આજે ઈઝરાયલ-હમસ વિગ્રહ એના ચરમ પર છે ત્યારે ફિલૉસૉફર, રાજકારણી અને મુત્સદ્દી, સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વિધાન યાદ આવે છેઃ મૅન હૅઝ લર્ન્ટ ટુ સ્વિમ લાઈક અ ફિશ ઈન વૉટર, હી હૅઝ લર્ન્ટ ટુ ફ્લાય ઈન સ્કાય ઍઝ અ બર્ડ, બટ હી ડિડન્ટ લર્ન ટુ વૉક લાઈક અ હ્યુમન બીઈંગ… ધિઝ ઈઝ ધી એજ ઑફ ગાઈડેડ મિઝાઈલ્સ ઍન્ડ મિસગાઈડેડ મૅન અર્થાત્ અવનવી શોધખોળ અને સુવિધાસજ્જ માળખા રચીને માણસ નામદામ તો ખૂબ કમાયો, જંગી સ્ટીમરમાં બેસીને દરિયા ઓળંગતો થયો, વિરાટ વિમાનમાં બેસીને ગગનગામી થયો, પરંતુ પોતે જ શોધેલાં સરંજામને કેવી રીતે વાપરવાં એનું મૅન્યુઅલ કદાચ વાંચવાનું ભૂલી ગયો.
એક વાતનો વિચાર કરીએ કે, બૉમ્બ, મિસાઈલ્સ જેવાં આધુનિક, પણ ઘાતક શસ્ત્રો બનાવનારા કંઈ અશિક્ષિત નથી. એમણે વિશ્વનાં શ્રેષ્ઠ કહેવાય એવાં વિદ્યાધામોમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય છે, પરંતુ માહિતી અને જ્ઞાનને સત્કાર્યમાં વાપરવાને બદલે માત્ર પોતાની કીર્તિ કમાવા પાછળ જ ખર્ચે તો એ વિનાશ નોતરી શકે. આવું ન બને તે માટે રોજ સવારે ઊઠીને એક વિચાર કરવોઃ ખરેખર અગત્યનું શું છે?
દરરોજ સવારે ઊઠીને ખાવું-પીવું, બેસવું-ચાલવું, વૉટ્સઍપ ચેક કરવા, ફૉરવર્ડ કરવા, કામ-ધંધો કરવો, સંબંધ વધારવા એટલું જ જો માણસને કરવાનું હોય તો એ ઍનિમલ લાઈફ થઈ. મોડી રાતે રસ્તા પર બે કૂતરાં રોટલાના ટુકડા માટે ઝઘડે અને સવારે કૉર્પોરેટ ઑફિસના ૩૫મા માળે બેસીને માણસ અડધો એકર જમીન માટે લડે- બંનેની વૃત્તિ તો એક જ થઈને?
સત્તા-સંપત્તિ અને ભોગવિલાસથી સમૃદ્ધ બનવું એ આપણી સાચી ઓળખ નથી. પ્રાયઃ નામના મેળવ્યા બાદ માણસ સ્વછંદ સ્વાભિમાન-સ્વમહત્ત્વકાંક્ષામાં રાચ્યા કરે, તેથી પોતાના કાર્ય પ્રત્યેની કર્તવ્યનિષ્ઠામાં આકસ્મિક રીતે ઘટાડો નોંધાવા લાગે છે, કારણ કે હવે તેણે સ્વમાં જ પૂર્ણ સંતોષ માની લીધો છે, જે તેની પ્રગતિ ઉપર રોક લગાવી દે છે. માણસને પ્રસિદ્ધિના નશામાંથી છોડાવવા ઈશ્વર તેના કાર્યમાં નિષ્ફળતાનાં બમ્પર મૂકે છે, જે ખૂબ જ જરૂરી હોય છે. આનાથી એ પોતાના કાર્યમાં સાચી સમજણ શીખે છે.
અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન્! અર્જુને કર્મફળપ્રદાતા ઈશ્વરને માનીને પોતાનું કર્તવ્ય દઢપણે બજાવ્યું તો આજે ભગવાન શ્રીકૃષ્ણની સાથે અર્જુનને કરોડો લોકો પૂજે છે. મહાપુરુષોનાં જીવનમાંથી એક નિષ્કર્ષ ચોક્કસ નીકળે છે કે, ઈન્સ્ટેડ ઑફ નેમ, ધે ઑલ્વેઝ ગો ફૉર ઑનેસ્ટ ઍન્ડ એથિકલ હાર્ડવર્ક અર્થાત્ આ લોકોએ નામદામને ગૌણ ગણીને ઈમાનદારીથી થતા અથાગ પરિશ્રમને મહત્વ આપ્યું.
અમેરિકાના લોકપ્રિય અને પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ વૉશિગ્ટન એક વાર પોતાની ઑફિસમાં એક બહુ મોટી પોસ્ટ માટે અથવા બહુ મોટા પદ માટે લાયક વ્યક્તિની નિમણૂક કરવા માટે સેક્રેટરીએ એમની સમક્ષ મૂકેલાં નામનું લિસ્ટ વાંચતા હતા. એ યાદીમાં એમના એક ખાસ મિત્રનું નામ આવ્યું. બધાને થયું કે સાહેબ એને જ પસંદ કરશે, પરંતુ લિસ્ટમાં આગળનાં નામો જોતાં બીજી એક વ્યક્તિનું નામ આવ્યું. આ એ વ્યક્તિ હતી, જેણે શ્રીમાન જ્યૉર્જ વૉશિંગ્ટનનો વિરોધ કરવાની એક પણ તક જતી કરી નહોતી. આમ છતાં એ વાત પર, પોતાના અંગત ગમા-અણગમા પર ધ્યાન ન આપતાં એમણે પોતાના વિરોધીની કર્તવ્યનિષ્ઠા પર નજર રાખીને એની જ પસંદગી કરી. આજે પણ એક સફળ રાષ્ટ્રપતિ તરીકે જ્યૉર્જ વૉશિંગ્ટનને લાખો લોકો યાદ કરે છે.
આવા જ એક અન્ય અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગનના કહેવા પ્રમાણે ‘જો માણસ કાર્યનો યશ કોને મળશે? એનો વિચાર ન કરે તો તેની પ્રગતિની સીમા નથી.’ આવા આદર્શો આપણને સદગુણયુક્ત સત્કાર્યો કરવા પ્રેરે છે, નામ તો નિમિત્ત માત્રની ઓળખ છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)