પંદર મહિનાની ભીષણ લડાઈ બાદ ગયા મહિને ઈઝરાયલ-હમાસે ગાઝામાં યુદ્ધવિરામ લીધો, જ્યારે રશિયા-યુક્રેનની લડાઈને ત્રણ વર્ષ થયાં, જેમાં હજારો નિર્દોષ માર્યા ગયા. જગતના માંધાતા ગણાતા દેશ આ વિસ્તારોમાં શાંતિ સ્થાપવાના અથાક પ્રયાસ કરી રહ્યા છે.
યુદ્ધ શબ્દ સાંભળતાં જ આપણને મહાભારતના યુદ્ધની કે ભારત-પાકિસ્તાન કે ફર્સ્ટ વર્લ્ડ વૉર કે સેકન્ડ વર્લ્ડ વૉર યાદ આવે. જો કે આ બધાં યુદ્ધો તો એક સમયે સમાપ્ત થયાં, પરંતુ એક યુદ્ધ એવું છે, જેનો ક્યારેય અંત આવતો નથી. એ છે આપણી અંદર ચાલતું મન સાથેનું યુદ્ધ.
ઈશ્વર જ્યારે મનુષ્યને આ પૃથ્વી પર મોકલે છે ત્યારે એની સાથે જાતજાતની ઈચ્છા, અપેક્ષા, સપનાં પણ મોકલે છે. આ બધાંની સાથે ઈશ્વર માણસની અંદર તરવરાટ, બુદ્ધિ, શક્તિ, ઉત્સાહનો ધસમસતો પ્રચંડ પ્રવાહ પણ મૂકે છે, પરંતુ મન રૂપી શત્રુ એને લક્ષ્ય સુધી પહોંચવા દેતો નથી. રાત્રે નક્કી કરે કે સવારે વહેલા ઊઠવું જ છે, પણ ઍલાર્મ વાગે ત્યાં મન એને ઊઠવા નથી દેતું, પાંચ-દસ મિનિટમાં કંઈ ખાટુંમોળું નથી થવાનું. સૂઈ રહે. મનની આ યુક્તિથી છેતરાઈને એ કલાક ખેંચી નાખે છે.
કોણ છે એ જે સંકલ્પ લેતી વખતે આડો આવીને ‘આજે નહીં, આવતી કાલથી…’ એમ કહીને છેતરી જાય છે? વજન ઉતારવા પરેજી પાળે છે ને બુફેની ડિશમાં બે મીઠાઈ, બે ફરસાણ, લાઈવ પિઝા આવતાં જ સંકલ્પ હવામાં ઓગળી જાય છે. એ છે, જે શુભ સંકલ્પને પરાસ્ત કરતાં કહે છેઃ ‘આજે ખાઈ લે, પછી કાલથી જોઈ લઈશું,’ પણ એ કાલ આવતી જ નથી.
આટલું વાંચીને તમને થશે કે આ તો મારી જ વાત. હા, આપણો શત્રુ આપણી અંદર જ છે. જે સતત આપણી પ્રગતિને રૂંધી રહ્યો છે, આપણને નીચે તરફ ખેંચી રહ્યો છે. આપણી પાયમાલી જ તેનું લક્ષ્ય છે. આ છે મન સાથેનું યુદ્ધ. ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનામૃતમાં આ બાબતનો ઉલ્લેખ કરતાં કહે છે કે, જેણે મન જીત્યું, તેણે જગત જીત્યું.
જો તમારે જિંદગીની બાજી જીતવી હશે તો પહેલાં જાત સાથેનું યુદ્ધ જીતવાથી શરૂઆત કરવી પડશે, બહારના શત્રુઓ માટે જેટલા ગંભીર છીએ તેટલા અંદરના, મનના શત્રુ સામે લડવા થવું પડશે. પ્રતિ ક્ષણ ખેલાતા આ આંતરિક યુદ્ધમાં જીતતા જશો તો બહારની દુનિયામાં તમારો વિજય નિશ્ચિત છે.
એવું નથી કે સફળ માણસોને વહેલા ઊઠવું, એક્સરસાઈઝ કરવી, સારાં પુસ્તકનું વાંચન કરવું, મહેનત કરવી, વગેરે બહુ ગમતું હોય છે. તકલીફ તો તેમને પણ પડે છે, પરંતુ જાત ઉપર કઠોર થઈને તેઓ મનનું ધાર્યું થવા દેતા નથી.
તમે સવાલ કરશો કે, મન સામે લાચારીની હકીકત અમે જાણીએ છીએ, પણ આ યુદ્ધમાં વિજય કેવી રીતે પ્રાપ્ત થાય? જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે કૌન્તેય, અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ કરી શકાય છે.
અભ્યાસ એટલે લક્ષ્ય તરફ દોરી જતી સારી ટેવોનું, કાર્યોનું પુનરાવર્તન અને વૈરાગ્ય એટલે લક્ષ્યથી વિચલિત કરતી વસ્તુઓથી દૂર રહેવું. આ રહસ્ય છે મનને જીતવાનું, જિંદગીને જીતવાનું. Change your Habits, Change your Life પુસ્તકમાં ટોમ કોર્લી નામના લેખકે 233 જાતમહેનતે ધનાઢ્ય બનેલી 233 વ્યક્તિનાં જીવનનો પાંચ વર્ષ અભ્યાસ કરીને ચેન્જ યૉર લાઈફ નામનું પુસ્તક પ્રકાશિત કરેલું. એ કહે છે કે આ બધા લોકોનાં જીવનમાં ચાર બાબત સમાન જોવા મળીઃ નિયમિત સવારે વહેલા ઊઠવું, નિયમિત એક્સરસાઈઝ કરવી, નિયમિત વાંચન કરવું અને માત્ર ટાઈમ બગાડે એવી ચીજોથી દૂર રહેવું. આ તારણ શ્રીકૃષ્ણ ભગવાને બતાવેલા રહસ્યની સાક્ષી પૂરે છેઃ સતત અભ્યાસ અને ધ્યેયથી દૂર લઈ જતાં પરિબળોથી વૈરાગ્ય.
ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે, દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે.’
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
