આજના સમાજમાં મોટાભાગની અનૈતિકતાનું મૂળ કારણ છે ફેશન

ફેશનનો એક જ હેતુ હોય છે કે બીજાને આપણા તરફ આકર્ષિત કરવા. કેટલી આશ્ચર્યની વાત છે કે, લોકો પોતાના ધનને છુપાવીને રાખે છે કે ક્યાંક ઠગની નજર તેના ઉપર ન પડે, અને તે લૂંટી ન જાય. પરંતુ શરીર જે ધન સંપત્તિથી પણ મૂલ્યવાન છે, જેની સાથે આપણું ચરિત્ર જોડાયેલ છે, જેને ગુમાવ્યા બાદ ફરી જેને મેળવી શકાતું નથી તેને આપણે જાણી જોઈને લોકોની લોભામણી નજરનો શિકાર બનાવવા માંગીએ છીએ. આપણે “આ બેલ મુજે માર.” એ કહેવતને સાકાર કરીએ છીએ.

લોકો એમ માને છે કે, ચરિત્ર ગયું તો કંઈ નથી ગયું. ધન ગયું તો બધું જ ગયું. પરિણામે પૈસાને છુપાવીને રાખે છે તથા શરીરને પ્રદર્શનની વસ્તુ બનાવી જાહેરમાં તેની હરાજી કરવામાં આવે છે. આજના સમાજમાં મોટાભાગની અનૈતિકતાનું મૂળ કારણ ફેશન જ છે. જે સમય, ધન, ચરિત્ર, દયા વિગેરેનું ગળું દબાવી છે. તે મનુષ્યને માત્ર શરીરના આધારે જીવવા વાળો સ્વાર્થી , હદની બુદ્ધિ વાળો પશુ બનાવી દે છે. આ પ્રકારની વ્યક્તિ સુતા – જાગતા, ઉઠતા – બેસતા શરીરને આકર્ષિત બનાવવાની વાતો જ વિચારે છે. અને તે પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી પતનની ખાડીમાં જઈ શકે છે. તે ગુણોથી નહીં પરંતુ ફેશનના બળે માન મેળવવા ઈચ્છે છે. અને જો ઈચ્છા મુજબનું માન-સન્માન ન મળે તો અપમાનની લાગણી અનુભવે છે.

ફેશનની સ્પર્ધામાં કોઈ બીજાને પોતાનાથી આગળ નીકળતો જુએ છે ત્યારે તેની આંખોમાં લોહી નીકળી આવે છે. અને તે એવી વ્યક્તિને મિત્ર બનાવવાના બદલે દુશ્મન બનાવે છે. તે આવી વ્યક્તિને નીચે દેખાડવા માટે તથા પછાડવા માટે પુરા પ્રયત્નોમાં લાગી જાય છે.

સુંદરતા ખરાબ નથી પરંતુ ફક્ત શરીરની સુંદરતા ઉપર સમય, શક્તિ તથા ધન વેડફવું તે મદડાનેને શણગાર કરવા જેવું છે. રોટી, કપડા, મકાન, શિક્ષણ તથા સ્વસ્થ શરીરએ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પરંતુ ફેશન જરૂરી નથી. જેના માટે આખા સંસારની સંપત્તિ સ્વાહા કરી દઈએ તો પણ ઓછી પડે તેમ છે.

કલ્પના કરો કે એક એવો દીવો કે જેની જ્યોત હોલવાઈ ગઈ છે પરંતુ તે દીવાને રંગોથી સજાવવામાં આવી રહ્યો છે. એક એવો રથ કે જેનો ચલાવનાર બેહોશ પડ્યો છે પરંતુ તે રથને અલગ-અલગ ચિત્રો, મોતિઓ તથા ફૂલો દ્વારા સજાવવામાં આવી રહ્યો છે. તો શું જ્યોત વગરનો દિપક કોઈ અંધારાને રોશન કરી શકશે? તથા જ્ઞાનરૂપી હોશ ગુમાવનાર રથવાન શું રથને લક્ષ સુધી પહોંચાડી શકશે? શરીર પણ એક દીપક છે, રથ છે જેની શોભા આત્માના કારણે છે. આત્મા આ શરીરને ચલાવનાર રથી છે.

આત્મા ને જ્ઞાન, ગુણ શક્તિઓ થી તથા આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કર્યા વગર ફક્ત શરીરને સજાવવું શું યોગ્ય છે? આ શરીરની અંતિમ વિધિ એક મુઠ્ઠી રાખના રૂપમાં થવા વાળી છે. તે એડી થી ચોટી સુધી બનાવટી રંગો, સાધનો, શૃંગારની આઈટમોનો ભાર ઉઠાવી રહેલ હોય કે સાદા ડ્રેસમાં હોય, પાપ-પુણ્યના હિસાબ સમયે એ ગણતરી કરવામાં આવશે કે તે વ્યક્તિએ બીજાને મદદ કેટલી કરી, કેટલાના આંસુ લુછયા, કેટલાના આશાના દિપક જગાડ્યા, દુઆઓ કેટલાની લીધી ? પોતાની ઈચ્છા પૂરી અધૂરી રાખી કેટલાની શુભ ઈચ્છાઓ પૂરી કરી? પરંતુ જો કોઈ વ્યક્તિ આ બધી બાબતોને નજર અંદાજ કરી ફક્ત શરીરના શણગાર પાછળ તન-મન ધન લગાવી દે છે તો તેનું કર્મ પાપના ખાતામાં જ ગણાશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)