આ રીતે તમે તમારા અસ્તિત્વને અનુભવો

બુધ્ધિમતા જ બુધ્ધિમતાને સમજી શકે અને પ્રેમ પ્રેમને. નાક માત્ર સૂંઘી શકે, આંખો માત્ર જોઈ શકે, કાન માત્ર સાંભળી શકે, આમ હ્રદય જ અનુભવ કરી શકે બરોબરને? આપણે હ્રદય (પ્રેમ)ને મગજમાં અને મગજ (બુધ્ધિમતા)ને હ્રદયમાં બેસાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ તેમાં સફળતા નથી મળતી. તમારા હ્રદયને કોઈ વસ્તુ સુંદર લાગે છે, જ્યારે મગજને બીજી જ કોઈ. આપણે મનમાં રહેલા કોઈ શબ્દને વળગી રહી શકીએ છીએ પરંતુ તેને અનુભવી શકતા નથી. આપણે મગજમાં વારંવાર ‘સુંદર’ શબ્દ બોલી શકીએ છીએ પરંતુ એનાથી સુંદરતાનો અનુભવ થતો નથી.

પ્રેમનું પણ એવું જ છે. તમે પ્રેમની ખૂબ અભિવ્યક્તિ કરો તો તમારું મગજ તેમાં અટકી જાય છે અને હ્રદયમાં પ્રેમ જાગતો નથી. મૌન અવસ્થામાં પ્રેમ પ્રગટ થાય છે, પાંગરે છે. આપણે અલગ નથી. આપણે સૌ એક છીએ. હું તમને સૌને જાણું છું અને તમે જ્યારે તમારી અંદર ઊંડે ઉતરો છો ત્યારે તમે મને પણ જાણી શકો છો. આપણે એક બીજાથી અજાણ્યા નથી.

જે વસ્તુઓ પ્રત્યે આપણને વધુ પ્રેમ હોય તેમાં આપણે પોતાની જાતને અનુભવી શકીએ છીએ. જ્યારે આપણને ગમતી વસ્તુ આપણે ગુમાવીએ છીએ ત્યારે આપણને તકલીફ થાય છે, દુ:ખ થાય છે. ધારો કે તમને તમારો પિયાનો બહુ ગમે છે અને તમને ખબર પડે કે તેને કંઈ થયું છે,તૂટી ગયો છે, તો તમારી અંદર કંઈક અળગું થઈ જાય છે. અથવા તમારી કારને કે કૂતરાને કંઈક થઈ જાય છે તો તમને તેની ખોટ સાલે છે. તમે તમારા શરીરમાં માત્ર જીવતા નથી,પરંતુ તમે તેને તમારું ઘર પણ બનાવ્યું છે. પરંતુ જો આપણે આપણા અસ્તિત્વને તમામને આવરી લે એવું વિસ્તૃત કરીએ તો આપણને જાણ થાય છે કે કંઈ ખોટ પડે એવું હોતું જ નથી અને આપણે સમગ્ર, સર્વસમાવિષ્ટ છીએ.

હું પ્રેમ છું, તમે પરમ સત્ય છો.

તમે એ પરમ સત્ય છો કે જેનામાં સમગ્ર બંહ્માંડ સમાયેલું છે. વાદળી એ સુંદર રંગ છે, કંઈક વિશાળ કે અનંતનો સૂચક છે. સર્જનમાં જે કંઈ અનંત છે તે પોતાને વાદળી રંગ દ્વારા વ્યક્ત કરે છે. તમે એ વાદળી મોતી એટલે કે એવું બીજ છો જેમાં બધું સમાવિષ્ટ છે. એટલે કે તમને માપી શકાય નહીં. તમારું અસ્તિત્વ ખૂબ ગહેરું છે. ભલે તમે શરીર થકી અસ્તિત્વ ધરાવતા લાગો છો. પણ તમારા અસ્તિત્વનો, તમારી ગહેરાઈનો, તમે કેટલા પ્રાચીન છો તેનો તાગ કોઈ મેળવી શકે નહીં. તમારો આત્મા એ કોઈ વાદળી રંગની અનંતતા માત્ર નથી;તે તો પ્રકાશમાન ઝળહળતી અનંતતા છે! વાદળી મોતી એટલે જે ચમકે છે,જે ઝળહળે છે,જે અનંત છે;છતાં તે સીમિત જણાય છે. સમજી શકાય તેવું, તાગ મેળવી શકાય તેવું લાગે છે.

તમે તમારું અસ્તિત્વ, તમારો આત્મા એ સર્વને સમાવિષ્ટ કરનાર બીજ છે. તે જોઈ શકાય તેવું ભાસે છે કારણ કે તમે દેહ ધારણ કરવાથી જોઈ શકાય તેવા, સમજી શકાય તેવા દેખાવ છો. જ્યારે આપણે આપણા હ્રદયને સાંભળવાનું શરું કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે બધું એકરૂપ જ છે;અને બધામાં એક જ ઈશ્વર છે. જેવી રીતે આપણા શરીરમાં અનેક કોષો છે અને દરેક કોષનું પોતાનું જીવન હોય છે. દરરોજ ઘણા કોષો જન્મે છે અને ઘણા મૃત્યુ પામે છે, પણ તેઓ તમને જાણતા નથી. પરંતુ જો કોઈ એક ચોક્કસ કોષમાં કોઈ તકલીફ થાય છે તો તમે તે અનુભવી શકો છો. એ જ રીતે ભલે આપણા સૌનું મર્યાદિત જીવન હોય, પરંતુ વાસ્તવિકતામાં માત્ર એક જ જીવન છે જેમાં અન્ય તમામ જીવનોનો સમાવેશ થાય છે.

આપણે સૌ સમુદ્રરુપી એક વિશાળ જીવનમાં તરી રહ્યા છીએ. આપણી આસપાસ જે અવકાશ છે તે ખાલી નથી. એ વિશાળ સમુદ્રરુપી જીવનમાં બધા કોટલું તરી રહ્યા છે. દરેક કોટલુંમાં થોડું જળ છે જે આસપાસના સમુદ્રના જળ કરતાં વિભિન્ન નથી. આમ આપણે સૌ આપણા કોટલામાંથી બહાર આવીએ છીએ અને અનુભવીએ છીએ,”હું માત્ર આ દેહમાં સીમિત નથી, પરંતુ હું બધે વ્યાપ્ત છું; સર્વત્ર છું, ત્યાં,અહીં,બધે જ. હું દરેક જણમાં મારી પોતાની જાતને જોઉં છું.” આ જ તો જીવનનો સાર છે!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)