ચંદ્ર અને આપણા ઈસરોના ચંદ્રયાન 3 વચ્ચે હવે બસ, નજીવું જ અંતર છે. વિક્રમ લૅન્ડરે ચંદ્રની શાનદાર તસવીરો આપણી સાથે શૅર કરી. ઈસરો હવે લૅન્ડરની સ્પીડ નિયંત્રણમાં રાખવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે, જેથી સફળતાપૂર્વક ધીમે ધીમે લૅન્ડિંગ થઈ શકે.
હજારો વર્ષો પહેલાં પથ્થરની ગુફામાં પશુ સમાન જીવન જીવતો માનવી આજે ચંદ્ર અને મંગળ ઉપર નિવાસસ્થાન માટેનાં આયોજનોા કરી રહ્યો છે. ફાઈવ ડેઝ, ફૉર નાઈટની સ્પેસ ટૂરના આયોજન થઈ રહ્યાં છે. આજના માનવીની ગર્ભના ગાઢ અંધકારથી આરંભાયેલી જીવનયાત્રા અંત્યેષ્ટિના અજવાળા સુધી પહોંચે ત્યાં સુધી તેણે ટાયરથી માંડી માઈક્રો પ્રોસેસર સુધી બધું જ જોઈ લીધું હોય છે. આજે માનવની વિકાસકૂચ સુવિધાઓનાં સાધનોની હારમાળા સર્જી રહી છે, પરંતુ આ વિકાસ, આ પ્રગતિ શેને આભારી છે?
કોઈ એમ કહે કે વિજ્ઞાનની હરણફાળ તો એ આમ તો સાચો ઉત્તર છે, પણ સચોટ જવાબ છેઃ એક વિચાર. મગજમાં આવેલો એક આઈડિયા. પ્રાચીનકાળથી આજ સુધી માનવપ્રગતિનો ઈતિહાસ એ મનુષ્ય મસ્તિષ્કના વિચારોની ગાથા તેમ જ વિચારોનું સર્જનાત્મક અનુસરણ અને પરિણામોની પ્રાપ્તિનો ઈતિહાસ છે.
ડૉ. અબ્દુલ કલામ સાહેબ પોતાની આત્મકથામાં જણાવે છે કે, બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. ભલે હું સીધોસાદો ગામડાનો છોકરો હતો, પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું પણ આકાશમાં ઊડીશ, અને ખરેખર, રામેશ્વરમાંથી આકાશમાં વિચરનાર હું પ્રથમ છોકરો બન્યો.’
એક સામાન્ય સાગરખેડૂના બાળકને આકાશની ઊંચાઈએ અડાડવા માટે મુખ્ય પરિબળ હતું વિચાર! એટલે જ કહેવાયું છે કે જ્યારે વિચારનું વાવેતર થાય ત્યારે તે ક્રિયામાં પરિણમે છે.
દક્ષિણ આફ્રિકામાં પ્રૅક્ટિસ કરતા મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક યુવાન વકીલ એક વાર ડર્બનથી પ્રિટોરિયા જવા માટે રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને પોતાની સીટમાં ગોઠવાય છે. રાતે ૯ વાગ્યે મારિત્સબર્ગ સ્ટેશને એક ગોરો ટીસી એમના કમ્પાર્ટમેન્ટમાં આવે છે, એમની ટિકિટ તપાસે છે અને, ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એ મોહનદાસને થર્ડ ક્લાસમાં જવા કહે છે, રકઝક થતાં ટીસી પોલીસની મદદથી યુવા વકીલને કમ્પાર્ટમેન્ટની બહાર ફંગોળી દે છે. તે સમયે પેલા વકીલના મનમાં વિચાર આવ્યો: ‘મારે મારા હક માટે લડવું જોઈએ.’ ૨૪ વર્ષના એક યુવાન બિનઅનુભવી બૅરિસ્ટરના આ વિચારોમાં સ્વરાજની હિલચાલના ભણકારા હતા. તેમના આ વિચારોએ માત્ર આફ્રિકનોમાં જ નહીં, પણ ભારતની (તે વખતની) ૩૦ કરોડની જનતામાં આઝાદીની ભૂખ જગાડી દીધી. ગાંધીજીના હક માટે લડવાના માત્ર એક વિચારે એવો પ્રચંડ પવન ફૂંક્યો કે ૧૫૦ વર્ષની અંગ્રેજોની ગુલામીની ગંઠાઈ ગયેલી જંજીરોને ઓગાળી દીધી. ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકાયેલી વ્યક્તિના પ્રબળ વિચારે આખા સામ્રાજ્યને બહાર ફેંકી દીધું. આ વિચારની કરામાત નહીં તો શું છે?
વિચારની આટલી શક્તિ અને સામર્થ્ય હોવા છતાં વિચારવું તે કઠિન કાર્ય છે. વિચારને અઘરું કાર્ય કહેવાનું કારણ એટલું છે કે વિચાર અને વિકાસ જેમ સાથે ચાલે છે તેમ વિચાર અને વિનાશ પણ સહચારી છે. વિચાર યોગ્ય, નિયંત્રિત અને સર્જનાત્મક હોય તો ચોક્કસ વિકાસને નોતરે છે, પરંતુ અયોગ્ય, અનિયંત્રિત અને વિધ્વંશાત્મક વિચાર વિનાશ સર્જે છે. કોઈની પ્રગતિમાં દાઝવાથી શરૂ થયેલી વૈચારિક પ્રક્રિયા આતંકવાદ સુધી પહોંચે છે, તેના મૂળમાં આ અવળો વિચાર છે. તેથી જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અવળા વિચારનો ત્યાગ કરવો અને સવળો વિચાર હોય તે જ ગ્રહણ કરવો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)