વાણી નહીં, વર્તન સંભળાય

બે દિવસ પહેલાં સમાચાર વાંચવામાં આવ્યા કે મુંબઈમાં એક ટીનએજર દીકરીને એની માતાએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ભણવા પર ધ્યાન આપવાનું કહ્યું તો દીકરીએ આત્મહત્યા કરી લીધી.

એક વાત તો ચોક્કસ કે સ્માર્ટ ફોન આજે દુનિયાભરમાં, બધાને નહીં તો પણ અમુક વર્ગને સ્માર્ટ બનાવવાને બદલે દિમાગથી ખોખલા બનાવી રહ્યા છે. મુંબઈની એ કમનસીબ માતાને પુત્રીના ભવિષ્યની ચિંતા હોવી એ પણ સાહજિક વાત છે. સમયે સમયે સંતાનોને શિખામણ આપવી એ પણ ઉછેરનો એક ભાગ છે, પણ શિખામણ કેવી રીતે આપવી, કેવી રીતે અને ક્યારે એમને ટોકવાં એનું આજે એક વિજ્ઞાન વિકસ્યું છે. દુનિયાભરના માનસશાસ્ત્રીઓ એકઅવાજે કહે છે કે કૂમળા ટીનએજરો સાથે સાચવીને કામ લેવામાં ન આવે તો કુસંગની જ્વાળામાં હોમાતાં કે અનર્થ થતાં વાર નહીં લાગે.

અહીં ભારતના પૂર્વ પ્રધાન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના જીવનનો એક પ્રસંગ સાંભરે છેઃ એક વાર એમણે પોતાના દીકરાને કહ્યું, ‘હું જોઉં છું કે વડીલોને તું જે રીતે પગે લાગે છે એ યોગ્ય નથી. ચરણસ્પર્શ તો વ્યવસ્થિત નીચા નમીને કરવા જોઈએ.’

યુવાનીના જોરમાં પુત્રે કહ્યું, ‘હું તો વ્યવસ્થિત રીતે જ નમન કરું છું, બાપુજી, તમારી જોવામાં ભૂલ થાય છે.’

તે વખતે શાસ્ત્રીજી પુત્રની નજીક આવ્યા અને એને (પુત્રને) વ્યવસ્થિત, કેડેથી વળીને વ્યવસ્થિત ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, ‘બેટા, જો તું આ રીતે વડીલોને વંદન કરતો હોય તો તું સાચો છો, ભૂલ મારી છે. મને માફ કરજે. જો આ રીતે પગે ન લાગતો હો તો હવેથી લાગજે.’

શાસ્ત્રીજીનું આ વર્તન, એમનો જવાબ પુત્ર વર્ષો સુધી ભૂલી શક્યો નહીં. આ અનુભવ વાગોળતાં એણે કહેલું કે ‘જો તે વખતે મારા પિતાએ મને એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો હોત કે, ‘હું જ સાચો ને તું ખોટો તો મને એ બીજા સાધારણ પિતા જેવા જ લાગત, પણ તે વખતે એમણે મને જે રીતે જવાબ આપ્યો તેનાથી તે બીજા પિતા કરતાં જુદા પડી ગયા.’

કહેવાનું એ કે લાલ બહાદુર શાસ્ત્રીએ માત્ર શબ્દોથી નહીં, પણ વર્તનથી પોતાના દીકરાનું હ્રદય જીતી લીધું. કદાચ આ ઘટના પછી ક્યારેય તેમણે પોતાના પુત્રને વંદન કરવાની યોગ્ય રીત બાબતે શીખવવું પડ્યું નહીં હોય. મહાપુરુષોનાં જીવનની આ ખાસિયત છે કે એ લાંબાં ભાષણો નથી આપતા, પણ તેમની નાની નાની ક્રિયા દ્વારા જીવનના અમૂલ્ય પાઠો શીખવતા હોય છે.

અંગ્રેજીમાં જેને પ્રીચર કહે છે તેવા ઉપદેશક બનવું સહેલું છે, કારણ કે સલાહ આપવાનો આનંદ સૌને આવે છે. તેમાં કોઈ કષ્ટ પડતું નથી, પણ તેની અસર નજીવી છે. પાણીની સપાટી પરના પરપોટા જેટલું તેનું આયુષ્ય છે. બીજી બાજુ, વર્તન કરવું અઘરું છે, પણ વર્તન દ્વારો પડેલો પ્રભાવ પ્રચંડ હોય છે, સામેની વ્યક્તિને એ રીતે વર્તવા પ્રેરિત કરે છે.

થોડા સમય પહેલાં જ ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિએ કહ્યું કે આજનાં મૉડર્ન મમ્મી-પપ્પાએ જીવનમાં એક સારું પુસ્તક ઉઘાડીને વાંચ્યું નથી, પણ ફરિયાદ કરે છે કે અમારાં બાળકો વાંચતાં નથી. તમે તમારાં બાળકો સામે પુસ્તક વાંચો તો તમારા એ વર્તનની સંતાન પર ધારી અસર થશે.

તાજેતરમાં જ અમદાવાદમાં બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવાઈ ગયો, જેમાં પાંચ દાયકા કરતાં વધુ સમયથી સેવા કરતા સંસ્થાના એક લાખથી વધુ કાર્યકરોનો ઋણસ્વીકાર કરવામાં આવ્યો. બી.એ.પી.એસ.ના ભવ્ય સમૈયા-ઉત્સવો કે પછી દેશ-દુનિયામાં આવી પડેલી આફતોમાં સ્વયંસેવકોને નિઃસ્વાર્થભાવે નાનામાં નાની સેવા નિઃસંકોચપણે કરતા જોઈને લોકોને અચરજ થાય છે કે એમનામાં આવી સેવાની ભાવના કેવી રીતે ઉદય થતી હશે? પણ આના મૂળમાં છે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું વર્તન. તેમનું વર્તન એવું ઉચ્ચ કક્ષાનું હતું કે તેમના શબ્દોનું વજન પડતું.

ટૂંકમાં વાણીથી નહીં, વર્તનથી બોલીશું તો વધુ સફળતા તો મળશે જ, પણ સાથે આપણને અંતરમાં સંતોષ થશે. વર્તન લોકોના હૃદયને સ્પર્શે છે અને પરિવર્તનનાં આંદોલનોને ઝંકૃત કરે છે. આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા મેળવીએ. વાણીથી નહીં, વર્તનથી શિખામણ દઈએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)