અમેરિકાની અવકાશસંશોધન સંસ્થા નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)નાં અંતરીક્ષયાત્રી, ભારતીય મૂળનાં સુનીતા વિલિયમ્સ ૫ જૂનના રોજ બોઈંગના નવા સ્ટારલાઈનર અવકાશયાનમાં સાથી બચ વિલમોર અંતરીક્ષમાં ગયાં. બંને અવકાશયાત્રીઓ આઠ દિવસમાં સંશોધન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત આવવાના હતા પરંતુ આજ સુધી એ પરત ફરી શક્યાં નથી. અવકાશયાનમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે આમ થયું છે. અનેક શારીરિક-માનસિક વિટંબણા વચ્ચે પણ બન્ને વિજ્ઞાની અવકાશયાત્રી હિંમત હાર્યા ટકી રહ્યાં છે ને સંશોધન કરી રહ્યાં છે. આટલું જ નહીં, પણ હાલ એ જ્યાં છે ત્યાંથી એટલે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી મતદાન કરીને ઈતિહાસ રચશે. સર્વવીદિત છે કે પાંચ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થશે.
હજારો વર્ષ પહેલાં પશુ જેવું જીવન જીવતો માનવ આજે સ્પેસમાં માત્ર સંશોધન કરવા જ જતો નથી બલકે, સ્પેસ ટુરીઝમ કરતો થઈ ગયો. તે સમયથી આજ સુધી જેટલી શોધખોળ થઈ, માનવીની પ્રગતિ થઈ એ એના મગજમાં આવેલા એક વિચારનું, આઈડિયાનું પરિણામ છે. અંગ્રેજ લેખક ડૉ. જૉન રસ્કિને કહેલું કે ‘માનવઈતિહાસ ખરેખર તો વિચારોનો ઈતિહાસ છે.’
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખર વિજ્ઞાની સ્વ. ડૉ.અબ્દુલ કલામ પોતાની આત્મકથામાં જણાવે છે કે, ‘બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનનું આકર્ષણ હતું. બગલા તથા સીગલ પક્ષીઓને આકાશમાં ઊંચે ઊડતાં જોતો ત્યારે મને ઊડવાની ઈચ્છા થતી. હું ભલે ગામડાનો હતો, પણ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું આકાશમાં ઊડીશ. અને ખરેખર રામેશ્વરમાંથી આકાશમાં વિહરનારો હું પ્રથમ છોકરો બન્યો.’
એક પ્રબળ વિચાર વ્યક્તિને કેટલી બળવાન બનાવી શકે છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે જ, કહેવાયું છે કે, જીવન રૂપી ખેતરમાં જેવા વિચારનાં બીજ વાવીએ એવો જ પાક મળે. આંબો વાવો તો આંબો જ ઊગે, બાવળ વાવો તો બાવળ ઊગે. વાવીએ તે જ ઊગે.
મોટા ભાગના લોકો પોતાને સામાન્ય ગણી વિચારવાનું માંડી વાળે છે. જેમણે મૌલિક વિચાર કર્યા છે તે બીજા કરતાં જુદું કરી પ્રગતિ અને સફ્ળતા પામ્યાં.
યુવાનો બીજાની સફ્ળતા કે પ્રસિદ્ધિથી અંજાઈને તેના જેવા બનવાના વિચાર કર્યા કરે છે. ક્યારેક સચિન કે કોહલી, ક્યારેક રોનાલ્ડો તો ક્યારેક બ્રુસ લી, પરંતુ ફૂટબૉલ કે ઘડિયાળના લોલકની જેમ આમથી તેમ ફંગોળાતા પાયા વિનાના વિચાર પાણીમાં દોરડાં વણવા જેવો વ્યર્થ વ્યાયામ સાબિત થાય છે. એક વિચાર પકડી તેના માટે સતત ચિંતનમનન સહિતનો ઉદ્યમ થાય તો જીવનમાં કાંઈક પામી શકાય.
1855માં અમેરિકાના વિસ્કોન્સિનમાં જન્મેલો કૅમ્પ 21 વર્ષનો થયો ને પહેલી નોકરી મળી. સેલ્સમેન તરીકે એણે વિવિધ શહેરોમાં જઈને માલ વેચવાનો હતો. આમ ને આમ 30 વર્ષ બીજાનો માલ વેચી એ કંટાળ્યો. એક દિવસ એને વિચાર આવ્યો કે પોતાનું કામકાજ કરવું અને એવું કંઈ બનાવવું, જે લોકો દર થોડા દિવસે ખરીદ્યા કરે. આ વિશે સતત વિચાર કરતાં એને શેવિંગ બ્લેડ અને હોલ્ડરનો આઈડિયા આવ્યો. આનાથી રોજેરોજ અસ્ત્રાની ધાર કાઢવાની ઝંઝટ છૂટી. વળી બે-ચાર વાર દાઢી કર્યા બાદ નવી બ્લેડ ખરીદવી પડતી એટલે માલ ધૂમ વેચાતો. મિસ્ટર કૅમ્પનું આખું નામઃ કિંગ કૅમ્પ જિલેટ. એણે શોધેલી બ્લેડ અને અન્ય શેવિંગનાં સાધનનું બ્રાન્ડનેમઃ જિલેટ.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે દિલ્હીમાં યમુનાકાંઠે મંદિર કરવું. પોતાના ગુરુનો આ એક વિચાર પ્રમુખસ્વામી મહારાજનું જીવન બની ગયો. વિચારને સાકાર કરવા તેમણે 32 વર્ષ ધીરજ રાખી પ્રચંડ પુરુષાર્થ કર્યો. અલબત્ત, એમાં વિઘ્ન આવ્યાં, પણ એનાથી ડર્યા કે ડગ્યા વિના તેમણે માત્ર વિચાર સમક્ષ જ દૃષ્ટિ રાખી, જેના ફ્ળ સ્વરૂપે આ વિશ્વને દિલ્હી અક્ષરધામ મળ્યું. સારા વિચારોનાં વાવેતર કરી કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)