જીવન સંપૂર્ણ છે અને અહીં પ્રવર્તમાન સઘળું જીવનનો જ એક અંશ છે. જીવનમાં ઉદ્ભવતી પ્રત્યેક પરિસ્થિતિનો ઉપયોગ આધ્યાત્મિક પ્રગતિ માટે કરો. આ માટે આધ્યાત્મિકતા ના સરળ સાત નિયમો જાણી લો.
પ્રથમ નિયમ: જે આત્મ શક્તિ આપનાં જીવનને ચલાવે છે, તે ખૂબ પવિત્ર છે. તેનું સન્માન કરો. આપ જીવન ઊર્જાનું સન્માન કરવાનું શરૂ કરશો કે સહજ જ અન્ય સદગુણ પણ આપની અંદર સ્ફુરિત થવા લાગશે. આપ ઉદાર બનશો, આપની અંદર આત્મીય ભાવ ખીલશે અને આપ પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પદાર્થ સાથે તાદાત્મ્ય અનુભવશો.
બીજો નિયમ: અન્ય ઉપર દોષારોપણ ન કરો. તેમ જ, પોતાની જાત ઉપર પણ દોષારોપણ ન કરો. અન્યની અને સ્વયંની પ્રશંસા કરો. જ્યાં આવશ્યક હોય ત્યાં પણ કોઈ પ્રતિભાવ ન આપવો, તેવો આનો અર્થ નથી. આલોચના ચોક્કસ કરો પરંતુ હ્રદયમાં કટુતા લાવ્યા સિવાય માત્ર ઉપરી આલોચના કરો.
ત્રીજો નિયમ: અન્ય વ્યક્તિની ભૂલ હોય તો તેના તરફ તેનું ધ્યાન ચોક્કસ દોરો પરંતુ સાથે સાથે તે ભૂલનું સમાધાન, તેને દૂર કરવા માટેના ઉપાયો પણ સૂચવો. આપ માત્ર સમસ્યા પ્રત્યે જ કોઈનું ધ્યાન દોરો છો અને ઉપાય નથી દર્શાવતા તો માત્ર અડધું જ કાર્ય આપ પૂર્ણ કરો છો. જો આપ એ સમસ્યાનું સમાધાન નથી જાણતા તો તેમની સાથે મળીને સમાધાન શોધવાના સંયુક્ત પ્રયત્નો કરો.
ચોથો નિયમ: જાણી લો કે કોઈ પણ વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. દરેક વ્યક્તિગત મન, બ્રહ્માંડની ચેતના સાથે જોડાયેલું છે. બ્રહ્માંડ દ્વારા નિર્ધારિત સ્થળ-કાળની યોજના મુજબ જ સઘળું ઘટિત થતું રહે છે. સમય બદલાય છે ત્યારે મિત્ર, શત્રુ બની જાય છે અને શત્રુ, મિત્ર બની જાય છે. સ્વયંમાં, આત્મતત્વમાં અને જીવન પ્રતિ ઊંડી શ્રદ્ધા રાખો.
પાંચમો નિયમ: આપનાં પોતાના માટે સમય કાઢો. થોડા સમય માટે એકાંતમાં, પોતાની જાત સાથે રહો. જે આપની ભીતર અધિક પ્રાણ ઊર્જાનું સંચારણ કરશે.
છઠ્ઠો નિયમ: જાણી લો કે બધું જ ક્ષણભંગુર છે. આપ જેને જેને “આ છે” તેમ કહેશો તે બદલાઈ જશે. પરંતુ જે અનુભવ કહે છે કે “આ છે” તે પરિવર્તનશીલ નથી. અનુભવ હંમેશા અલિપ્ત રહે છે. “હું ખુશ છું.” પણ આ “હું” કોણ છે? હવે અહીં કોઈ “હું” નું અસ્તિત્વ નથી, પણ એક ચૈતન્યનાં સ્વરૂપમાં “હું” છે. જ્યારે આ ચેતના પણ ઓગળી જાય છે ત્યારે માત્ર “હોવું” રહી જાય છે. અને પછી જે કઈં છે તે હું જ છું: વૃક્ષો, પર્વતો સઘળું “હું” જ છું. આ “હું” પણ એક હવાનાં પરપોટાની જેમ વિલીન થઈ જાય છે અને તે જ સમાધિ અવસ્થા છે, તે જ ધ્યાન છે.
સાતમો નિયમ: સમર્પણ કરો. ધ્યાનની અને સમાધિની અવસ્થામાં પ્રાપ્ત થતાં પરમ આનંદનું પણ સમર્પણ કરી દો. સઘળું છોડી દો. શાંતિને પણ પકડી ન રાખો. કેમ કે જો આપ શાંતિનો પણ આગ્રહ રાખો છો તો અશાંતિ મળે જ છે. જો આપ આનંદને પકડી રાખશો તો આપને દુ:ખ મળે છે. પરંતુ જો આપ આનંદનો આગ્રહ નથી રાખતાં તો દુ:ખ કદાપિ આપને સ્પર્શ નહીં કરે. જો આપ શાંતિનો દુરાગ્રહ નથી રાખતાં તો આપ કદાપિ વ્યગ્ર થશો નહીં. બધું જ આ જીવનનો જ અંશ છે. તો પ્રત્યેક પરિસ્થિતિને આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવો. જે કઈં સામે આવે છે તે સઘળાંનો જીવનનાં ભાગ રૂપે સ્વીકાર કરો. આ તપસ્યા છે, અને આ જ આધ્યાત્મિકતાનો સાતમો નિયમ છે, જ્યારે આપ આનંદ પ્રાપ્તિ માટે અધીરાઈ છોડી દો છો ત્યારે આપ મુક્ત બનો છો. અને જ્યારે આપને મુક્તિની પણ ચાહ નથી ત્યારે આપ જીવન પ્રાપ્ત કરો છો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)