અને એક ઘડિયાળ સાથે આખા જગત ઉપર પણ પ્રભાવ પાડી શકાય છે, આ વાત આ મહાપુરુષના જીવનમાં સત્ય હતી.

નીરવ રંજન