ઈશ્વરના સુરક્ષા કવચને સ્વીકારીને આપણે માયાના બંધનથી છૂટીએ, વિકર્મો માંથી બચીએ તથા અસત્ય આચરણને છોડીએ ત્યારે આ ભયથી મુક્તિ મળે. ત્યારબાદ ભગવાનના દિલ રૂપી તખ્તનો તથા તેમના કિરણો રૂપી હાથની છત્રછાયાનો સ્વીકાર કરીએ. જેવી રીતે પારકી સંપત્તિને હાથ અડાડતા વ્યક્તિને ડર લાગશે જ, તેવી જ રીતે આ દુનિયા પણ પારકી સંપત્તિ છે. અહીં માયાનું રાજ્ય છે.
પારકા રાજ્યમાં પોતાને ભૂલીને બીજાની આશા રાખવા વાળાને ડગલે ને પગલે ડરવું જ પડશે. પરમાત્મા આપણા પિતા છે. આધ્યાત્મિક જ્ઞાન, ગુણ તથા શક્તિઓ તેમની સંપત્તિ છે. જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર આત્માને તેઓ અભય દાન આપે છે. મહાભારતના યાદગાર યુદ્ધમાં 5 પાંડવોને લાખોની સેના સામે હોવા છતાં પણ પ્રભુ દ્વારા અભયદાન મળ્યું હતું, કારણ કે તેઓ પારલૌકિક પ્રાપ્તિઓના પુરુષાર્થી હતા.
વર્તમાન સમયે ફરીથી મહાભારત સમયની પરિસ્થિતિ નિર્માણ પામી ચૂકી છે. આ જૂની-પતિત સૃષ્ટિનો અંત નજીક છે. અંત સમયે અચાનક મૃત્યુ, તમોગુણી સંસ્કારોના તરંગો થી બનેલ ભારે વાતાવરણ, શરીર છોડીને ભટકવા વાળી આત્માઓની મુક્તિ માટે ચીસો વિગેરે દ્રશ્યો સામે આવશે. આ સમયે નિર્ભયતાની શક્તિ જમા હશે તો આત્મા આ દ્રશ્યોથી પાર થઈ જશે. ઘણા સમયથી નિર્ભય રહેવાનો અભ્યાસ તે સમયે કામમાં આવશે. મન જો સાંસારિક છે તો મૂંઝાયેલું રહે છે તે દરેક સામે આવવા વાળા દ્રશ્યમાં તે ભટકી જાય છે.
જ્ઞાન અને યોગના નિરંતર અભ્યાસ દ્વારા મનમાંથી દરેક દેખેલ દ્રશ્ય ભુલાઈ જાય છે. માટે જ બહુ જ સમયના યોગીને નિર્ભયતા ઈશ્વરીય વરદાનના રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. તે ભયાનક દ્રશ્યોની વચ્ચે રહેવા છતાં પણ નિર્ભયતાની મોજ અનુભવ કરી શકે છે.
સ્મૃતિ દ્વારા સ્થિતિ બને છે તે એક સત્ય વાત છે. જેવી રીતે સારી સ્મૃતિઓ સુખ આપે છે, તેવી જ રીતે વિકર્મોની સ્મૃતિ દુઃખ આપે છે. વ્યર્થ વાતોનું, બીજાની ભૂલોનું, ભૂતકાળ તથા ભવિષ્યની ડર ઉત્પન્ન કરનાર કલ્પનાઓનું ચિંતન આજે સંસારમાં અત્યાચાર, હિંસા તથા અપવિત્રતાને જન્મ આપી રહેલ છે. જેવી રીતે સરહદ ઉપર બંને દેશોની સેનાઓનું ભેગા થવું તે અનેક લોકોને ઘરબાર વગરના બનાવવા માટે નિમિત્ત બની જાય છે, તેવી જ રીતે મનના મેદાનમાં અપ્રિય, અકલ્યાણકારી યાદોનું ભેગા થવું પણ વ્યક્તિને શાંતિ તથા એકાગ્રતાથી વંચિત કરી દે છે.
અંકુશ વગરની તથા ન ગમતી યાદો મનુષ્યને ક્રોધિત કરી દે છે, નફરત ઉત્પન્ન કરે છે, અવગુણ ધારી દ્રષ્ટિ બનાવે છે. આ પ્રકારની યાદો મનુષ્યને એકલો બનાવી દે છે. જીવનની દરેક વસ્તુઓના ભાગલા પાડી શકાય છે પરંતુ સારી કે ખોટી સ્મૃતિઓના નહીં. પાપ કરવું એ તો ઝહેરને ગળાની નીચે ઉતારવા સમાન છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)