સકારાત્મક બનીને રચનાત્મક વાતો વિચારીએ

સામેવાળી વ્યક્તિ કાંઈ પણ કરી રહી છે, પછી ભલે તે ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે કે લાઈન તોડી રહ્યો છે તેના માટે તેની પાસે કોઈ કારણ હશે. જેવું આપણે બીજાને જોવાનું બંધ કરીએ છીએ ત્યારે આપણે સ્વીકાર કરીએ છીએ કે દરેક વ્યક્તિને પોતપોતાના કર્મ અનુસાર પાર્ટ મળ્યો છે. દરેક વ્યક્તિ પોતાનો પાર્ટ સારી રીતે ભજવી રહ્યો છે. જો કોઈ તમારી પાસે મદદ માંગે છે તો શક્ય હોય ત્યાં સુધી પરિસ્થિતિ અનુસાર તેને મદદરૂપ થઈએ પરંતુ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની લાગણીઓનો મારા ઉપર કોઈ પ્રભાવ ના પડે.

આપણી આજુબાજુ બધી વ્યક્તિઓ નાટકમાં માતા-પિતા, બોસ, શિક્ષક વિગેરેનો રોલ ભજવી રહ્યા છે. આપણે તેમના પાર્ટ સાથે થોડાક સંકળાયેલા છીએ, કારણકે આપણે માર્ગદર્શકનો પાર્ટ ભજવવાનો છે. પરંતુ જો બીજા કલાકારની લાગણીઓ આપણી ઉપર વિશેષ પ્રભાવ પાડશે તો મારો પાર્ટ થોડોક ખરાબ થશે . ધારો કે બાળક દર્દમાં છે, તે સમયે વાલી તરીકે મારો રોલ છે તેની પાસે બેસવું, તેના દુઃખનું કારણ જાણવું, તેને હૈયાધારણ આપવી તથા સાચી સલાહ આપવી. તથા એ જોવું કે કંઈક ખોટું થઈ રહ્યું હોય તો તને સરખું કરવું. પરંતુ જો બાળકના દર્દના કારણે હું પોતે પણ દર્દમાં ચાલી જાઉં તો વાલી તારીકેની મારી ફરજ હું બરાબર નિભાવી નહીં શકું. કારણકે જ્યારે એક વાર મનમાં દર્દ ઉભુ થઈ જાય છે ત્યારે આપણી સમજવાની શક્તિ ખતમ થઇ જાય છે કે આ સમયે મારે શું કરવું જોઈએ?

આપણે પોતાના જીવનને મશીન સમાન બનાવી દીધું છે. જો બાળક દર્દમાં છે તો મારે દર્દમાં જવાનું જ છે. જો તેણે ગુસ્સો કર્યો તો મારે ઉદાસ થવાનું જ છે. આમ આ પુરુ મશીન સમાન બની જાય છે. આ સંજોગોમાં આપણી પાસે વિકલ્પ છે જો બાળક દર્દમાં છે તો હું આચલ-અડોલ રહી શકું છું. હું સકારાત્મક બનીને રચનાત્મક વાતો વિચારી શકું છું. પહેલા મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. ત્યારે આપણે કહેતા હતા કે લગાવ છે. જો પરિવારનું કોઈ દુઃખી છે તો મારે દુઃખી થવું સ્વાભાવિક છે તથા તે પ્યારની નિશાની છે. જો સંતાન કોઈ મૂંઝવણમાં હોય તેનું કારણ જાણવાનો આપણે પ્રયાસ નથી કરતા. આ સમયે આપણે ફક્ત એટલું જ કહીએ છીએ કે તું ઠીક થઈ જા. પરિણામે હું પણ ઠીક થઈ જઈશ. આ રીતે વિચારવાથી હું વડીલ તરીકે મારી ભૂમિકા બરાબર નથી નિભાવી રહ્યો.

 

જો આપણને સાચી સમજ હશે તો આપણે સતત પોતાનું ધ્યાન રાખીશું તથા મનના વિચારો વધુ ઉપર નીચે નહીં થાય. આપણું મન શાંત થતું જશે. આપણી અંદરનો અવાજ સાંભળવા માટે આપણે વ્યર્થ સંકલ્પો બંધ કરવા પડશે. અત્યારે શું થાય છે કે અંદરથી અવાજ આવે છે પરંતુ આપણે તેને સાંભળી નથી શકતા. જેમ જેમ આપણે યાત્રામાં આગળ વધીએ છીએ તેમ તેમ અંદરથી અવાજ આવે છે કે આ બરાબર નથી, આ રીતે થવું જોઈએ. આપણે અંદરના અવાજને સાંભળવાની ટેવ પાડવી જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)