આજકાલ છાપાં ઉઘાડતાં કમસે કમ એક સમાચાર યુવાવયે હાર્ટ અટેક અથવા અન્ય રોગથી થયેલા મૃત્યુ વિશે વાંચવા મળે છે. આજના આધુનિક યુગમાં મનુષ્યમાત્ર વધતી જતી બીમારીઓનો સામનો કરી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના કહેવા મુજબ, વર્ષે ૨૦ કરોડ લોકોને મેલેરિયા થાય છે. આહાર અને જીવનશૈલી સંબંધિત બીમારીઓમાં, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા રોગો દરરોજ લાખો લોકોને અસર કરે છે. દુનિયાના વિવિધ દેશો મળીને આરોગ્ય પર વર્ષે આશરે ૯.૮ ટ્રિલિયન ડૉલર ખર્ચ કરે છે.
નવા જમાનાના નવા નવા રોગો માટે આજે જાતજાતની નવી દવા-ગોળી-ટેબ્લેટ્સ મળે છે. અલબત્ત, માંદા પડીએ તો સાજા થવા માટે દવા લેવામાં કંઈ ખોટું નથી. આપણા નિરામય સ્વાસ્થ્ય માટે નવી નવી દવા, ઉપચાર શોધાય તે પણ મહત્ત્વનું જ છે, પરંતુ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિના આયુર્વેદના પ્રણેતા મહર્ષિ ચરક કહે છે કે ઉપવાસ એ જ પરમ ઔષધ છે.
મૉડર્ન મેડિકલ સાયન્સે પણ ઉપવાસને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્વીકાર્યો છે. અમેરિકાના કેન્સર સ્પેશિયલિસ્ટ ડૉ. હેઝાર્ડ નોંધે છે કે “કેન્સરની ગાંઠ રૂપે કે અન્ય રીતે જમા થયેલા વિષદ્રવ્યનું ઉપવાસ દરમિયાન વિસર્જન થતાં ઝેર બહાર ફેંકાય છે.” તો અમેરિકન હાર્ટ ઍસોસિએશનના ડિરેક્ટર ડૉ. બેન્જમિન હોમ પોતાના સંશોધનના અંતે કહે છે કે “ઉપવાસ કરનારી વ્યક્તિમાં હ્રદયરોગનું નિદાન થવાની શકયતા 39% જેટલી ઓછી છે.”
ઉપવાસ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે જ, પરંતુ ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક સંસ્કૃતિ છે તેથી ઉપવાસનો મહત્ત્વનો હેતુ આધ્યાત્મિક માર્ગે પ્રગતિનો પણ છે.
આપણા વિવિધ પર્વો વિષેના ગ્રંથ ‘જીવતા તહેવારો’માં કાકા સાહેબ કાલેલકર પણ લખે છેઃ “ઉપવાસ એટલે પરમાત્માની નજીક રહેવું. પરમાત્માની સંન્નિધિ અનુભવવી. જે સતત ઈન્દ્રિયોને તૃપ્ત કરવા બેસે છે તે ઈશ્વરની સંન્નિધિ અનુભવી ન જ શકે.”
જ્યાં સુધી દેહનું બળ ક્ષીણ ન થાય ત્યાં સુધી અંતરના વિકારો કામ, કોધ, લોભ વગેરે પાછા પડશે નહીં. માટે જેને આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી હોય તેને ઠેઠ દમન કર્યા વગર છૂટકો જ નથી. ભગવાન સ્વામિનારાયણ પોતાના પરમહંસો પાસે આકરાં તપ, વ્રત કરાવતા. આનો મર્મ સમજાવતાં કચ્છમાં તેમણે સંતોને કહ્યું હતું કે અમે આ નિયમો માત્ર તપ માટે નહીં, પણ દેહના ભાવથી પર થઈ આત્માનો ભાવ પમાડવા માટે આપ્યા છે. વ્રત, ઉપવાસ એ દેહના ભાવથી પર થઈ આત્મભાવ પામવાનું પ્રથમ પગથિયું છે. આ આત્મભાવ અને બ્રહ્મભાવ પામ્યા પછી જ મુમુક્ષુ પરાની યથાર્થ ભક્તિ કરી પરમાત્માના શાશ્વત સુખને માણી શકે.
દેહદમન ઉપરાંત ઉપવાસથી બીજો લાભ છે મનોબળની સુદ્રઢતા. આજે મનોબળ નિર્બળ બનતા સમાજમાં લાખો લોકો માનસિક બીમારીઓથી પીડાય છે. ડબ્લ્યુએચઓ અનુસાર આશરે ૨૬ કરોડ લોકો વિશ્વભરમાં સ્ટ્રેસ અથવા ડિપ્રેશનના શિકાર છે અને દરરોજ હજારો નવા કેસ નોંધાય છે. ધર્મ અને માનસશાસ્ત્રના અભ્યાસી ડેવિડ બ્રૂક્સ કહે છે, કડક વ્રત નિયમો જે સંપ્રદાયમાં છે તેના અનુયાયીઓ કડક વ્રતપાલનથી સ્વનિયંત્રણ કરી જાણે છે. આવી વ્યક્તિઓ માનસિક રીતે મજબૂત બને છે અને બીજા કરતાં વધાકે સારાં કાર્ય કરી શકે છે. એક વિશ્વવ્યાપી વિરાટ સંસ્થાના પ્રમુખ તરીકે પ્રમુખસ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે પોતાની પધરામણી, મુલાકાત, મિટિંગોના પોતાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે પણ વર્ષો સુધી નિર્જળ ઉપવાસ કર્યા છે. તેમનાં જીવનમાંથી પ્રેરણા લઈ આજે હજારો ભકતો વિશિષ્ટ તપ વ્રત ઉપવાસ કરે છે.
આપણે સૌ પણ આપણા નિરામય સ્વાસ્થ્ય માટે, મજબૂત મનોબળ માટે અને અધ્યાત્મમાર્ગે પ્રગતિ કરવા અનેકવિધ પ્રયત્ન કરીએ જ છીએ, પરંતુ ઉપવાસ રૂપી ઔષધીને અજમાવવામાં ખોટું તો નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)