મન બે પ્રકારના હોય છે- ખુલ્લું મન અને બંધિયાર મન.જે મન એમ કહેતું હોય, “મને ખબર છે,આ આમ જ હોય” એ મન બંધિયાર હોય છે.ખુલ્લું મન એટલે જે કહેતું હોય,”અરે,શક્ય છે,કદાચ,મને ખબર નથી!”બધી સમસ્યાઓ ‘જાણું છું’ ને લીધે ઉત્પન્ન થાય છે,’નથી ખબર’ એમાંથી નહીં. સીમિત જ્ઞાન અને એની આસપાસ ઘુમવાથી મન ખૂબ રુક્ષ થઈ જાય છે.
જ્યારે પણ એવું લાગે છે કે તમે કોઈ પરિસ્થિતિને સમજ્યા છો અને તેને ‘લેબલ’ કરો છો તે તમારી સમસ્યાની શરુઆત હોય છે. તમે જે વિશે નથી જાણતા તેને લેબલ નથી કરતા. જ્યારે પણ તમને એવું લાગે છે કે તમને અન્યાય થયો છે કે તમે પીડિત છો અથવા તમને એવું લાગે છે કે તમારી સાથે કંઈ ખોટું થયું છે, આ તમામ ‘મને ખબર છે,બધું આવું છે’ ના પ્રકારમાં આવે. પીડા એ સીમિત જ્ઞાનની ઉપજ છે. પરંતુ જ્યારે આશ્ચર્ય,ધીરજ, આનંદ હોય છે ત્યારે તમે ‘મને ખબર નથી, કદાચ’ ની અવસ્થામાં હોવ છો. આખું જીવન ‘મને ખબર છે’ની સીમિતતાથી તમામ શક્યતાઓ તરફનો બદલાવ છે.
તમને એવું લાગે છે કે તમે દુનિયાને ઓળખો છો અને આ સૌથી મોટી સમસ્યા છે. આ માત્ર એક જ દુનિયા નથી,આ દુનિયામાં ઘણા સ્તર છે. જ્યારે તમે વ્યથિત હોવ છો ત્યારે કોઈક તાર ખેંચાતો હોય છે. જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે તે ઘટના એ પ્રમાણે હોવાની ઘણી શક્યતાઓ હોઈ શકે છે, માત્ર સ્થૂળ સ્તરે જ નહીં, પરંતુ સૂક્ષ્મ સ્તરે પણ અન્ય કોઈ કારણ હોઈ શકે છે. ધારો કે તમે તમારા રુમમાં પ્રવેશો છો અને જુઓ છો કે ઘરમાંથી કોઈએ એમાં ઘણું અસ્તવ્યસ્ત કરી દીધું છે. તમે ચિડાઈ જાવ છો અને તમારા ગુસ્સા માટે એ વ્યક્તિને જવાબદાર ગણો છો. પરંતુ સૂક્ષ્મ સ્તરે એના કરતાં કંઈક વધુ થઈ રહ્યું છે,બીજું જ કંઈ જવાબદાર છે ,પરંતુ તમે એ જ વ્યક્તિને અસ્તવ્યસ્ત કરવા માટે જવાબદાર સમજો છો અને ગુસ્સા માટે તેને કારણભૂત માનો છો.
સીમિત જ્ઞાનથી આવું થાય છે. એનો અનુભવ થવા છતાં તમે એનાથી આગળ કંઈ જોતા નથી. ભારતમાં એક કહેવત છે કે,” તમે જે કૂવો રાત્રે જોઈ શકતા હતા તેમાં દિવસે પડી ગયા.”રાત્રે તમે ખાડો જોયો,તમે ચેતી ગયા અને તમે તેનાથી બચીને ચાલ્યા. પરંતુ દિવસે તમે એ જ ખાડામાં પડ્યા. આનો અર્થ એ છે કે તમારી આંખો ખુલ્લી નથી હોતી,તમે જે થઈ રહ્યું છે તે જોવા અને સમજવા સંવેદનશીલ નથી.
આપણે ઘટનાઓ અને લાગણીઓને માણસો સાથે સાંકળી દઈએ છીએ તેનાથી ચક્ર ચાલ્યા કરે છે. તમે તેનાથી ક્યારેય મુક્ત નહીં થઈ શકો. માટે, એ વ્યક્તિ,જગ્યા અને સમયની સાથે સાંકળી દીધેલી ઘટના અને લાગણીને હટાવી દો. વિશ્વના ઐક્યનું જ્ઞાન મેળવો. જો તમારા હાથ પર ટાંકણી ભોંકવામાં આવે છે તો તમારા આખા શરીરને તેની ખબર પડે છે,અનુભવ થાય છે. આ જ રીતે દરેક વ્યક્તિ સમગ્ર સર્જન સાથે,બીજા બધા સાથે સંકળાયેલી છે કારણ કે અતિ સૂક્ષ્મ સ્તરે માત્ર એક જીવન છે,ભલે સ્થૂળ રીતે ઘણા છે એવું દેખાતું હોય.
તમે જેમ જેમ ઊંડા ઉતરો છો તેમ એક જ અસ્તિત્વ છે, એક જ દિવ્યતા છે. શાણો માણસ ક્યારેય કોઈને લેબલ કરતો નથી. હકીકતમાં શાણા માણસમાં બધા અલગ અલગ અસ્તિત્વ શમી જાય છે. માટે જ કોઈએ અન્યોની ભૂલ પાછળ ઈરાદો ના જોવો જોઈએ અથવા કોઈના પર ભૂલોનું દોષારોપણ કરીને તેમના પ્રત્યે દ્વેષભાવ ના રાખવો જોઈએ. આમ કરીએ તો મન રાગ અને દ્વેષ કરવાનું છોડે છે અને મુક્ત થાય છે.જ્યારે મન નિઃશેષ થઈ જાય છે ત્યારે માત્ર આત્મા રહે છે. જ્યારે તમે ચેતનાની નિશ્ચિતતા વિશે સભાન બનો છો ત્યારે દુનિયાની અનિશ્ચિતતાઓને સહેલાઈથી સ્વીકારી શકો છો. મોટે ભાગે લોકો આનાથી વિપરીત કરે છે.તેઓ જે ભરોસાપાત્ર નથી તેના પર મદાર રાખે છે અને વ્યથિત થાય છે.
દુનિયા પરિવર્તનશીલ છે અને આત્મા અપરિવર્તનશીલ. તમારે અપરિવર્તનશીલ પર આધાર રાખવો જોઈએ અને પરિવર્તનને સ્વીકારવા જોઈએ. બધું અનિશ્ચિત છે એવું જો તમે દ્રઢપણે માનો છો તો તમે મુક્ત થઈ ગયા છો. જો તમે અજ્ઞાનને લીધે આ વિશે સ્પષ્ટ નથી તો તમે ચિંતાતૂર અને તનાવગ્રસ્ત થાવ છો. અનિશ્ચિતતા વિશે સભાન રહેવાથી ચેતનાના ઉચ્ચતર સ્તર અને સ્મિત પ્રાપ્ત થાય છે.
અનિશ્ચિતતામાં રહેવું એટલે જતું કરવું. ઘણી વાર તમારી નિશ્ચિતતા કે અનિશ્ચિતતા દુનિયાની સાપેક્ષતા પર આધારિત હોય છે. સાપેક્ષતાની અનિશ્ચિતતા વિશે દ્રઢ થવાનું તમને શાશ્વતના અસ્તિત્વ વિશે દ્રઢ બનાવે છે અને તેને માટે એક શ્રધ્ધા ઉત્પન્ન કરે છે. અનિશ્ચિતતામાં ક્રિયાશીલ રહેવું એ જીવનને એક રમત બનાવે છે,પડકાર બનાવે છે. ઘણી વાર લોકો માને છે કે નિશ્ચિતતા એટલે મુક્તિ. જો તમે અનિશ્ચિતતામાં પણ એ મુક્તિ અનુભવો છો તો તે ‘સાચી’ મુક્તિ છે.