સફળતા વિશે જાતજાતના ગ્રંથોમાં જાતજાતની ફૉર્મ્યુલા, જાતજાતની વ્યાખ્યા નિષ્ણાતોએ આપી છે, આપતા રહ્યા છે. આપણાં શાસ્ત્રોમાં કર્મનો સિદ્ધાંત વર્ણવવામાં આવ્યો છે. આપણે પુરુષાર્થમાં માનીએ છીએ. બસ, હું તો મારું કર્મ કર્યે જઈશ. બરોબર છે, એમાં કંઈ ખોટું નથી, કશુંક પામવા પુરુષાર્થ જરૂરી છે, પણ કર્મ કરતાં કરતાં, મહેનત કર્યા બાદ એનાં સારાં પરિણામ આવે એ માટે કેવું વલણ રાખવું એ પણ જરૂરી છે.
અમારા ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામી કહેતા કે સફળતાની આડે આવતું જો કોઈ પરિબળ હોય તો એ છે આળસ અને કામની ટાળંટાળ. ધારો કે તમે એમ વિચારો કે, મારે એક કામ કરવાનું યાદ આવ્યું છે. જે દસેક મિનિટ બાદ હું કરી નાખીશ. તો આને કહેવાય આળસ. આને કહેવાય ટાળંટાળ. દસ મિનિટ શું કામ વેડફવાની? અત્યારે જ કેમ નહીં?
1970ના દાયકામાં પ્રમુખસ્વામી દક્ષિણ ભારતનું વિચરણ કરી રહ્યા હતા. એક મધરાતે કોઈમ્બતુર સ્ટેશને એમની ટ્રેન વીસેક મિનિટ મોડી આવવાની હતી, તો પ્લેટફોર્મ પર ટ્રેનની પ્રતીક્ષા કરતાં કરતાં એમણે એમના સેવક સંત પાસે પત્રો માગ્યા. સૌ જાણે છે એમ, પ્રમુખસ્વામી પર દેશ-વિદેશમાંથી સલાહ, માર્ગદર્શન માગતા લાખોની સંખ્યામાં પત્રો આવતા. સ્વામીશ્રી દરેક પત્ર વાંચતા, વંચાવતા અને એમનું માર્ગદર્શન આપતા. તો, કોઈમ્બતુર સ્ટેશને ટ્રેન આવી ત્યાં સુધીમાં એમણે વંચાયા એટલા પત્રો વાંચ્યા. એટલું જ નહીં, એના જવાબ પણ ડિક્ટેટ કરાવી દીધા.
બીજા એક પ્રસંગે મુંબઈના એક જાણીતા ડેન્ટિસ્ટની ઍપોઈન્ટમેન્ટ હતી. સ્વામીશ્રી સમયસર ડૉક્ટરને ત્યાં પહોંચી ગયા, પરંતુ આગલા પેશન્ટને વાર લાગે એમ હતી એટલે ડૉક્ટરે એમને સવિનય પ્રતીક્ષા કરવા કહ્યું. સ્વામીશ્રીએ કહ્યું, “નો પ્રોબ્લેમ.” ડૉક્ટરના વેઈટિંગ રૂમમાં પણ એમણે પત્રો કઢાવ્યા. સેવક સંતે કહ્યું કે “હમણાં પાંચ-દસ મિનિટમાં અંદર જવાનું કહેણ આવશે” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું “હા પણ, પાંચ-દસ મિનિટ તો છેને.” અને એ પાંચ-દસ મિનિટમાં કોઈમ્બુતર સ્ટેશન પર બન્યું એમ જ, 5-6 પત્રો વાંચી એના ઉત્તરની મૌખિક સૂચના આપી દીધી. ત્યાર બાદ એ ડૉક્ટર પાસે ગયા. આ રીતે એમણે એમના જીવનકાળમાં સાત લાખથી વધુ પત્રોના જવાબ આપ્યા, સત્તર હજારથી વધુ ગામડાં ખૂંદ્યાં અને આઠ લાખથી વધુ લોકોને વ્યક્તિગત મળી એમની સમસ્યાના ઉકેલ આપ્યા છે.
કહેવાનો અર્થ એ કે સમયનો બગાડ શા માટે? ઘણા એવા સૂત્રમાં માનતા હોય છે કે ‘આજ કા કામ કલ, કલ કા કામ પરસોં… ઈતની જલદી ભી ક્યા હૈ જબ જિના હૈ બરસોં?’ યાદ રહે, આવતી કાલનું કામ આજે કરવાનો અભિગમ રાખશો તો જ તમે એક ઊંચાઈએ પહોંચી શકશો. બાકી જિંદગી આખી ઢસડબોળા કરીને જ રહી જશો.
મેં જેટલાં પણ મહાન પુરુષોનાં જીવનચરિત્ર વાંચ્યાં એમાં એક કૉમન ફૅક્ટર આ જ રહ્યું છેઃ કાલે જે કરવાનું છે એ આજે કરવું અને, આજે જે કરવાનું છે એ હમણાં જ કરવું. પ્રમુખસ્વામી કે બીજી મહાન વ્યક્તિનો આ જ ગુણ એમને મહાન બનાવે છેઃ એક મીલીસેકન્ડ પણ વેડફવાની નહીં. સમય ન બગડે, કામની ટાળંટાળ ન થાય એના જાતજાતના તરીકા છે. એ વિશે આપણે ફરી ક્યારેક વાત કરીશું.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)