કિસ્સો જરા જૂનો છે, પણ આજે મારે જે કહેવું છે એ માટે ઉલ્લેખ જરૂરી છે. નેપાળના યુવરાજ દીપેન્દ્ર ત્યાંના પશુપતિ શમશેર જંગ બહાદુરની પુત્રી દેવયાની સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ દીપેન્દ્રનાં રાજમાતાને આ સંબંધ મંજૂર નહોતો. આથી ગુસ્સે ભરાઈને દીપેન્દ્રે નજીક ઊભેલા સિક્યૉરિટી ગાર્ડની મશીનગન લઈ માતા-પિતા, ભાઈઓ સહિત આઠ જણની હત્યા કરી. પછી પોતાના લમણામાં ગોળી મારી છેલ્લો શ્વાસ લીધો.
ભૂતકાળમાંથી હવે વર્તમાનમાં આવી જઈએ. સોમવાર, 15 મેની સમી સાંજે મુંબઈમાં બે મિત્રો સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી પૂરપાટવેગે આવતી કાર એમને ઓવરટેક કરી આગળ નીકળી ગઈ. મિત્રો હેબક ખાઈ ગયા. જો કારવાળાની જરીક ગફલત થાત તો સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો હોત. આગળ જઈ મિત્રોએ પેલા કારવાળાને જેમતેમ રોકી આવી સ્પીડે ને બેદરકારીથી કાર ચલાવવાનું કારણ પૂછ્યું. બન્ને કંઈ સમજે એ પહેલાં તો કારચાલકે સ્ટીલના સળિયાથી મિત્રો પર હુમલો કર્યો. આટલું જ નહીં, પણ ખીસામાંથી ગન કાઢી બન્નેને મારી નાખવાની ધમકી પણ આપી.
ઉપરોક્ત પ્રસંગોમાં કારણ સામાન્ય છે, પણ પરિણામ અસામાન્ય. કારણઃ સહનશક્તિનો અભાવ. મુંબઈના કિસ્સામાં કારચાલકે પેલા સ્કૂટરવાળાને એક જ શબ્દ કહેવાનો હતોઃ સૉરી. એના બદલે વાતનું વતેસર થયું, કારચાલકની દાદાગીરીનો વિડિયો વાઈરલ થયો, પોલીસે એની અરેસ્ટ કરી, મામલો કોર્ટમાં ગયો, જ્યાં અમુક હજાર રૂપિયા ભરી કારચાલકે જામીન મેળવ્યા. હવે કેસ ચાલશે.
અહીં જરા અટકીને એ વિચારીએ કે જીવનમાં બનતી નાની-મોટી ઘટના વખતે લીધેલા આવા ઘાતક નિર્ણયથી આપણે પ્રશ્નને ઉકેલતા નથી, પરંતુ વધુ જટિલ બનાવીએ છીએ. તે વખતે જરૂર હોય છે સહનશીલતા, જેની આજે ચોમેર અછત વરતાય છે.
અમદાવાદની ફૅમિલી કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી.ડી. સોની પચીસ વર્ષનો જાતઅનુભવ વર્ણવતાં કહે છે કે, “પરિવારમાં ઊભી થયેલી તિરાડ અને લગ્નજીવન તૂટવાનું કારણ છે સહનશક્તિ અને સમજણશક્તિનો અભાવ.”
બૉક્સિંગની રમતના જાણકારો કહે છે કે, બૉક્સિંગમાં તમે કેટલા જોરથી મુક્કા મારો છો તેના કરતાં પ્રતિસ્પર્ધીના મુક્કા સહન કરીને કેટલું ઝઝૂમો છો તે અગત્યનું છે. એ જ રીતે મુશ્કેલી-મુસીબતના મુક્કા સામે સમજણ સાથેની સહનશીલતા જ આપણને લડતાં-ઝઝૂમતાં શીખવે છે, જે મહાન પુરુષો-સાધુસંતોનાં જીવનમાં જોવા મળે છે.
વ્યક્તિના પોતાના શારીરિક, આર્થિક, પારિવારિક કે સામાજિક પ્રશ્નોમાં એણે દાખવેલી સહનશક્તિથી તેના સંસ્કાર અને સજ્જનતાની કિંમત અંકાય છે. સામાન્ય રીતે માણસ સહન તો કરતો જ હોય છે, પણ ગરજથી કે મજબૂરીથી, જ્યારે મહાન પુરુષો સહન એક ચોક્કસ સમજણ સાથે કરતા હોય છે.
એક વાર સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથે બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યાઃ “મારા જીવનમાં ખૂબ દુઃખ છે. ઘડીએ ઘડીએ આનંદ છીનવાઈ જાય છે, આનંદ કેવી રીતે આવે?”
પ્રત્યુત્તરમાં પરમહંસજી કહેઃ “મને બીજું કાંઈ આવડતું નથી. કેવળ કક્કો આવડે છે. કક્કામાં ‘સ’ ત્રણ પ્રકારના આવે છે, જે સદા આનંદમાં રહેવાની ચાવી આપે છેઃ સહન કરો, સહન કરો, સહન કરો. આ જ સુખશાંતિનો ઉપાય છે.”
તો, જીવનનાં ૯૧ વર્ષ જેમણે સમાજના નૈતિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અવિરત વિચરણ પાછળ ગાળ્યાં તેવા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ખભો એક વાર સખત દુખતો હતો. સંતોએ પૂછ્યું કે, “આ સહન કઈ રીતે કરો છો?” આ સવાલના જવાબમાં તેમની શિરમોડ સહનશીલતા પાછળની ઊંચી સમજણનો સૌને પરિચય થયો. તેમણે જણાવ્યું કે, “રડવાથી દુઃખ ઓછું ન થાય અને બીજાને કહેતાં ફરીએ એમાં બમણું થાય. કેમ કે સાંભળનારને પણ દુઃખ થાય. એકમાત્ર ઉપાય છે શાંતિથી સહન કરવું. અવસ્થા થઈ એટલે આવું તો રહેવાનું જ. ભગવાનની ઈચ્છા સમજીને રાજી રહેવું એ સમજણ રાખીએ તો વાંધો ન આવે.”
સમજણ સાથે સહન કરવું તે આધ્યાત્મિક ગુણ છે અને એટલે જ તેને શિરમોડ સહનશીલતા કહેવાય છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)