મહિના પહેલાંની વાત. મુંબઈમાં ભણતો 17 વર્ષનો એક કિશોર રજામાં યુપી બાજુના પોતાના ગામમાં ગયો. થોડા દિવસ પરિવાર સાથે ગાળી એ પરત મુંબઈ પોતાના કાકાના ઘરે આવી ગયો. એ મુંબઈ આવ્યો પછી ગામમાં એના પિતાને શંકા ગઈ કે દીકરીનાં એટલે કે પેલા કિશોરની મોટી બહેનનાં લગ્ન માટે બચાવેલા પૈસા ગાયબ છે. એમણે મુંબઈ ભણતા દીકરાને ફોન કરીને પૃચ્છા કરતાં કિશોરે કબૂલ્યું કે એણે આશરે સવાલાખ રૂપિયા ચોરીને એમાંથી લેટેસ્ટ આઈફોન ખરીદ્યો છે. સાંભળીને પિતા ઔર ગુસ્સે થયા, ન કહેવાનું કહી બેઠા, તાબડતોબ ગામ આવી જવા કહ્યું. કિશોરને પિતાની વાતનું એટલું લાગી આવ્યું કે એણે આત્મહત્યા કરી નાખી.
એક કાંકરી મારતાં આખી ઈમારત તૂટી પડે તો એ ચણતરને કેટલું મજબૂત ગણવું? એક જ વાર ધોવાથી કપડું ચડી જાય કે રંગ સાવ ઊતરી જાય તો એને કેટલું ટકાઉ ગણવું? એક પંખી બેસે અને ડાળ ભાંગી જાય તો એ ઝાડ કેટલું બરડ કહેવાય? આજના મૉડર્ન યુગમાં જીવતા માણસનાં જીવન પણ મહદ અંશે આવાં જ થઈ ગયાં છે.
લેખના પ્રારંભમાં પિતા-પુત્રનો કિસ્સો ટાંક્યો છે એવી દરરોજ અસંખ્ય ઘટના ઘટે છે. આ કરુણ ઘટનામાં સહનશક્તિ, માફી, જતું કરવું જેવા ગુણોને બાજુ પર રાખીને કેવળ આઘાત સામે પ્રત્યાઘાતનો નિયમ વિચારીએ તો પણ અહીં નુકસાન થયું પાંચ રૂપિયાનું અને ચુકવણી કરી એનો કોઈ હિસાબ કોઈ મોલ નથી.
સમય એવો આવ્યો છે કે સંતાનોને અભ્યાસનું કહેવા માટે મા-બાપને ભય લાગે છે. એક કહેવત હતી કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ, પરંતુ આજે શિક્ષકથી થોડું વધારે કહેવાઈ જાય, માતા-પિતાથી ઠપકો અપાઈ જાય તો આજના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ મૃત્યુ વહાલું કરે છે. અરે, સુખ-શાંતિભર્યાં ગૃહસ્થજીવન પણ સહેજ અમથી વાતમાં છૂટાછેડા અને આત્મહત્યા સુધી પહોંચી જાય છે, સુખી સંસાર વેરવિખેર થઈ જાય છે.
‘દુર્લભો માનુષો દેહ’ અર્થાત્ અતિશય દુર્લભ એવા મનુષ્યદેહની કિંમત જણાવતાં અમેરિકન પ્રોફેસર મોરોવિટ્સ કહે છે કે, ‘આત્મા વગરના કેવળ મનુષ્યદેહની કિંમત 6000 ટ્રિલિયન ડૉલર છે’. શું અમુક વેણ, એક મોબાઈલ જેવાં કારણ દુર્લભ જીવતરને ટૂંકાવી દેવા માટે યોગ્ય છે? આવી રીતે રજનું ગજ કરવું યોગ્ય છે? થોડો વિચાર તો કરો.
સજ્જનતા અને માનવતાથી સજ્જડ અને મજબૂત એવો ભવ્ય વારસો ભૂલી, અસંયમિત અને અનિયંત્રિત એવા જીવનમાં ફસાઈ રહ્યો છે આજનો માનવી. કડવા શબ્દો બોલાઈ ગયા, ખાવાનું ખૂટી પડ્યું, મોબાઈલ ન મળ્યો જેવા નાના નાના પ્રશ્નો માટે જીવન વેડફતાં પહેલાં સહેજ વિચારવું તો જોઈએને.
મહારાષ્ટ્રના એક ગામમાં થોડાક મશ્કરા યુવકોએ કોઈ મહાત્માનું મૂંડન કરી, એમના માથે ચૂનો ચોપડી, ગળામાં શાકભાજીનો હાર પહેરાવી ગધેડા પર ઊંધા બેસાડી આખા ગામમાં ફેરવ્યા. છતાં એમનું રૂવાડુંય ન ફરક્યું. એ તો ઘરે જઈ પત્નીને કહે કે, “જમવા માટે શાકભાજી આવી ગયાં, આપણાં લગ્ન વખતે ફુલેકું નહોતુ થયું તે આજે થઈ ગયું, માથાનો ખોડો પણ વગર ખર્ચે મટી ગયો.”
એ મહાત્મા એટલે સંત તુકારામ. તેઓ આવું વર્તી શક્યા, કારણ કે તેઓના શાણપણયુક્ત વિચારો સ્પષ્ટ હતા. મહેલમાં રહેનારને એકાદ દિવસ મચ્છર કરડે તો તે મહેલનો ત્યાગ નથી કરતો. ગાડીનાં વાઈપર ન ચાલતાં હોય તો કોઈ ગાડી નથી ફેંકી દેતું. તેમ આપણે પણ નાનીસરખી વાતનો શોરબકોર કરવાને બદલે વિચારપૂર્વક, જાત પર થોડો સંયમ કેળવી સાચા અર્થમાં જીવન જીવતાં અને માણતાં શીખીએ તો?
એક અંગ્રેજી કાવ્યનો સાર છેઃ આઈ કૅન ટેલ યૂ હાઉ ટુ લિવ બટ ઈટ્સ અપ ટુ યૂ ટુ લિવ ઈટ અર્થાત્ કેવી રીતે જીવવું તેનો બોધ હું આપું, પરંતુ કેમ જીવવું તેનો નિર્ણય તો તમારા હાથમાં છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)