દેખાવ નહીં, આચરણ બોલશે

ગાંધીજી ઈંગ્લાંડમાં રાજાના મહેલમાં જતા હતા. તન પર જાડી ધોળી શાલ, પોતડી ને ચંપલ. પત્રકારોએ પૂછ્યું, તમે આ કપડાં પહેરીને રાજાને મળવા જશો? ત્યારે ગાંધીજીએ કહ્યું, રાજાએ પણ બે માણસનાં કપડાં પહેર્યાં હશેને. ગાંધીજીની સેન્સ ઑફ હ્યુમર સારી હતી, પણ ઉક્ત પ્રસંગમાંથી એમની સાદગી નીતરે છે.

એક પ્રસિદ્ધ સંસ્કૃત ઉક્તિમાં કહ્યું છેઃ ‘પ્રયોજનોમનુદ્દિશ્ય મન્ડોપિ પ્રવર્તતે’ અર્થાત્ ઉદ્દેશ વિના મનુષ્યમાત્ર કંઈ કરતો નથી. એની સાહજિક ક્રિયા પાછળ પણ કોઈ ને કોઈ વિચાર છુપાયેલો હોય છે. વિચારવું અને વર્તવું આ બે માનવીનાં આગવાં અંગ છે અને ત્યાં જ પોતે અન્ય જીવ-પ્રાણી કરતાં જુદો જણાય છે. પશુ, પક્ષી કે પ્રાણીઓને માત્ર સ્વરક્ષણ અને સ્વપોષણના જ વિચારો આવે છે, જ્યારે માણસની વૈચારિક શક્તિ અમાપ છે. આથી જ કહેવાય છે કે ‘મૅન ઈઝ ઍન ઈન્ટલેક્ચ્યુઅલ ઍનિમલ…’

અગાધ વૈચારિક શક્તિ સાથે માણસની બીજી એક વિશેષતા અહંભાવઃ ‘હું કેવો દેખાઈશ. મારા વિશે લોકો શું વિચારશે?’ આ બાબતનું નિરંતર અનુસંધાન તેને રહે છે, તે લોકોનાં મનમાં પોતાની સારી છાપ પાડવા માટે મથતો રહે છે. પરિણામે માણસ ઘણી વાર મનમાં કંઈક જુદું હોય, છતાં સારું વર્તન દેખાડવાનો ડોળ કરતો રહે છે. દુષ્ટ વિચારો હોવા છતાં જાહેરમાં સારા વિચારો પ્રદર્શિત કરવા અને અયોગ્ય ક્રિયા હોવા છતાં જાહેરમાં સારી ક્રિયા દેખાડી વાહવાહ મેળવવાનો દંભ મનુષ્યને શિખવાડવો નથી પડતો. આવા દંભી માણસોને સતત ભયમાં જીવવું પડે છે, તેનું મન સતત ઉદ્વિગ્ન અને અશાંત રહે છે, પરંતુ મહાન પુરુષોની વાત જુદી છે, તેઓ દંભ-દેખાડાથી દૂર રહે છે. અને એ જ સાચી મહાનતા છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે ‘મનસ્યે વચસ્યેકં કર્મણ્યેકં મહાત્મનામ્’ અર્થાત્ જેવાં વિચાર એવી વાણી અને જેવી વાણી એવું જ વર્તન એ મહાપુરુષોનું લક્ષણ છે. સામા પક્ષે વિચારે કંઈક જુદું, બોલે કંઈક જુદું અને કરે તો કંઈક તૃતીયમ્ જ એ દુષ્ટોનું લક્ષણ છે.

આનો અર્થ એવો નથી કે દુષ્ટ વિચારો હોય તો નિર્દંભપણે દુષ્ટ આચરણ પણ કરવા મંડવું. સુધારાની શરૂઆત આચરણની શુદ્ધિથી કરવી પડે.

એક વાર એક યુવાન વિદ્યાર્થીએ ફ્રેન્ચ વૈજ્ઞાનિક અને તત્ત્વચિંતક બ્લેઈસ પાસ્કલને પૂછ્યું, ‘જો મારી પાસે તમારા જેવા વિચારો હોય, તો હું પણ સારો માણસ બની શકું?’

જવાબમાં પાસ્કલે કહ્યું: ‘તું સારો માણસ બન, તો તારી પાસે મારા જેવા સારા વિચારો અને જ્ઞાન આવી જશે.’

ક્રમ એવો છે કે એક સારો વિચાર શુદ્ધ આચરણને પ્રેરે અને પછી શુદ્ધ આચરણ બીજા સારા વિચારોને ખેંચી લાવે!

શુદ્ધ વર્તન ઉપર લોકલાજ કે ટીકાટિપ્પણી કદી અસર ન જમાવે. શુદ્ધ વર્તન એટલે ખુલ્લી કિતાબ જેવું સંપૂર્ણ જાહેર, એકાંતશૂન્ય અને પવિત્ર જીવન. દિવસ હોય કે રાત, ભોજન હોય કે આરામ એક રહેણીકરણી, કોઈ દંભ નહીં. મહાપુરુષોની આ એક સાહજિક વિશેષતા છે.

૧૯૮૦માં ડૉ. અબ્દુલ કલામ દ્વારા મિસાઈલ સફ્ળતાપૂર્વક લૉન્ચ થયા બાદ તેમના ઉપર ગણિતશાસ્ત્રી બાહોશ ઍરોસ્પેસ એન્જિનિયર પ્રોફેસર સતીશ ધવનનો સંદેશો આવ્યોઃ ‘વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અભિનંદન આપવા આપને દિલ્હી બોલાવે છે.’ કલામ પોતાનાં રોજિંદાં કપડાં અને સાદાં સ્લીપર પહેરીને જ બહુમાન મેળવવા પહોંચ્યા.

શુદ્ધ વર્તનમાં કોઈ ઠાઠમાઠ કે કોઈને આંજી નાખવાની વાત ન આવે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક વ્યક્તિએ પૂછ્યું, ‘આપ એક વિશ્વવ્યાપી સંસ્થા ચલાવો છો, તેના આયોજન માટે આપની કોઈ અંગત ડાયરી છે?’ સ્વામીશ્રી કહે, ‘કોઈ અંગત ડાયરી નહીં. આખું જીવન જગજાહેર. જેને પ્રાઈવેટ હોય તેને ઉઘાડું થવાનો ભય હોય.’

જીવન એવું હોવું જોઈએ કે એ આપણા અને આપણા પરિવાર માટે સુખદાયક હોય, જેમાં કપટ કે દંભ ન હોય, જેમાં કોઈને દુઃખી કરવાની ભાવના ન હોય, લાખો લોકો માટે પ્રેરણા રૂપ હોય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)