એક સમય હતો જ્યારે ટેલિફોન આપણો કોઈ પડોશીના ઘરે આવતો, એમનો મૂડ હોય તો બાબાને મોકલે તમને બોલાવવા, મૂડ ન હોય તો કહી દે, પછી કરજો. ઘરમાં ફોન મેળવતાં નાકે દમ આવી જતો. એક સમય હતો, જ્યારે સ્કૂટર મેળવવામાં દસ વર્ષ લાગી જતાં. આજે એક ઘરમાં સભ્ય દીઠ ફોન હોય છે, દેશદુનિયામાં ચાહે ત્યારે ફોન, એ પણ મફત, કરી શકે છીએ. એક ઘરમાં બે વાહન સામાન્ય છે.
હજી જરા આગળ વધીને કહીએ તો, પહાડ, ડુંગર કે કુદરતી બખોલ, કોતરમાં વસનારો માનવી આજે ગગનગુહામાં વિસ્તરી રહ્યો છે. એક સમયે ખરી ગયેલાં ફળ ખાઈને જીવન ગુજારનારો માનવી આજે ભાતભાતની વાનગીઓ આરોગી રહ્યો છે. સંદેશવ્યવહાર માટે કબૂતર ઉડાડતો મનુષ્ય આજે એક પળમાં પોતાનો અવાજ દરિયાપાર પહોંચાડી રહ્યો છે. એક સમય હતો, જ્યારે માણસ માટે પોતાનું ગામડું એ જ એની દુનિયા હતી. આજે માનવપરિવર્તનોએ દુનિયાને ગામડામાં પરિવર્તિત કરી દીધી છે. જગતભરમાં લાખો લોકો દરરોજ ઊડાઊડ કરે છે.
સારી વાત છે, પરિવર્તન એ તો સંસારનો નિયમ છે, પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ પરિવર્તનોની પરંપરાનું પરિણામ માણસ માટે માઠું આવ્યું હોય એવું તો નથીને? પરિવર્તનનો પવન ફૂંકવા પાછળ માનવીનો હેતુ હતો સુખી થવાનો, નિરાંત અને હાશ અનુભવવાનો, પરંતુ તેના બદલે માનવજાતે કંઈ બીજું તો વહોરી નથી કરી લીધુંને?
મહાનની કક્ષામાં આવતા અમેરિકન કવિ, નિબંધકાર, પ્રકાશક, નાટ્યકાર ટી. એસ. એવિયેટ કહેતા કે “વ્હૉટ ડીડ ટ્વેન્ટી સેન્ચુરીઝ ડુ? એન્ડલેસ ઈન્વેન્શન, એન્ડલેસ એક્સપરિમેન્ટ, બ્રિંગ્ઝ નૉલેજ ઑફ મોશન, બટ નૉટ ઑફ સ્ટિલનેસ. ઑલ અવર નૉલેજ બ્રિંગ્ઝ અસ નીઅરર ટુ ઈગ્નોરન્સ. ઑલ અવર ઈગ્નોરન્સ બ્રિંગ્ઝ અસ નીઅરર ટુ ડેથ ઍન્ડ નીઅરર ટુ ડટ” અર્થાત્ અઢળક શોધખોળ, જાતજાતનાં સંશોધનોએ આપણને ગતિનું જ્ઞાન જરૂર આપ્યું, પરંતુ સ્થિરતાનું નહીં. બલકે આપણું સઘળું જ્ઞાન આપણને વિનાશની નજીક લઈ આવ્યું છે.
હા, પરિવર્તનોએ દુનિયાને નાની બનાવી, પણ સામે પ્રશ્નોને વિકરાળ કરી મૂક્યા છે. આવું શાથી બન્યું ? ખાટલે મોટી ખોડ ક્યાં રહી ગઈ? એક જવાબ છે: પરિવર્તનના પ્રથમ પગલાંની પસંદગીમાં માણસ ગોથું ખાઈ બેઠો.
સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે “કેવળ રાફડા પર લાકડી પછાડવાથી અંદરના સાપને હણી શકાતો નથી.” એવી જ રીતે ભીતરની શાંતિ અને જપ જોઈતાં હોય તો માત્ર બાહ્ય પરિવર્તનોથી કાંઈ જ નહીં વળે. આપણે જ્યારે રાફડા પર લાકડી પછાડીએ છીએ ત્યારે દરમાં ભરાઈ રહેલા સાપને કંઈ અસર થતી નથી. એ તો નિરાંતે પડ્યો રહે છે. તેમ માણસ કપડાં બદલે, વાહનો બદલે, ખાવાની વાનગીઓ બદલે- પરંતુ આવાં અનંત બાહ્ય પરિવર્તનોથી એની અંદરની અશાંતિને કોઈ ફરક નથી પડવાનો. અંદરની અશાંતિને હડસેલો મારવા માટે અંદરથી પરિવર્તિત થવું પડે.
અંદરનું પરિવર્તન એટલે આપણાં સ્વભાવોનું પરિવર્તન. આપણા અભિગમ અને દૃષ્ટિકોણનું પરિવર્તન. 2024માં આવો જ એક અભિગમ બદલવાનું વિચારીએ. એક બહુ જાણીતી ઉક્તિ છેઃ અડધા ભરેલા ગ્લાસને જે અડધો ખાલી જોશે તેને અધુરપની અનુભૂતિ થશે, કંઈક ગુમાવ્યાની લાગણી અનુભવાશે, પરંતુ જો અડધો ભરેલો જોશે તો કંઈક પામ્યાનો આનંદ મળશે. ગ્લાસની જેમ માણસો પણ ઘણી વાર થોડા ભરેલા અને થોડા ખાલી હોય છે.
આપણે પણ પોતીકાં વલણો, અભિગમોને સ્વચ્છ કરીએ. જરૂર પડ્યો એને બદલીએ આપણી દષ્ટિ બદલીએ, બદલીએ, કારણ કે આપણી અણસમજ કે અધૂરી સમજને ફગાવી દેવામાં કદી મોડું થતું નથી. એક કવિએ સાચું જ કહ્યું કેઃ “સોચ કો બદલો, સિતારે બદલ જાયેંગે. નજર કો બદલો, નઝારે બદલ જાયેંગે. કશ્તિયાં બદલને કી જરૂરત નહીં, મેરે દોસ્ત… દિશા કો બદલો કિનારે બદલ જાયેંગે.”
નૌકા બદલવાની જરૂર નથી, બસ, એની દિશા બદલશો તો કિનારો મળી જશે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)