તમે ભૂલ કરી છે જીવનમાં? ભૂલ કોઈ કરતું નથી હોતું, ભૂલ થઈ જતી હોય છે. એવું કોઈ પણ કાર્ય સંભવ નથી જે સંપૂર્ણ હોય, જેમાં કોઈ ભૂલ ન હોય! ચોક્સાઈની માત્રા ભિન્ન ભિન્ન હોય, કોઈ કૃત્યમાં ૮૦% ચોકસાઇ હોય, કોઈ કૃત્યમાં ૯૦% ચોકસાઇ હોય! કોઈ કૃત્યમાં ૧% જેટલી જ ભૂલ રહી ગઈ હોય, પરંતુ સાવ ભૂલ વગરનું કોઈ જ કાર્ય હોઈ શકે નહીં. એક સમજદાર વ્યક્તિ હમેશા પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. અને એક મૂર્ખ વ્યક્તિને પોતાની ભૂલ દેખાતી જ નથી. ગમે એટલી મોટી ભૂલ હોય છતાં પણ એક મૂર્ખ વ્યક્તિ પોતાની ભૂલ જોઈ જ શકતી નથી અને બીજું કોઈ આવી વ્યક્તિને તેની ભૂલ દર્શાવે તો પણ તે પોતાનો બચાવ જ કરે છે. સમજદાર પોતાની ભૂલ સ્વીકારે છે, મૂર્ખને પોતાની ભૂલ દેખાતી જ નથી.
પરંતુ ઘણી વખત એમ પણ બને છે કે તમને લાગે છે કે તમે કઈં ખોટું નથી કર્યું છતાં સામી વ્યક્તિ એવું માને છે કે તમે તેમની સાથે અન્યાય કર્યો છે. હવે આવા સંજોગોમાં, જો સામી વ્યક્તિને એમ લાગતું હોય કે તેમની પીડા કે દુ:ખ માટે તમે કારણભૂત છો તો તેમની ક્ષમા માંગી લેવી એ ડહાપણ ભર્યું કામ છે. આપણે છીંક ખાઈએ છીએ તો પણ કેટલાંય જીવજંતુઓનો નાશ કરીએ છીએ. આપણે ચાલીએ છીએ, વાત કરીએ છીએ આ બધામાં કઈં ને કઈં ભૂલ તો રહેવાની જ. તો જો અન્ય વ્યક્તિને એમ લાગતું હોય કે તમે તેમને દુ:ખી કર્યા છે તો માફી માગવામાં સંકોચ ન રાખો. જાણતાં-અજાણતાં, મન-વચન-કર્મથી કોઈને દુ:ખ પહોંચ્યું હોય તો તેમની ક્ષમા માંગી લો.
તમે કોઈની ક્ષમા માંગશો કે તમે કોઈને ક્ષમા આપશો, આ બંનેમાં તમારી પ્રતિષ્ઠાને કોઈ જ હાનિ નહીં પહોંચે. ક્ષમા માંગવી અને આપવી એ શૌર્ય છે. કોઈ ગેરસમજને દૂર કરવાની તમે જવાબદારી લો છો અને સંવાદિતા સ્થાપો છો. તમારી કરુણા વડે, તમારી વિશાળતા વડે તમે ખૂબ સન્માન મેળવો છો.
ઘણી વખત શું થાય છે કે તમે સાચા છો અને સત્યને સાબિત કરવામાં તમે અન્યની લાગણીઓ પ્રત્યે અસંવેદનશીલ બની જાઓ છો. જ્યારે કોઈને તમારાથી માઠું લાગ્યું છે ત્યારે તમે તમારી સત્યતાને પુરવાર કરવાના પ્રયત્નો કરશો તો એ નકામું છે. એના કરતાં માત્ર “સૉરી” કહીને તે વ્યક્તિનાં મનમાં જે કડવાશ છે તેને દૂર કરી દો. ઘણી બધી વખત, સાચી વાતને સાચી સાબિત કરવાના પ્રયત્નો કરવા કરતાં સૉરી કહી દેવું વધુ સારું છે, જેનાથી બન્ને વચ્ચે કોઈ કડવાશ નહીં રહે. સૉરી જેવો નાનો શબ્દ જ્યારે નિષ્ઠાપૂર્વક કહેવામાં આવે છે ત્યારે તે ગુસ્સો, અપરાધભાવ, અલગાવ અને તિરસ્કારની લાગણીઓને નિર્મૂળ કરે છે.
હવે કોઈ વ્યક્તિ, તમે સૉરી કહો છો, છતાં પણ વારે વારે તમને ભૂલ યાદ કરાવે તો શું કરશો? સ્મિત કરો અને આગળ વધો. તમે માફી માંગ્યા પછી પણ તેઓ માફ નથી કરી શકતા, તો એ તેમની સમસ્યા છે. તમે ભૂતકાળને ભૂલીને આગળ વધો. ભૂતકાળમાં તમારાથી ભૂલ થઈ હતી પણ આજે તમે એ વ્યક્તિ નથી. આજે તમે બદલાઈ ચૂક્યા છો. જો તમે અધ્યાત્મના પથ પર છો, જ્ઞાન પ્રતિ તમારી રુચિ છે તો અચૂક માનો કે તમારું આખું જીવન બદલાઈ ગયું છે.
તો જેઓ તમારી ભૂતકાળની ભૂલોને વારંવાર યાદ કરાવે છે તેમના પ્રત્યે કરુણા રાખો, ક્રોધ ન અનુભવો. એમ વિચારો, કે તેઓને ખબર નથી કે તમારામાં પરિવર્તન આવ્યું છે. હું હવે પહેલાં કરતાં તદ્દન અલગ વ્યક્તિ છું. આ શ્રદ્ધા તમારી અંદર જગાવો. જો કોઈ તમને માફ નથી કરી રહ્યું તો તમે આત્મ-દયાની ભાવનાનો શિકાર ન બનો. સ્મિત કરો અને આગળ વધો.
વારંવાર એકની એક ભૂલ ન કરો. જે ભૂલ થઈ ગઈ છે તેમાંથી પાઠ શીખો. અને તેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખો. ભૂલ કર્યા પછી કેટલાંક લોકો અપરાધભાવ અનુભવે છે. સતત ગિલ્ટમાં રહે છે, જ્યારે કેટલાંક લોકો, પોતાની ભૂલ માટે પણ અન્ય ઉપર દોષારોપણ કરે છે. આ બન્ને મનોવૃત્તિની પરે જવાનું છે. ભૂલ થઈ જાય ત્યારે પોતાનાં ઉપર કે અન્ય ઉપર દોષારોપણ ન કરો. અધ્યાત્મમાં ગિલ્ટ તો બહુ જ હાનિ પહોંચાડે છે. અપરાધભાવથી પીડાતી વ્યક્તિ ક્યારેય સ્વ સાથે ઐક્ય સાધી શકતી નથી. ભૂલને એક પુષ્પની જેમ જુઓ. જેમ એક પુષ્પ ખીલીને વિખરાઈ જાય છે તેમ ભૂલ પણ અંતે વિખરાઈ જાય છે.
પોતાની જ્યારે ભૂલ થાય ત્યારે આ જ્ઞાન તમને ચોક્કસ સહાયરૂપ બનશે. પરંતુ બીજાની ભૂલ થાય ત્યારે શું કરવું જોઈએ, તે વિશે આવતાં સપ્તાહે વાત કરીશું.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)