સુખ-શાંતિનો અનુભવ કરવા ભૂતકાળને મનમાંથી ભુસી નાંખો

બની ગયેલ ઘટનાને જેટલી જલ્દી મનમાંથી કાઢી નાખીશું તેટલો સુખ-શાંતિનો અનુભવ કરીશું. સાધન અને સગવડોના આ યુગમાં શારીરિક શ્રમ કરવોએ એ શરમની વાત થતી જાય છે. મનુષ્ય પોતાનો જરૂરી સામાન ઉઠાવવા માટે કોઈ સાથી કે મજુર ઓ આધાર લે છે, પરંતુ બિનજરૂરી ભાર તે એકલો જ મન રૂપી પીઠ પર રાખી રહ્યો છે. આ બિનજરૂરી ભારને ઉઠાવવા વાળો કોઈપણ સાથી તેને દેખાઈ નથી રહ્યો. આજે મનુષ્યને એ કડવો અનુભવ છે કે જે પણ વ્યક્તિ પર મનને હલકું કરવા માટે આશા રાખી તેણે તેના મનના ભારને, ચિંતાઓને વધારી દીધી પરંતુ ઓછી ન કરી.

ધારો કે એક વસ્તુનું વજન 15 ગ્રામ છે. તો તેને ઊંચકવામાં કોઈ તકલીફ અનુભવ નહીં થાય. પરંતુ જો કોઈ વ્યક્તિ આજ 15 ગ્રામ વજનની વસ્તુને મુઠ્ઠીમાં પકડી રાખે કે હથેળી પર રાખે, તો આ 15 ગ્રામ વજન તેના માટે ખુબ વજનદાર બની જશે. તે વ્યક્તિ સતત 15 ગ્રામની તે વસ્તુને હાથમાં પકડી રાખવાના કારણે પોતાને કેદી સમજવા લાગશે તથા તે બેચેન રહેશે. આવી જ સ્થિતિ મનુષ્યના મનની છે. વાત ભલે નાની હોય કે મોટી પરંતુ મનુષ્ય જ્યારે તેને પોતાના મનની અદ્રશ્ય મુઠ્ઠીમાં પકડી લે છે ત્યારે તે ભારે બની જાય છે. વાત વાસ્તવમાં નાની હોય છે પરંતુ સતત તેને મનમાં રાખવાથી તે નાની વાત પણ વજનદાર અનુભવ થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિ ડામાડોળ બની જાય છે. મન તથા બુદ્ધિમાં લાંબા સમય સુધી રાખેલ વાત ના કારણે બીજી કલ્યાણકારી વાત બુદ્ધિમાં ટકી શકતી નથી. સ્વચ્છ વસ્તુ હલકી હોય છે પરંતુ મેલ લાગવાના કારણે તેનું વજન વધી જાય છે. મનુષ્યનું મન પણ મેલું થવાના કારણે તે ભારે બની જાય છે.


માનવીનું મન જો શુદ્ધ સંકલ્પો થી ભરેલું હોય તો તે ફરિસ્તાની જેમ ઉડવાનો અનુભવ કરી શકે છે અને જો તે અશુદ્ધ સંકલ્પથી ભરેલુ હોય તો કાદવમાં ખૂંપવાનો અનુભવ કરે છે. ઘણીવાર સારી વાતને પણ અલગ રીતે જોવામાં આવે તો મનમાં નફરત ઉભી થાય છે. એક ગુરુ પોતાના શિષ્યની સાથે નદીના સામા કિનારે જઈ રહ્યા હતા તે સમયે નદીમાં ડૂબતી એક યુવતી પર તેમની નજર પડી. તેમણે તરત તે યુવતીનો હાથ પકડી લીધો અને ટેકો આપીને કિનારા પર તેને છોડી દીધી. તે યુવતી ત્યાંથી જતી રહી તથા ગુરુ શિષ્યની સાથે આગળની યાત્રા પર નીકળી પડ્યા. બે દિવસ બાદ તેમનો પડાવ આવ્યો. બંને ત્યાં બેઠા. ગુરુએ જોયું કે શિષ્યના ચહેરા ઉપર શંકા, નફરત તથા નકારાત્મક વિચારોની છાયા હતી.

કારણ પૂછવા પર એણે કે એક સન્યાસી હોવાના કારણે તમારા માટે એક સ્ત્રીને સ્પર્શ કરવો પણ અયોગ્ય છે જ્યારે તમે તો તેનો હાથજ પકડી લીધો. સન્યાસીએ હસતા હસતા કહ્યું કે યુવતીનો હાથ તો તેં પકડ્યો છે. મેં તો એક ડૂબતાને બચાવવાનો, પ્રાણી માત્ર ઉપર દયા કરવાનો ધર્મ નિભાવ્યો છે. તારા મને તેને અયોગ્ય સમજ્યું છે, તથા બે દિવસથી તે બોજાને મનમાં સંગ્રહ હોવાથી તારું મન ભારે બની ગયું છે. આ છે મનનો બોજો. બની ગયેલી ઘટનાને જેટલા સમય સુધી મનમાં રાખીશું એટલો સમય સુખ-શાંતિનો અનુભવ નથી થઈ શકે. તથા જેટલું જલ્દી તેને મનમાંથી કાઢી નાખીશું તેટલા હલકા બની જઇશું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)