ઘણીવાર આપણે કહીએ પણ છીએ કે પરીક્ષામાં અઘરા પ્રશ્નોના ઉત્તર તો મેં આપી દીધા પરંતુ આટલી નાની બાબતમાં હું ભૂલ કેવી રીતે કરી શકું છું? આનું કારણ એ છે કે તે સમયે આપણું મન અશાંત હતું. મેં 2+2=4 લખવા ના બદલે 2+2=6 લખી દીધા. મને બધું જ ખબર હોવા છતાં પણ તે સમયે ખબર નહીં મેં આવું કેવી રીતે લખી દીધું! આ આપણી એકાગ્રતા-સાવધાની ની ઉણપ બતાવે છે. તે સમયે આપણા મનમાં ચિંતા તથા તણાવ હતો. પરિણામે આપણાથી ભૂલ થઈ ગઈ.
પરીક્ષામાં સફળતા મેળવવા માટે એવું શીખવવામાં આવે છે કે પરીક્ષાના એક બે દિવસ પહેલા આપણે હલકા તથા શાંત રહેવું જોઈએ, જેથી આપણે સારું પરિણામ મેળવી શકીએ. માન્યતાઓ પણ આપણે જ બાળકોની અંદર ઊભી કરીએ છીએ. જો બાળક શાંતિથી અભ્યાસ કરી રહેલ છે તો માતા-પિતા કહેશે કે કાલે તારી પરીક્ષા છે અને તું શાંતિથી બેઠો છે! તને કોઈ ચિંતા નથી? કારણ કે તેઓને ખૂબ ચિંતા છે. આ સમયે આપણે ચેક કરવું જોઈએ આપણે શું કરી રહ્યા છીએ? જ્યારે કોઈપણ પરીક્ષા આપીએ છે ત્યારે સાથે સાથે સુરક્ષાની પણ આશા રાખીએ છીએ. જો આપણને એ વિચાર આવશે કે હું પરીક્ષામાં પાસ નહીં થાઉં તો? આ વિચારની સાથે જ મનમાં ભય તથા તણાવ ઉત્પન્ન થશે.
વાસ્તવમાં આપણે પરીક્ષાનો કોઈપણ ડર ન રાખવો જોઈએ. આપણને જેટલું આવડે છે તે પ્રમાણે ધીરજપૂર્વક જવાબ આપવા જોઈએ. પછી ભય કઈ વાતનો લાગશે? પરીક્ષા આપ્યા પછી આપણને પરિણામની ચિંતા થાય છે. ભવિષ્ય અંગે ખોટા વિચારો કરવા એ નુકસાનકારક છે. અત્યારે આપણે વર્તમાનમાં છીએ તો ફક્ત ભણવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણને કોઈ પણ બાબતનો તણાવ નહીં થઈ શકે.
આપણે એ જોવાનું છે કે કયા વિચારથી આપણને તણાવનો અનુભવ થાય છે? જો મારું પેપર બરાબર નહીં જાય તો આગળ શું થશે? જો મને સારી કોલેજમાં પ્રવેશ નહીં મળે તો મારું ભવિષ્ય કેવું હશે? જો મનમાં આ પ્રકારના વિચારો આવશે તો ભણવામાં મન કેવી રીતે લાગશે! જો આપણે વર્તમાનમાં જ રહેવાની આદત બનાવી દઈશું તો તે આપણને દરેક પ્રકારે મદદ કરશે. ઘણીવાર આપણે અભ્યાસ કરવા બેસીએ છીએ બધું વાંચી પણ લઈએ છીએ પરંતુ કંઈપણ યાદ રહેતું નથી, આનું કારણ એ છે કે વાંચતી વખતે આપણું મન કાંઈક બીજુજ વિચારતું હોય છે. આપણે આપણા મનને વર્તમાનમાં રાખવાની ટેવજ નથી પાડી.
વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે અભ્યાસમાં એકાગ્રતા જળવાતી નથી. મનને એકાગ્ર કરવું એ કોઈ એક દિવસમાં પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. તેના માટે સૌથી પહેલા આપણે શીખવું પડશે કે સકારાત્મક વિચારો કેવી રીતે કરી શકીએ? જો આપણે લાંબા સમયનો અભ્યાસ કરીશું તો મનમાં તણાવ ઉત્પન્ન જ નહીં થાય. મનમાં તણાવ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એ હોય છે કે ભવિષ્યમાં જીવવું. અસફળતાનો વિચાર આવવાથી જ આપણને ભયનો અનુભવ થાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)